શેરબજારમાં નવા માર્જીન નિયમોથી સેટલમેન્ટ ખોરવાયું

0
246
બ્રોકરો-ઇન્વેસ્ટરોમાં વધતા આક્રોશ વચ્ચે પેનલ્ટીની વસુલાત 15 સપ્ટેમ્બર સુધી મુલત્વી: નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇતિહાસમાં પ્રથમવખત સમાન દિવસે સેટલમેન્ટ શક્ય ન બન્યું

રાજકોટ,તા. 4
શેરબજારમાં ગત સપ્ટેમ્બરથી લાગુ થયેલા નવા માર્જીન નિયમો તથા શેર ગીરવે મુકવાની નવી પ્રક્રિયાથી દેકારો વધવા લાગ્યો છે. ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત ટ્રેડીંગ સાયકલ ખોરવાઈ ગઇ છે અને વોલ્યુમમાં ધરખમ કાપ છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇતિહાસમાં પ્રથમવખત સમાનદિવસે સેટલમેન્ટ થઇ શક્યું નહતું. ઇન્વેસ્ટરોએ માર્જીન પેટે શેરો ગીરવે મુયા હોવા છતાં બ્રોકરો પાસેથી માર્જીનની ઉઘરાણી થતી રહી હતી. એનએસઇએ નવા નિયમ હેઠળ ઓછા માર્જીન કે માર્જીન ન ચૂકવવાના નિયમનો ભંગ થવા બદલ પેનલ્ટી લગાવવાની જોગવાઈ 15 સપ્ટેમ્બર સુધી મુલત્વી રાખી દેવાની જાહેરાત કરી છે.

બ્રોકરો-ઇન્વેસ્ટરોમાં દેકારા વચ્ચે સેબી પણ મેદાને આવી હતી અને ક્લાયન્ટ પાસેથી માર્જીન નહીં લેવા બદલ પેનલ્ટી નહીં લેવા શેરબજારોને સુચવ્યું હતું. સેબીને સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે આવતા સપ્તાહથી ટેકનીકલ મુશ્કેલીઓ દૂર થઇ જશે અને નવા નિયમો હેઠળ કામગીરી સરળ બની જશે.

સેબીનુંં એવું માનવું છે કે શેર ગીરવે મુકવા કે છોડાવવાની પ્રક્રિયા માટે બ્રોકરો છેલ્લી મીનીટ સુધી રાહ જોતા હોવાના કારણે સિસ્ટમ પર દબાણ ઉભું થાય છે. ક્લીયરીંગ સિસ્ટમ ઓવરલોડ થઇ જાય છે. ચાર દિવસમાં શેર ગીરવે મુકવાના બે કરોડ ટ્રાન્જેકશન થયા હતા.

શેરબ્રોકરોનો એવો આક્ષેપ છે કે નવી સિસ્ટમ વિશે ડીપોઝીટરીઓએ જ પૂર્વ તૈયારી કરી નથી. ક્લાયન્ટના શેરો ગીરવે મુકાતા હોવા છતાં સિસ્ટમમાં દેખાતા નથી એટલે માર્જીનની ઉઘરાણી થાય છે. ઇન્વેસ્ટરો વેપાર કરી શકતા નથી એટલું જ નહીં ગીરવે મુકાતા શેરો છોડવામાં ઢીલને કારણે પે આઉટ શક્ય બનતું નથી. આ ઝંઝટને કારણે સામાન્ય કામકાજને પણ ગંભીર અસર થઇ છે. 31 ઓગસ્ટની સરખામણીએ કેશમાર્કેટના વોલ્યુમમાં 35 ટકા જેવો ધરખમ ઘટાડો થયો છે. સેટલમેન્ટ સાયકલ પણ ખોરવાતા તકલીફ વધી હતી.

એવું પણ બહાર આવ્યું છે કે નવી સિસ્ટમમાં તકલીફને કારણે 100 કરોડના શેરો ઓકશનમાં આવ્યા હતાં.