રાજકોટમાં 45 કેસ પોઝિટિવ, 14નાં મોત, શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 3524 પર પહોંચી

0
91
  • રાજકોટમાં મૃત્યઆંક વધતા સરકાર ચિંતિત બની
  • છેલ્લા પાંચ દિવસથી દર કલાકે 1નું મોત
  • રાજકોટ વોર્ડ નં.14ના મહિલા કોર્પોરેટરના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની સંખ્યા સાથે સાથે મૃત્યુઆંક ખુબ જ વધી રહ્યો છે. આજે રાજકોટમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી સારવાર લઈ રહેલા 14 લોકોના મોત થયા છે. છેલ્લા 4 દિવસમાં કોરોનાથી 90 લોકોના મોત નિપજ્યાં છે. છેલ્લા પાંચ દિવસથી દર કલાકે 1નું મોત થઈ રહ્યું છે. જ્યારે આજે રાજકોટમાં વધુ 45 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. રાજકોટમાં કોરોનાના કેસ અને મોતને કંટ્રોલમાં લેવા માટે આરોગ્ય અગ્રસચિવ અને સિનિયર ડોક્ટરોની ટીમે છેલ્લા 4 દિવસથી રાજકોટમાં ધામા નાખ્યા છે. પરંતુ કોરોના કેસની સંખ્યા અને મોતની સંખ્યા ઘટવાને બદલે વધતી જાય છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 3524પર પહોંચી ગઈ છે.

રાજકોટમાં 1562 દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટમાં ગઈકાલે 86 કેસ નોંધાયા હતા. શહેરમાં કુલ 3524 કેસ પોઝિટિવ છે. રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 1562 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ગુરુવારે કુલ 29 દર્દીઓ કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 251 કેસ નોંધાયા
ગુરૂવારે રાજકોટમાં 86, જામનગરમાં 88, ભાવનગરમાં 58 ગીર સોમનાથમાં 14 અને બોટાદમાં 5 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. આમ સૌરાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જે ખુબ જ ચિંતાનો વિષય છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર પ્રવેશ પર પ્રતિબંધ
કોરોના સંક્રમણને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં માસ્ક વગર સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. કોવિડ હોસ્પિટલના પટાંગણમાં કોરોના દર્દીના સગા-વ્હાલાને પ્રવેશ આપવામાં આવશે નહીં. સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટમાં પ્રથમવાર રોબોટ નર્સ આવશે
રાજકોટમાં પહેલીવાર સિવિલ હોસ્પિટલમાં રોબોટ નર્સ આવશે. ખાનગી કંપની દ્વારા સંચાલિત રોબોટ નર્સનો પ્રયોગ કરવામાં આવશે. આ રોબોર્ટ તાવ માપશે.,જમવાનું આપશે અને દર્દીઓને દવા આપશે. L&T કંપની દ્વારા રોબોટ નર્સ બનાવવામાં આવી છે. ગુજરાત CSR ઓથોરિટી દેખરેખ રાખશે.

4 તાલુકા વચ્ચે કોવિડ હોસ્પિટલ તૈયાર કરવા માટે સરકારને રજૂઆત
રાજકોટમાં વધતા જતા કોરોના કેસને લઈને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા વહીવટી તંત્રને રજૂઆત કરશે. 4 તાલુકા વચ્ચે કોવિડ હોસ્પિટલ તૈયાર કરવા માટે સરકારને રજૂઆત કરશે. લલિત વસોયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જયંતિ રવિ છેલ્લા 5 દિવસથી રાજકોટમાં છે. તેમ છતાં રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી. રાજકોટમાં જે રીતે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. તેની સામે સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા પૂરતી નથી. જ્યારે લલિત કગથરાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે લોકડાઉનના નામે દેશની કમર તોડી નાખી, હવે સરકાર આવડી મોટી રેલીઓ કરે છે. મારે એટલું જ કહેવું છે કે સિવિલ હોસ્પિટલની સુવિધા સુધારો કારણ કે ગરીબ વર્ગ આમાં મરી રહ્યો છે. અમે આંકડામાં પડવા માંગતા નથી.

પ્રાંત-1ના અધિકારી સહિતની ટીમ ખાનગી હોસ્પિટલની મુલાકાતે
રાજકોટ પ્રાંત-1ના અધિકારી સહિતની ટીમ શહેરની અલગ અલગ ખાનગી હોસ્પિટલની મુલાકાતે છે. ગઈકાલે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા બાદ અધિકારીઓ ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરવા માટે પહોંચી ગયા છે. હોસ્પિટલોમાં કેવા પ્રકારની સુવિધા આપવામાં આવે છે તેની તપાસ કરશે. આ સાથે જ જો કોઈ દર્દી તોતિંગ પૈસા વસૂલ કરવાની ફરિયાદ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટ નાખતા 2 કોવિડ હોસ્પિટલને દંડ ફટકાર્યો
શહેરમાં ઢેબર રોડ પર આવેલ સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ અને યાજ્ઞિક રોડ પર આવેલ ઓરેન્જ કોવિડ હોસ્પિટલ દ્વારા ટીપર વાનમાં અને જાહેર માર્ગો પર બાયો મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો. જેની સામે મનપા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કડક કાર્યવાહીના પગલે બંને હોસ્પિટલ પાસેથી 10-10 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here