ઉના નેશનલ હાઈવે પર ખાડારાજ, ‘વિકાસ ગાંડો થયો છે રોડ તેનું ઉદાહરણ છે’ના બેનર સાથે લોકોનો વિરોધ, 5ની અટકાયત

0
304

ખરાબ રસ્તાને લઈને ઉનામાં બેનરો સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા

  • 15 દિવસ પહેલા લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અલ્ટિમેટમ આપ્યું હતું

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ઠેર ઠેર રસ્તાઓની બદતર હાલત થઈ ગઈ છે. હાઈવે, નેશનલ હાઈવે પર મોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો હેરાન પરેશાન બની ગયા છે. ખરાબ રસ્તાને કારણે બીમાર વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચડવા પણ મુશ્કેલ બની રહ્યા છે. ત્યારે ઉના નેશનલ હાઈવે પર મસ મોટા ખાડા પડી ગયા હોવાથી લોકો આજે વિરોધ કર્યો હતો. વિકાસ ગાંડો થયો છે રોડ તેનું ઉદાહરણ છે તેવા બેનર સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જો કે, પોલીસ દોડી આવી 5 લોકોની અટકાયત કરી હતી અને તમામને ઉના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

લોકોએ સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો
લોકોએ ખરાબ રસ્તાને કારણે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ તાત્કાલિક રસ્તાઓ રિપેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. લોકોએ રસ્તા પર ચાલીને રામધૂન બોલાવી હતી. જોકે કોરોના મહામારીમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન પણ ભૂલ્યા હતા.19 ઓગસ્ટના રોજ લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. તપરંતુ યોગ્ય ઉકેલ ન આવતા યુવા કોળી સંગઠન દ્વારા આજે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરી આવ્યા હતા. આથી પોલીસ અટકાયત કરી હતી. ખરાબ રસ્તાને કારણે બે દિવસ પહેલા જુનાગઢમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ ખાડાનું અબીલ-ગુલાલ વડે પૂજન કર્યું હતું. તેમજ બોટાદમાં પણ કોંગ્રેસ ખાડામાં વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ કર્યો હતો.

નેશનલ હાઈવે ઓથોરિટીએ એકવાર વિઝિટ કરી લીધી છેઃ પ્રાંત અધિકારી
પ્રાંત અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે ઓથોરિટીને અમે લેખિત જાણ કરી દીધી છે અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એક વિઝિટ પણ કરી લીધી છે. અમારા તરફથી એક અલ્ટિમેટમ પણ આપ્યું હતું કે, આ રોડનું યોગ્ય રીતે રિપેરિંગ કરવામાં આવે. નેશનલ હાઈવે ઓથોરિટીએ વિઝિટ કરી લીધી છે અને તેઓને રિપોર્ટિંગ કરવાનું બાકી છે. આ ઉપરાંત ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં પણ રસ્તાઓ જલ્દી રિપેર થઈ જાશે.