સરકારની જાહેરાતો, ભાજપ-કૉંગ્રેસના નેતાઓના પ્રવાસ અને સીમાંકનની ઝડપી પ્રક્રિયાથી ચૂંટણીના ભણકારા

0
109

ડાબેથી ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન ભાજપના ગોરધન ઝડફિયા અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ રાજકોટના પ્રવાસ સમયે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ

  • ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત, પાલિકા અને વિધાનસભાની પેટાચૂંટણીઓ પૂર્ણ કરવા હિલચાલ

ભવિષ્યમાં થનારી દરેક રાજકીય ગતિવિધિના અગાઉથી જ સંકેત મળી જતા હોય છે. ગુજરાતમાં પણ હવે આગામી દિવસોમાં ચૂંટણીઓ આવી રહી હોવાના ભણકારા વાગવા લાગ્યા છે, કેમકે રાજ્ય સરકાર પણ કૃષિ-મહેસૂલથી લઈ કાયદા સહિતની બાબતોમાં ફટાફટ અલગ અલગ નીતિઓ, નિર્ણયો અને યોજનાઓની જાહેરાતો કરી રહી છે. તો બીજી બાજુ ભાજપ અને કૉંગ્રેસના નેતાઓના પ્રવાસો પણ ચાલુ થઈ ગયા છે. માત્ર એટલું જ નહીં ચૂંટણી પંચ દ્વારા પણ નવા સીમાંકન ની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવી રહી છે તે જોતાં ગુજરાતમાં મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે.

ચૂંટણીપંચે છ મહાનગરપાલિકાના સીમાંકનનું કામ પૂર્ણ કર્યું
ચૂંટણીપંચ રાજ્યમાં ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યું છે, તે જોતા 15 સેપ્ટેમ્બરની આસપાસથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ શકે છે. જેમાં પહેલાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી થશે, ત્યારબાદ જિલ્લા–તાલુકા પંચાયત, પાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ થવાની છે.રાજ્ય ચૂંટણીપંચના સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યની છ મહાપાલિકાની હદ વધારતી જાહેરાત પછી પંચે નવા સીમાંકનનું કામ પૂર્ણ કર્યું છે. આ સાથે અનામત બેઠકો અને વોર્ડ રચનાના કામો પણ પૂર્ણ કર્યા છે. ધીમે ધીમે પ્રત્યેક મહાનગરમાં નવા સીમાંકનની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં કેટલાક મહત્વના ફેરફારો કરવામાં આવનાર છે.

વિધાનસભાની પેટાચૂંટણીનું નોટિફિકેશન 15મીની આસપાસ બહાર પડી શકે
રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી કરવામાં આવશે. આ અંગેનું નોટિફિકેશન 15મી સપ્ટેમ્બરની આસપાસ બહાર પડે એવી સંભાવના છે. આ સાથે રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતા અને આરોગ્ય વિષયક પગલાં જાહેર કરવામાં આવશે. કોરોના સંક્રમણના સમયમાં કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાન અને ચૂંટણી પ્રચાર માટે કેટલીક આચારસંહિતા બનાવી છે, જેનો અમલ ગુજરાતની પ્રત્યેક ચૂંટણીમાં કરવાનો રહેશે.

55 નગરપાલિકામાંથી 7 નગરપાલિકાઓમાં ફેરફાર કર્યો
ગુજરાત સરકારના આદેશથી ચૂંટણીપંચે મહાનગરપાલિકા,પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની હદ વિસ્તારમાં મોટા ફેરફારો કર્યા છે. રાજ્ય ચૂંટણીપંચે બેઠક અને વિસ્તારમાં ફેરફારની કામગીરી પૂર્ણ કરી છે. નવા સીમાંકન હેઠળ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થવાની છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વોર્ડ દીઠ બેઠકોના નકશામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવશે. 55 નગરપાલિકામાંથી 7 નગરપાલિકાઓમાં ફેરફાર કર્યો છે.જ્યારે 16 જિલ્લા પંચાયતો અને 29 તાલુકા પંચાયતમાં પણ બદલાવ થયો છે. પ્રાથમિક જાહેરનામાની પ્રસિદ્ધિ પણ થઇ રહી છે, જેમાં વાંધા સૂચનો મગાવવામાં આવશે, ત્યારબાદ તેને ફાઇનલ કરી દેવાશે.

ઓક્ટોબરમાં વિધાનસભાની અને નવેમ્બર-ડિસેમ્બરમાં મહાપાલિકાઓની ચૂંટણી થઈ શકે
ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી થવાની છે, જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં મહાનગર પાલિકાઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થશે.રાજ્યમાં બે જિલ્લા પંચાયતને બાદ કરતાં તમામ 31 પંચાયતમાં અને 250 તાલુકા પંચાયતમાં ચૂંટણી થવાની છે.ઉપરાંત મુદ્દત પૂર્ણ થતી નગરપાલિકાની ચૂંટણીઓ પણ સાથે કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here