અમદાવાદ. કોરોનાનાના હોટસ્પોટ બનેલા અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખેડાવાલાએ આજે બપોરે જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત તેઓ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને પણ મળ્યા હતા. આમ ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવનારા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ધારાસભ્યો, મુખ્ય સચિવ અને પોલીસ વડા સહિત તમામને ક્વોરન્ટીન કરવા પડે તેવી સંભાવના છે.
ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગયાસુદીન શેખ એક જ કારમાં બેસીને આવ્યા હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા કેટલાક પત્રકાર મિત્રો અને અધિકારીઓને પણ મળ્યા હતા. તેમજ મુખ્યમંત્રીએ લોકડાઉન અને અમદાવાદના કોટ વિસ્તારમાં લાદેલા કરફ્યુ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના અનેક પત્રકારો પણ સામેલ થયા હતા.
આ અંગે તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે,ઈમરાન ખેડાવાલાએ માસ્ક ન પહેર્યું હોવાથી અને મુખ્યમંત્રીની સાથેની મીટિંગ 15 મિનિટથી વધુ ચાલી હોય તો મીટિંગમાં હાજર તમામને સેલ્ફ ક્વોરન્ટીન થવું પડે. તેમજ સંપર્કમાં આવ્યાના પાંચમા દિવસથી 14માં દિવસની અંદર ટેસ્ટ કરાવવો જોઈએ.