અમરેલી SP નિર્લિપ્ત રાયે કરી 2 જેલ સિપાહીની ધરપકડઃ જેલની VIP બેરેકમાં ચાલતું હતું PCO

0
388

અમરેલીઃ એસપી નિર્લિપ્ત રાયે અમરેલીની જેલમાં ચાલતા કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે એક ખાસ તપાસ દળની રચના કરી હતી. જેની તપાસ દરમિયાન અમરેલી જેલની વીઆઈપી બેરેકમાં રહેલા ગેંગસ્ટર્સ જેલમાં ગેરકાયદે પીસીઓ ચલાવતા હતા. આ ઉપરાંત ગુજરાતની કોઈપણ જેલમાં રહેલા કેદીને જામીન મળી રહે તે માટે બનાવટી મેડીકલ સર્ટિફીકેટની વ્યવસ્થા પણ કરી આપતા હતા.

આ મામલે અમરેલી સીટી પોલીસે અગાઉ છથી વધારે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં બનાવટી મેડિકલ સર્ટિ બનાવી આપનાર ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓની પુછપરછમાં તેમને જેલમાં મળતી ગેરકાયદે સગવળો અને ટેલિફોન જેલ સિપાહી દ્વારા તેમના સુધી પહોંચતી હોવાની કબૂલાત કરી હતી.

આ મામલે વધુ તપાસ કરતાં ખુલ્યું કે અમરેલી જેલમાં ફરજ બજાવતા જયરાજભાઈ માંજરિયા અને સુરેન્દ્ર વરુ બહારથી મોબાઈલ ફોન સહિતના સાધનો જેલમાં પહોંચાડતા હતા. જે પેટે તેમને કેદીઓ મોટી રકમ ચુકવતા હતા. અમરેલી પોલીસે આ બંને જેલ સિપાહીની ધરપકડ કરી તેમની પુછપરછ કરતાં તેઓ પોતાના ઉપરી અધિકારીની સૂચનાનો અમલ કરતાં હતા અને તેમને મળતી રકમમાંથી મોટો હિસ્સો જેલ અધિકારી સુધી પહોંચતો હોવાનું પણ તેમણે જણાવ્યું છે. અમરેલી એસપી નિર્લિપ્ત રાયે જણાવ્યું કે, આ બંને જેલ સિપાહીઓએ જે અધિકારીઓના નામ આપ્યા છે અને જેમના વતી તેઓ કામ કરતાં હતા તેની તપાસ ચાલુ છે, પુરતા પુરાવાના આધારે આ કૌભાંડમાં શામેલ જેલ અધિકારીની પણ ધરપકડ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલીના કુખ્યાત રાજુ શેખવાના નામની અમરેલીમાં ધાક વાગતી હતી. અમદાવાદના એક હત્યાના કેસમાં રાજુ શેખવા પકડાયા બાદ નિર્લિપ્ત રાયે આરોપી શેખવા અને તેના પરિવારે ગુના દ્વારા એકત્ર કરેલી અપ્રમાણસર મિલકતની માહિતી એકત્ર કરી ગુજરાત એસીબીને આ માહિતી પહોંચાડી હતી જેના આધારે શેખવા સહિત પરિવારના ત્રણ લોકો સામે એસીબીએ ગુનો નોંધ્યો છે. હવે આ મામલે ઈડી (એન્ફોર્સમેન્ટ ડાયરોક્ટરેટ) અને ઈન્કમટેક્સ તપાસ કરશે. તેમ નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here