પાકિસ્તાનમાં મહિલા પત્રકારની હત્યા:સરકારી ટીવી ચેનલની 27 વર્ષની એન્કર પર ફાયરિંગ; 28 વર્ષમાં દેશમાં 61 પત્રકારોની હત્યા કરાઈ

0
170
  • મહિલા પત્રકારનું નામ શાહીન છે, તે પાકિસ્તાન ટીવીમાં એન્કર અને રિપોર્ટર હતી
  • શાહીનને બલૂચિસ્તાનમાં તુરબતમાં પાંચ ગોળી મારવામાં આવી હતી, તેને હોસ્પિટલ પહોંચાડનાર ફરાર

પાકિસ્તાનમાં શનિવારે એક મહિલા પત્રકારની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. શાહીના શાહીન સરકારી ટીવી ચેનલ પાકિસ્તાન ટીવીમાં એન્કર અને રિપોર્ટર હતી. થોડાક દિવસો પહેલા તેની બલૂચિસ્તાનના તુરબતમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી. શાહીન પહેલા ગત વર્ષ મે મહિનામાં ઉરુજ ઈકબાલ નામની મહિલા પત્રકારની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, 1992થી માંડી અત્યાર સુધી 28 વર્ષમાં પાકિસ્તાનમાં 61 પત્રકારોની હત્યા કરવામાં આવી છે. આ સપ્તાહે વડાપ્રધાન ઈમરાન ખાને એક ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનમાં પત્રકારોને સુરક્ષિત ગણાવ્યા હતા.

શાહીન યુવા પત્રકાર હતી
શાહીન પહેલા ઈસ્લામાબાદમાં એક ખાનગી ટીવી ચેનલ માટે કામ કરતી હતી. ત્યારપછી તેની પસંદગી સરકારી ટીવી ચેનલમાં થઈ ગઈ. ઈસ્લામાબાદમાં થોડાક મહિના રહ્યા પછી શાહીનની ટ્રાન્સફર બલૂચિસ્તાનના તુરબતમાં થઈ ગઈ છે. તે એક લોકલ મેગેઝિનની એડિટર પણ હતી. 27 વર્ષની શાહીન ક્વેટા યુનિવર્સિટીથી PhD પણ કરી રહી હતી.

હત્યારા ફરાર
શાહીનની હત્યા તેના ઘરમાં ઘુસીને જ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, બે હુમલાખોરો તેના ઘરે પહોંચ્યા. દરવાજો ખોલતાની સાથે જ શાહીન પર ગોળીઓ વરસાવી દેવાઈ. શાહીનને પાંચ ગોળીઓ વાગી. પોલીસના જણાવ્યા પ્રમાણે, એક અજાણી વ્યક્તિ શાહીનને કારમાં હોસ્પિટલ લઈને પહોંચી. પણ થોડીકવારમાં તે વ્યક્તિ ગાડી છોડીને ફરાર થઈ ગઈ હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. શાહીનના પરિવારે ઘણા લોકો વિરુદ્ધ નામ સાથે કેસ કર્યો છે. જેમાં શાહીનનો પતિ પણ સામેલ છે. શાહીનના પાંચ મહિના પહેલા લગ્ન થયા હતા.

સરકારે દુઃખ વ્યક્ત કર્યું
બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા લિયાકત શાહવાનીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. કહ્યું કે, અમે શાહીનની હત્યા કરનારાની શોધ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરાશે. મીડિયા વોચડોગ ફ્રીડમ નેટવર્કે પણ ઘટના અગે દુઃખ વ્યક્ત કરી ગુનેગારોને ઝડપથી પકડવાની માંગ કરી છે.

પાકિસ્તાનમાં પત્રકાર સુરક્ષિત નથી
ગત વર્ષે મે મહિનામાં મહિલા પત્રકાર ઉરુજ ઈકબાલની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. તે એક ખાનગી ટીવી ચેનલ માટે કામ કરતી હતી. પરિવારે એક સ્થાનિક નેતા પર હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે તેને ફગાવી દીધો હતો. હજું સુધી હત્યારાઓની ભાળ મળી શકી નથી. ઉરુજની હત્યા તેમની ઓફિસની બહાર કરવામાં આવી હતી. હુમલાખોરો કારમાં આવ્યા હતા અને પછી તે આરામથી ફરાર થઈ ગયા હતા. 1992થી માંડી અત્યાર સુધી પાકિસ્તાનમાં 61 પત્રકારોની હત્યા કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here