સુરતની લક્ષ્મી ડાયમંડ કંપનીમાં શિક્ષિકા આવી હતી? ચૂની ગજેરાની કંપનીના બે મેનેજર સહિત કુલ 18ના નિવેદન લેવાયા

0
545
  • શિક્ષિકાને નોકરી અપાવવાની બાંહેધરી લખી આપનાર તુષાર શાહનું પણ નિવેદન લેવાયું
  • ચૂની ગજેરાની લક્ષ્મી ડાયમંડ કંપનીના બે મેનેજર સહિત કુલ સાત લોકોના નિવેદન લેવાયા

શહેરના ટોક ઓફ ધ ટાઉન ચુની ગજેરા છેડતી પ્રકરણમાં અડાજણ પોલીસે શરૂ કરેલી તપાસ ઝડપી કરી છે. અત્યાર સુધીમાં 18 જણાના નિવેદનો લેવામાં આવ્યા છે. જેમાં ચૂની ગજેરાની લક્ષ્મી ડાયમંડ કંપનીના બે મેનેજરનો પણ સમાવેશ થાય છે. આ સાથે શિક્ષિકાને નોકરી અપાવવાની બાંહેધરી લખી આપનાર તુષાર શાહનું પણ નિવેદન લેવાયું છે.

ઘટના શું હતી?
ઇન્ડોર સ્ટેડિયમ પાસે આદર્શનગરમાં રહેતા ઉદ્યોગપતિ અને ચૂની ગજેરા અડાજણ ગજેરા ગ્લોબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ સંચાલિત ગજેરા ગ્લોબલ સ્કૂલ અડાજણ ગૌરવપથ પર આવેલી છે. તેમના આ શાળામાં 30 જુલાઇ 2018માં હિન્દી વિષયની શિક્ષિકા તરીકે જોડાયેલી પીડિતાએ ચૂની ગજેરાએ તેની સાથે હવસનો ખેલ ખેલવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ કરી હતી. જેની સામે સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા ટ્રસ્ટી વતી શિક્ષિકા સામે ફરિયાદ આપવામાં આવી છે. જેમાં શિક્ષિકાના ગેરવર્તન સહિતના મુદ્દે તેણીને સ્કૂલમાંથી છૂટા કર્યા બાદ ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટને બદનામ કરવાના ઈરાદે અગાઉ 11 લાખ રૂપિયા ટ્રસ્ટી પાસેથી પડાવી લીધા બાદ વધુ પાંચ લાખ રૂપિયાની માંગ ન સંતોષાતા ખોટા કેસમાં ફસાવવા બદનામ કરી ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.સમગ્ર કેસની તપાસ ડીસીપી સુંબે કરી રહ્યા છે.

ચૂની ગજેરાની ડાયમંડ કંપનીના સાતના નિવેદન લેવાયા
પોલીસ સામ સામે ફરિયાદ બાદ કતારગામ સ્થિત લક્ષ્મી ડાયમંડ ફેક્ટરી ખાતે તપાસ કરી હતી. શિક્ષિકાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ટ્રસ્ટી ચૂની ગજેરાએ પોતાની લક્ષ્મી ડાયમંડ કંપનીની ઓફિસે બોલાવી અશ્લીલ હરકતો કરી હોવાથી પોલીસે કંપનીના બે મેનેજેર, સિક્યુરિટી ગાર્ડ, ઓફિસના પટ્ટાવાળા સહિત ચારથી પાંચ જણાના નિવેદન નોંધ્યા છે. બીજી તરફ શાળાના પ્રિન્સીપાલે નોંધાવેલી ફરિયાદમાં શિક્ષિકાએ બદનામ કરવાની ધમકી આપી 11 લાખ પડાવ્યા હતા અને આ રકમ મળ્યાની શિક્ષિકાએ એફીડેવીટ કરી હોવાનું જણાવ્યું હોવાથી પોલીસે સ્ટેમ્પ વેન્ડર અને નોટરીના નિવેદન નોંધવાની સાથે નોટરી રજીસ્ટરના ઉતારાની નકલ પુરાવા રૂપે કબ્જે લીધા છે. આ સાથે અત્યાર સુધીમાં પોલીસે 18 લોકોના નિવેદન નોંધ્યા છે.

શિક્ષિકાને બાંહેધરી લખી આપનારનું નિવેદન લેવાયું
ગત રોજ પોલીસે પાર્લે પોઇન્ટ આભૂષણ એપાર્ટમેન્ટમાં રહેતા તુષાર રજનીકાંત શાહની પૂછપરછ કરી નિવેદન લીધા હતા. વેસુ રોડ પર સાંઇ મલ્હાર ઢોસા વ્યવસાય કરતા તુષાર શાહે તા.11-4-2019ના રોજ શિક્ષિકાને ચૂની ગજેરા વતી એફિડેવિટ કરી આપી હતી. જેમાં તેણે શિક્ષિકાને બાંહેધરી લખી આપી હતી કે, અમે અમારા પ્રયત્ન કરીને શિક્ષિકાને તેની લાયકાત પ્રમાણે યોગ્ય નોકરી અપાવવાની બાંહેધરી લખી આપું છું. અડાજણ પોલીસ મથકના પીએસઆઇ એલ.જી નકુમે જણાવ્યું હતું કે, છેડતી પ્રકરણમાં તુષાર શાહનું નિવેદન લેવામાં આવ્યું છે. તુષાર શાહ વર્ષોથી ચૂની ગજેરાના સંપર્કમાં હતા અને તેના મિત્ર હતા.