રાજ્યભરમાં ચકચારી બનેલા પીએસઆઇ શ્વેતા જાડેજાના ૩૫ લાખ રૂપિયાના તોડકાંડ બાદ અમદાવાદ મહિલા પોલીસ તેની ખરડાયેલી ઇમેજ સુધારવા પર પ્રયત્નો કરી રહી છે. ‘કરે કોઇ અને ભરે કોઇ’ જેવી સ્થિતિ હાલ મહિલા પોલીસ સ્ટેશનની થઇ રહી છે. શ્વેતા તોડકાંડ કરીને જેલમાં ગઇ છે ત્યારે હવે ભોગવવાનું મહિલા પોલીસ સ્ટેશનનાં તમામ પોલીસ કર્મચારીઓને આવ્યું છે.
મહિલા પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાંચના અંડરમાં આવે છે એટલે ડીસીપી દીપેન ભદ્રન અવારનવાર લાલ આંખ કરીને એસીપી સહિત પીઆઇ અને પીએસઆઇને ભષ્ટ્રાચાર નહીં કરવા સૂચન કરી રહ્યા છે અને જો ભષ્ટ્રાચાર કરતાં પકડાશો તો જેલમાં પૂરી દેવાની પણ ચીમકી આપી રહ્યા છે. આ સિવાય પૂર્વ અને પશ્વિમમાં આવેલાં મહિલા પોલીસ સ્ટેશનનાં બંને પીઆઇએ બદલી કરવાની દરખાસ્ત પોલીસ કમિશનરને મોકલી છે.
મહિલા પોલીસ સ્ટેશન હંમેશાં વિવાદોમાં રહ્યાં છે. વર્ષ ૨૦૧૬માં દુષ્કર્મ અને ડોમેસ્ટિક વાયોલન્સની સાસરિયાં વિરુદ્ધમાં ફરિયાદ નહીં કરવા મામલે સાત લાખ રૂપિયાની લાંચ લેવાનાે કાંડ સામે આવ્યો હતો. જેમાં બે મહિલા કોન્સ્ટેબલ અને એક વકીલની ધરપકડ થઇ હતી.
જ્યારે પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર દિવ્યા રવિયા વિરુદ્ધમાં પણ એસીબીએ તપાસ કરી હતી. થોડાક સમય પહેલાં જીએસપી ક્રોપનાં એમડી કેનલ શાહ સામે બે દુષ્કર્મની ફરિયાદમાં પાસા નહીં કરવા મામલે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્વેતા જાડેજાએ ૩૫ લાખ રૂપિયાની લાંચ માગી હતી. આ બે કાંડના કારણે મહિલા પોલીસ સ્ટેશનની છબી ખરડાઇ છે.
ઘરેલુ હિંસા, બળાત્કાર, છેડતી જેવી ફરિયાદો માટે ક્રાઇમ બ્રાંચની અંડર મહિલા પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. મહિલાઓની ફરિયાદ દિવસેને દિવસે વધી જતાં અમદાવાદમાં પૂર્વ અને પશ્વિમ એમ બે પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યાં હતાં. ફરિયાદના આધારે પોલીસ કર્મચારીઓ યેનકેન પ્રકારેણ સમાધાન કરાવીને ફરિયાદી અને આરોપીઓ પાસેથી રૂપિયા પડાવવાની નીતિને કારણે પણ મહિલા પોલીસ સ્ટેશનની છબી ખરડાઇ હતી.
કોઇ પણ છેડતી, બળાત્કાર કે ઘરેલુ હિંસાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે જે તે પોલીસ કર્મચારી કે અધિકારી આરોપીને ફોન કરીને પોલીસ સ્ટેશનમાં બોલાવતા હતા અને તેમને ફરિયાદીની સામે ધમકાવીને કે પછી કેસ કરવાની ઘમકી આપીને રૂપિયાની કટકી કરતા હતા. પોલીસ કર્મચારીઓની આ ભષ્ટાચારી નીતિ પર ઉચ્ચ અધિકારીઓએ રોક લગાવી દીધી છે.
મહિલા પોલીસ સ્ટેશનનાં એસીપી મિની જોસેફ છે ત્યારે પશ્વિમ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એમ.ગામિત છે. પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઇ ગીતાબહેન પઠાણ છે. ડીસીપી દીપેન ભદ્રન જ્યારે પણ મિટિંગ કરે છે ત્યારે શ્વેતા જાડેજાએ કરેલા કાંડને રિપિટ કરીને વારંવાર ભ્રષ્યાચાર નહીં કરવા માટે કહી રહ્યા છે.