પૂર્વ ચીફ સેક્રેટરીએ PMના પ્રોજેક્ટની ફાઈલ ક્લિયર કરવાના 10 કરોડ તો લીધા, નાણાં હવાલાથી દુબઈ પણ મોકલ્યા

0
337
  • નિવૃત્ત આઈએએસ સામે ઈડીની તપાસનો ધમધમાટ, અન્ય એજન્સીઓ પર પૂછપરછ કરે તેવી શક્યતા
  • નિવૃત્તિના છેલ્લા દિવસોમાં ફાઈલ પાસ કરવા મોટી રકમ પડાવ્યાની ઉદ્યોગગૃહે પીએમઓમાં ફરિયાદ કરી

ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી જ કટકી-બટકીના ખેલમાં ફસાયાનું સામે આવ્યું છે. ગાંધીનગર સચિવાલયમાં સનદી અધિકારી તરીકે સર્વોચ્ચ હોદ્દો ભોગવી ચૂકેલા આ નિવૃત્ત આઈએએસે પોતાના કાર્યકાળના છેલ્લા દિવસોમાં મોટી કટકી કરી હોવાની છેક દિલ્હી દરબારમાં ફરિયાદ થતાં તેઓ ઈડીના લપેટામાં આવ્યા છે. આ ફરિયાદ સંદર્ભે જ ઇડીએ આ પૂર્વ ચીફ સેક્રેટરીની પૂછપરછ કર્યાનું પણ જાણવા મળ્યું છે. આ આઈએએસે લાંચ તો લીધી પરંતુ તેના નાણાં હવાલા મારફતે ગુજરાતથી દુબઇ રૂપિયા મોકલ્યા હતા. એવું પણ મનાય છે કે ટૂંક સમયમાં આ નિવૃત્ત ઉચ્ચાધિકારી સામે કાયદાનો ગાળિયો વધુ ચુસ્ત રીતે કસાઈ શકે છે.

નિવૃત્તિના અંતિમ સપ્તાહમાં જ કરોડોની લાંચનો ખેલ પાડ્યો
ગાંધીનગર સચિવાલયના એક ઉચ્ચાધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે DivyaBhaskarને જણાવ્યું હતું કે, આ પૂર્વ ચીફ સેક્રેટરીએ નિવૃત્તિના અંતિમ સપ્તાહમાં ભાજપના જ એક સાંસદની કંપનીની ફાઇલ ક્લિયર કરી હતી. આ ફાઈલને ક્લિયર કરાવવા તેમણે 10 કરોડની કટકી કરી હતી અને તેની ફરિયાદ છેક પીએમઓ સુધી ગઈ હતી. આ સંદર્ભે હવે આ નિવૃત્ત આઈએએસ અધિકારી તપાસની આંટી-ઘૂંટીમાં સલવાઈ ગયા છે .

દુબઈ હવાલો પડતાં ઈડી પણ હવે પાછળ પડી ગઈ
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતના આ આઈએએસ અધિકારીએ ગુજરાતથી જ મોટી રકમ દુબઈ હવાલા મારફતે મોકલી છે. આ હવાલાની જાણ થતાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ઇન્ક્વાયરી કરવામાં આવી રહી છે. આ સંદર્ભે ઇડીની ટીમે આ નિવૃત્ત આઈએએસ અધિકારીની કલાકો પૂછપરછ કરી છે. હવે બીજી એજન્સીઓ પણ ચીફ સેક્રેટરી કક્ષાના આ નિવૃત્ત આઈએએસ અધિકારીના ફરતે ગાળિયો કસાયો છે .

પીએમના પ્રોજેક્ટની ફાઈલમાં વહીવટ ભારે પડી ગયો
આમ તો આ આઈએએસ અધિકારી સરકારની ગુડબુકમાં હતા. આમ છતાં તેમને નિવૃત્તિના સમયે ચારે તરફથી સાવરણી ફેરવી હતી. ધડાધડ ફાઈલો ક્લિયર કરીને રૂપિયા ભેગા કરવાનું હવે આ પૂર્વ ચીફ સેક્રેટરી કક્ષાના અધિકારીને ભારે પડી રહ્યું છે. ઈડી સહિતની એજન્સીઓની પૂછપરછના દાયરામાં આવનારા આ અધિકારીએ ભાજપના જ એક સાંસદની કંપનીની કરોડોની ફાઇલ ક્લિયર કરાવી હતી. આ ફાઇલ ખુદ વડાપ્રધાનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાથે જોડાયેલી હતી.

10 કરોડની કટકી કરી હોવાની સચિવાલયમાં ચર્ચા
ગાંધીનગર સચિવાલયમાં હાલ ચાલી રહેલી ચર્ચા મુજબ આ અધિકારીએ 10 કરોડની કટકી કરી હતી. જો કે, આ અંગેની ફરિયાદ છેક પીએમઓ સુધી પહોંચી હતી. ત્યારબાદ આ આઇએએસ અધિકારી સામે તપાસ શરૂ થઈ ગઈ છે. હવે સેન્ટ્રલ એજન્સી પણ આ તપાસમાં જોડાઈ છે. જેને પગલે આગામી દિવસોમાં ગુજરાતમાં બ્યુરોક્રેસીમાં ચણભણાટ શરૂ થઈ ગયો છે.