ગેરકાયદેસર જમીન પચાવી પાડનાર તત્વો સામે જામનગરના નાગરિકો ભયમુક્ત બની તંત્રને અરજી કરે: જિલ્લા કલેકટર

0
374

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ, ગાંધીનગર દ્વારા તા. ૨૯/૦૮/૨૦૨૦ ના રોજ જમીન પચાવી પાડવી તથા જમીન પચાવી પાડવા સંલગ્ન પ્રવૃત્તિઓને ડામવા માટે “ગુજરાત લેન્ડ ગ્રેબીંગ(પ્રોહિબિશન)ઓર્ડિનન્સ-૨૦૨૦” બહાર પાડવામાં આવેલ છે. જેનો મુખ્ય હેતુ સરકારી, જાહેરક્ષેત્રની, ધાર્મિક સખાવતી સંસ્થાઓની, સ્થાનિક સંસ્થાઓની કે ખાનગી વ્યક્તિઓની માલિકીની જમીન પર અન્ય ઈસમો કે જેની કોઈ કાયદેસરની માલિકી ન હોય અથવા કાયદેસરના હકદાર ન હોય તેમ છતાં કાયદા વિરુદ્ધનું આચરણ કરીને ધાકધમકી આપી કે દગાપૂર્વક કે બળજબરીપૂર્વક જમીનનો કબજો મેળવી કે જમીન ઉપર બાંધકામની પ્રવૃત્તિ કરી, જમીન ગેરકાયદેસર રીતે ભાડે આપી, જમીનનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવા જેવી પ્રવૃત્તિ કરનાર કે કોઈ મારફત કરાવનાર તમામ વ્યક્તિ અથવા વ્યક્તિઓના જૂથ, સંગઠન કે કંપની દ્વારા જમીન પચાવી પાડવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી અટકાવવાનો છે તેમજ આવી પ્રવૃત્તિ કરનારને કાયદાનું ભાન કરાવવા ખાસ કોર્ટમાં કેસ ચલાવી છ માસની અંદર ન્યાય આપવા તેમજ જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિ કરનારને ૧૦ થી ૧૪ વર્ષની સજા તથા દંડ થાય અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવાના ભાગરૂપે આ ઓર્ડિનન્સ લાવવામાં આવેલ છે.

જામનગર જિલ્લામાં કોઈ ઈસમ દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય કે કોઈ વ્યક્તિ/સંસ્થાની કાયદેસર માલિકીની જમીન આવા ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવેલ હોય તો તેવી વ્યક્તિ/સંસ્થાએ સંબંધિત મામલતદારશ્રીની કચેરીમાં ૭- દિવસમાં લેખિત આધાર-પુરાવા સાથે ફરિયાદ/અરજી કરવા જણાવવામાં આવેલ છે. ફરિયાદની અરજી આવ્યેથી જરૂરી ચકાસણી કરી આવા ઈસમો સામે તાત્કાલિક પગલા લઇ જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ જરૂર જણાયે આવા ઇસમો સામે ‘પાસા’ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે. જેથી ભોગ બનનાર અથવા જાગૃત નાગરિકોએ ભયમુક્ત થઈને લેખિત આધાર-પુરાવા સાથે સંબંધિત મામલતદારશ્રીને ફરિયાદ/અરજી કરવા જિલ્લા કલેકટરશ્રી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

અહેવાલ- સાગર સંધાણી ,જામનગર