પાળીયાદના જયરાજ ખાચરની પૈસાની લેતીદેતીમાં હત્યા થઇ

0
259

લાભુ સામળ રબારી, ભીખુ રબારી અને લાલો રબારીએ ગળેટુંપો દઇને મોતને ઘાટ ઉતારીને નાશી છૂટયા : ત્રણેયની શોધખોળ
આટકોણ, જસદણ તાલુકાના વિંછીયાના હિંગોળગઢ અને ગુંદાળા ગામની સીમમાંથી બોટાદ જીલ્લાના પાળીયાદ-બાબરકોટના કાઠી દરબાર જયરાજ મુળુભાઇ ખાચર (ઉ.વ.ર૮)ની પૈસાની લેતીદેતીમાં ત્રણ શખ્સોએ હત્યા કરી હોવાનું ખૂલ્યુ છે.

આ અંગે વિંછીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી જોશીએ ‘અકિલા’ને જણાવ્યું હતું કે, મૃતક જયરાજ મુળુભાઇ ખાચરના ભાઇ સુરેશ મુળુભાઇ ખાચરની ફરીયાદના આધારે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જયરાજ મુળુભાઇ ખાચરને ગળેટુંપો દઇને લાભુ સામળભાઇ રબારી, ભીખુ સામળભાઇ રબારી અને લાલો રબારી (રહે. ત્રણેય પાળીયાદ)એ મોતને ઘાટ ઉતારી દીધાનું ખૂલ્યું હતું.

આ ત્રણેય આરોપીઓ હત્યા કરીને નાશી છૂટયા હતા. જયરાજ ખાચરની હત્યા પૈસાની લેતીદેતીમાં થયાનું ખૂલ્યું છે. પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

મૃતક જયરાજ ખાચરની તેના ગામમાં હત્યા કરીને હિંગોળગઢ પાસે ફેંકી દીધી હતી કે જયાંથી લાશ મળી ત્યાં હત્યા કરી દીધી તે આરોપીઓ ઝડપાયા બાદ ખ્યાલ આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદના બાબરકોટ (પાળીયાદ)ના યુવકની લાશ વિંછીયાના હિંગોળગઢ અને ગુંદાળા (જસ) ગામની સીમમાંથી મળી આવી હતી. યુવકને સોમવારે રાત્રીના કોઇ શખ્સે ગળાટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દેવાયાની શંકા સેવાઇ રહી હતી. યુવકને કોની સાથે માથાકૂટ ચાલતી હતી અન તેને કોણ ઉઠાવી ગયું હતું સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.

હિંગોળગઢ અને ગુંદાળા ગામ વચ્ચેની સીમમાં યુવકની લાશ પડી હોવાની જાણ થતા વિંછીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એચ. જોષી સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતા મૃતક બોટાદના બાબરકોટનો જયરાજ મુળુભાઇ ખાચર (ઉ.વ.ર૮) હોવાનું ખૂલ્યું હતું. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે વિંછીયા હોસ્પિટલમાં મોકલી હતી, યુવકના ગળા પર દેખાયેલા ચિહ્નો શંકાસ્પદ લાગતા વધુ તપાસ માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય કરાયો હતો. અને લાશને રાજકોટ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.

પીએસઆઇ જોષીએ જણાવ્યું હતું કે, બે ભાઇમાં નાનો જયરાજ ખાચર પોતાના ગામમાં પાનની કેબિન ચલાવતો હતો અને સોમવારના રાત્રીના ૧૦ વાગ્યા સુધી ગામમાં જોવા મળ્યો હતો, મોડીરાત સુધી જયરાજ ઘરે નહીં જતાં ખાચર પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કયાંય પત્તો લાગ્યો નહોતો અંતે મંગળવારે જયરાજની લાશ મળી હતી. જયરાજના મોતથી તેની માસૂમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા ખાચર પરિવારમાં શોકનું મોજું કરી વળ્યું હતું.

અહેવાલ- કરશન બામટા ,આટકોટ