જામનગરમાં કોરોનાથી થતાં મોતનાં આંકડા છુપાવવા માં આવે છે:ધારાસભ્ય વિક્રમભાઈ માડમ

0
327

જામનગર: જામનગરમાં કોરોના બેકાબુ બન્યો છે અને રોજે- રોજ કોરોનાના ખપ્પરમાં લોકો હોમાઈ રહ્યા છે ત્યારે સરકાર આંકડા છુપાવી રહી હોવાનો સનસનીખેજ આરોપ લગાવી ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે જામનગરમાં રોજના 15 થી 20 મોત થઈ રહ્યા હોવાનું આદર્શ સ્મશાનની મુલાકાત બાદ જાહેર કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જામનગર શહેર જિલ્લામાં છેલ્લા બે માસથી કોરોના વકર્યો છે અને દરરોજના અનેક લોકો મોતને ભેટી રહ્યાં હોવા છતાં સરકારી ચોપડે આજદિન સુધીમાં જામનગર શહેરમાં 10 અને ગ્રામ્યમાં 16 મળી 26 લોકોના જ કોરનાથી મોત થયાનું જાહેર કરી આંકડા છુપાવવામાં આવતાં ગઈકાલે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, વિપક્ષી નેતા અલ્તાફ ખફી, કોર્પોરેટર દેવશીભાઈ આહીર, સહારાબેન મકવાણા, સાજીદ બ્લોચ, મહેશ ચૌહાણ, નીતા પરમાર, દિગુભા જાડેજા સહિતના લોકોએ આદર્શ સ્મશાનની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી.

આ તકે ધારાસભ્ય વિક્રમભાઈ માડમે એકલા આદર્શ સ્મશાનમાં જ સરકારની કોવિડ ગાઈડલાઈન મુજબ 189 લોકોના અંતિમ સંસ્કાર કરાયા હોવાના આંકડા જાહેર કરી જામનગરમાં દરરોજ 15 થી 20 લોકો કોરોનાથી મોતને ભેટી રહ્યાં હોવાનું ચેલેન્જ સાથે જાહેર કરી તેમણે જણાવ્યું હતું કે, આ આંકડા તો ફકત એક જ સ્મશાનના છે, ગાંધીનગર સ્મશાન ગૃહ તથા મુસ્લિમ સમાજના લોકોના મૃત્યુના આંકડા ખૂબ જ ચોંકાવનારા હોવાનું જણાવી તંત્રને સાચા આંકડા જાહેર કરી લોકોને ગુમરાહ કરવાનું બંધ કરવા જણાવ્યું હતું.

અંતમાં તેઓએ આરોગ્ય તંત્ર અને વહિવટી તંત્ર ઉપર પસ્તાળ પાડતાં જણાવ્યું હતું કે, કોરોનાથી મૃત્યુનો સાચો આંક ખૂબ જ ચિંતાજનક છે. હકીકતમાં તંત્રએ સાચા આંકડા જાહેર કરવા જોઈએ જેથી લોકો કોરોનાના રોગચાળાની ગંભીરતા લઈ શકે. તંત્રની મોતના આંકડા છૂપાવવાની નીતિના કારણે લોકો બેખૌફ બની કોરોનાને હળવાશથી લઈ રહ્યાં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.



અહેવાલ- સાગર સંધાણી ,જામનગર