શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું તારણ
• ફાયર બ્રિગેડે એક કલાક પાણીનો મારો ચલાવ્યો
• બુધવારે સવારે ધુમાડાના ગોટેગોટા નીકળતા લોકો એકઠા થયા

જામનગરના રણજીતસાગર રોડ પર સાધના કોલોની વિસ્તારમાં આવેલા એક સ્ટોર્સમાં બુધવારે સવારે આગ ભભુકી ઉઠતા ફાયર બ્રિગેડની ટીમ તુરંત દોડી ગઇ હતી.ટેન્કર વડે પાણીનો મારો ચલાવી એકાદ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીઘી હતી.સંભવત શોર્ટ સર્કિટથી લાગેલી મનાતી આગના કારણે મોટા ભાગનો સામાન ખાખ થયાનુ બહાર આવ્યુ છે.
જામનગરમાં રણજીતસાગર રોડ પર સાધના કોલોની વિસ્તારમાં શાક માર્કેટ નજીક આવેલી મનોજ નોવેલ્ટી એન્ડ સિઝન સ્ટોર્સ નામની દુકાનમાં બુધવારે સવારે સાડા સાતેક વાગ્યે આગ ભભુકી હોવાનો સંદેશો સાંપડતા ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી.જુદા જુદા ટેન્કર વડે પાણીનો મારો ચલાવી ફાયર શાખાના સ્ટાફે લગભગ એકાદ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જોકે, આ પુર્વે જ દુકાનમાં રહેલો કટલેરી,હોઝીયરી સહિત મોટા ભાગનો સરસામાન પણ ખાખ થયાનુ બહાર આવ્યુ હતુ.સંભવત શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનુ અનુમાન દર્શાવાઇ રહયુ છે. આગના બનાવના પગલે ઘટનાસ્થળે પણ આજુબાજુના લોકો એકત્ર થયા હતા.
અહેવાલ- સાગર સંધાણી ,જામનગર