તાપી નદીમાં પડતુ મૂકીને સુરતના રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખે કરી આત્મહત્યા

0
124
  • સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો
  • આત્મહત્યા છે કે હત્યા તે મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી

ચેતન પટેલ/સુરત :સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો છે. આ ઘટનાથી સુરતમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી જયસુખ ગજેરા સુરતમાં રત્નકલાકરો માટે લડી રહ્યા હતા. ત્યારે આ આત્મહત્યા છે કે હત્યા તે મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

શું કારણ છે જવાબદાર 
જયસુખ ગજેરાએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જો કે, હજુ આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તેમનું બાઈક અને ચપ્પલ કામરેજના કઠોર બ્રિજ પાસેથી મળી આવ્યા છે. મોડી રાતથી તેઓ કોઈના સંપર્કમાં ન હતા. તેમનો ફોન સતત બંધ આવતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. એટલું જ નહિ, તેઓ રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ પદથી રાજીનામુ આપવાના છે, તેવુ પણ તેઓએ કહ્યું હતું. ત્યારે તેમની આવી વાતોથી પરિવાર પણ ચિંતામાં મૂકાયો હતો. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, તેમના પરિવારની સ્થિતિ એટલી ખરાબ હતી કે, તેઓ ઓફિસનું ભાડુ પણ ભરી શક્યા ન હતા. તેમજ લોકડાઉનને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ કથળી હતી. આથી તેઓએ નદીમાં પડતુ મૂકીને જીવન ટૂંકાવ્યું હોય તેવું કહેવાય છે.  

રત્ન કલાકારોની સમસ્યા માટે આગળ આવ્યા હતા 
જે પ્રમુખ પોતાના સાથી રત્ન કલાકારોની સમસ્યાઓ માટે દોડ્યા હતા, તેઓ જ પોતાના જીવનથી હારી ગયા હતા. રત્ન કલાકારો સાથે જોડાયેલી અનેક સમસ્યાઓનો તેઓએ અંત આણ્યો હતો. રત્ન કલાકારોની નોકરી માટે પ્રયત્નશીલ રહેતા પ્રમુખ ખુદ આર્થિક સંકડામણમાં કેવી રીતે આવી ગયા તે મોટો વિષય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here