જામનગર જિલ્લાના કૃષકોને કૃષિમંત્રીશ્રીના હસ્તે ‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર(ગોડાઉન) યોજના અને કિસાન પરિવહન યોજનાનાં મંજૂરીપત્રો એનાયત કરાયા

0
343

સાત પગલા કિસાન કલ્યાણનાં યોજનાંના ૨ પગલાઓ લોકાર્પિત કરવા જામનગર જિલ્લામાં કાર્યક્રમ યોજાયા

રાજ્યના ખેડૂતોનો સર્વાંગી-સર્વગ્રાહી વિકાસ થશે
ખેડૂતોની આવક બમણી થશે- કૃષિ અને પરિવહન મંત્રી આર.સી.ફળદુ

ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત આજે બે પગલાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ થી આ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. જામનગર ખાતે યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ છ તાલુકાઓને ત્રણ તાલુકાઓના ક્લસ્ટરમાં બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. જેમાં સવારના સમયે કાલાવાડ એ.પી.એમ.સી અને બપોરના સમયે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ,ગ્રામીણ વિકાસ અને માર્ગ પરિવહન મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને  આ સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કાલાવડ ખાતે જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકાના તેમજ હાપા ખાતે જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાના ખેડૂતોને આ યોજના અંતર્ગત મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાના ૩૪ લાભાર્થીઓને સ્ટેજ પરથી મંજૂરીપત્રો અને મુખ્યમંત્રીના સંદેશના પત્રો એનાયત કરાયા હતા. જામનગર જિલ્લાના કુલ ૨૦૦ ખેડૂતોને આ યોજના અંતર્ગત મંજૂરીપત્રો એનાયતા કરવામાં આવ્યા છે.
આ યોજના દ્વારા રાજ્ય સરકાર વાવણીથી વેચાણ સુધી દરેક પગલે ખેડૂતોના પડખે ઊભી રહી અને સહકાર માટે ઉભી છે એમ જણાવતાં મંત્રી આર.સી.ફળદુએ  કહ્યું હતું કે, દરેક વર્ગનો સર્વાંગી વિકાસ થાય,  દરેક વર્ગની આવશ્યકતાઓને ધ્યાનમાં લઈને તેમના માટે યોજનાઓ અમલી બનાવી રાજ્ય સરકાર લોકાભિમુખ શાસન વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. રાજ્યનો ખેડૂત આગળ વધે, ખેત પ્રવૃત્તિમાં તેને ઉત્તેજન મળે તે માટે રાજ્યના કૃષિવિભાગ દ્વારા ખેડૂતોની અનેક યોજનાઓ અમલી બનાવી રહી છે. ખેડૂતના ખેતરમાં ઉભેલા પાકને સંગ્રહ કરવા માટે નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો પાસે કોઈ વ્યવસ્થા ન હતી. જેના કારણે ખેડૂતોને સામાન્ય ભાવ સમયે પણ પોતાનું સંપૂર્ણ ઉત્પાદન તાત્કાલિક વેચી દેવું પડતું હતું. આ યોજનાથી હવે તેઓ ઉત્પાદનને સંગ્રહ કરી સમયાંતરે વેંચી અને પાકના પોષણક્ષમ ભાવ મેળવી શકશે.


સમગ્ર રાજ્યમાં આ યોજના થકી ૧ લાખ ૧૬,૦૦૦ ખેડૂતોના ખેતરે પાક સંગ્રહ ગોડાઉનો બનશે. મંત્રીએ કહ્યું હતું કે, કૃષકો માટેની આ યોજનાનો મહત્તમ ખેડૂતો લાભ લે તો આ યોજનાનો હેતુ બર આવે અને ખેડૂતોની આવકમાં વધારો થઈ શકશે.


સાથે જ કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોને ૫૦,૦૦૦થી ૭૫,૦૦૦ જેટલી સબસીડી પરિવહન માટેના વાહનની ખરીદી પર મળશે, જેનાથી ખેતી માટે શહેરમાંથી ખાતર, બીજ વગેરે લાવવું, તદુપરાંત પાકને યાર્ડ ખાતે વેચવા માટે પણ ખેડૂતો આત્મનિર્ભર બનશે. જે ખેડૂતો ફળો-શાકભાજી જેવા ઉત્પાદનોની ખેતી કરે છે તેઓને રોજબરોજ યાર્ડ ખાતે આ જણસો વેચવા જવાનું થતું હોય આ પરિવહન યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓને આ પાક વેચવા માટે અન્ય પર આધારિત નહીં રહેવું પડે. જામનગર જિલ્લામાં ૩૩૪૫  ખેડૂતોની પાક સંગ્રહ માટેની અરજી અને પરિવહન વાહન માટેની ૧૯૩ અરજીઓ મંજૂર થયેલી છે.


વળી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આગામી સપ્તાહે આ યોજનાના અન્ય ત્રણ પગલાં પણ લોકાર્પિત કરાશે. જેમાં પ્રાકૃતિક ખેતી,  જીવામૃત માટેના સાધનોની સહાય તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ગાય માટેના નિભાવની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ખેડૂતો માટેની ખેડૂત કલ્યાણના સાત પગલા લઈને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગાયનો નિભાવ ખર્ચ, કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઈઝના ગુડ્ઝ કેરિયર વાહન સહાય, ટુલ કીટ સહાય, ફળ,શાકભાજીનું છૂટક વેચાણ કરીને ગુજરાન ચલાવતા ખેડૂતો માટે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપવા માટે વિનામૂલ્યે છત્રી, કોમ્યુનિટી ભૂગર્ભ ટાંકા, પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા જેવી અનેકવિધ સહાય આપીને ખેડૂતોને ગ્લોબલ ફાર્મર બનાવવાનું ધ્યેય રાખ્યું છે.


આ યોજના ખેડૂતોની પાક સંગ્રહ ક્ષમતા વધશે અને પાક પરિવહનની ક્ષમતા પણ હશે જેના કારણે પ્રધાનમંત્રી ની ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પરિપૂર્ણ કરવા તરફ ગુજરાતના ખેડૂતોની મકકમ ગતિ થઇ રહી છે, તેમ જણાવી સાંસદશ્રી પૂનમબેન માડમ કહ્યું હતું કે, કૃષિક્ષેત્રે અનેક યોજનાઓના માધ્યમથી રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે સતત કાર્યરત છે, અન્ય રાજ્યોની સાપેક્ષે ગુજરાત કૃષિક્ષેત્રે અગ્રીમ છે. ખેડૂતોને આત્મનિર્ભરતા તરફ લઈ જવાની આ યોજનાના માધ્યમથી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ખેડૂત બનવા તરફ રાજ્ય આગળ વધી રહ્યું છે.


તો ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોના પ્રશ્નો જેવા કે વીજળી, આંતરમાળખાકીય સુવિધાઓમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા ખેડુતોને મળતા લાભ વિષે માહિતી આપી હતી અને રાજ્ય સરકારના ખેડૂતોને સવારના સમયે વીજળી આપવાના નિર્ણયને વધાવ્યો હતો.


આ કાર્યક્રમમાં કાલાવડ ખાતે એ.પી.એમ.સી કાલાવડના ચેરમેન શ્રી યુવરાજસિંહ જાડેજા, કાલાવડ નગરપાલિકા પ્રમુખ અજમલભાઈ ગઢવી, લાલપુર એ.પી.એમ.સી.ના ચેરમેન કરણસિંહ જાડેજા, પુર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખશ્રી ગાંડુભાઈ ડાંગરિયા, શહેર ભાજપ પ્રમુખ કશ્યપભાઈ વૈષ્ણવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવા,  પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય  તથા હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અગ્રણી મુકુંદભાઈ સભાયા, જાડાના પૂર્વ ચેરમેન દિલિપસિંહ ચુડાસમા, પૂર્વ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, અગ્રણી પ્રવિણસિંહ ઝાલા, હાપા એ.પી.એમ.સીના વાઇસચેરમેન ધીરુભાઈ કારીયા, કલેકટરશ્રી રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તન પરમાર  ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર.