સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા અને સિક્યુરિટી વચ્ચે ઉગ્ર બોલાચાલી
તા.૧૧,રાજકોટ: સિવિલ હોસ્પિટલનું તંત્ર એક તરફ વખાણ કરવામાં ક્યાંય પાછીપાની કરતું નથી. પરંતુ બીજી તરફ રોજે રોજ બેદરકારીના નવા કિસ્સાઓ સામે આવતા જાય છે. છેલ્લા બે દિવસમાં 2 ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. જેમાં સિવિલ તંત્રની બેદરકારીના કારણે મોત થાય છે તેવા આક્ષેપો દર્દીના સગાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સિવિલની બેદરકારીના કારણે દર્દીના સગા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોનું કહેવું છે દર્દીના ખિસ્સામાં 25 હજાર રૂપિયા હતા.તે ગયા ક્યાં ગયા? સ્ટ્રેચર પર બેસાડવા સહિતની કામગીરી અમારી પાસે કરાવે છે. તો સ્ટાફનું શું કામ છે.
સ્ટાફે કહ્યું બધું સવારે આપવામાં આવશે
સિવિલ પહોંચેલા દર્દીના સગાએ કહ્યું કે, સ્ટાફ અમને એવું કહે છે કે નળી તમે સરખી કરી દ્યો, દર્દીને સ્ટ્રેચર પર તમે બેસાડો પરંતુ ફરજ એ લોકોની છે છતાં એ લોકો અમારી પાસે કરાવે છે. અમે દર્દીના ખિસ્સામાં 20થી 25 હજાર રૂપિયા આપ્યા હતા, એ રૂપિયા ગયા ક્યાં?, અમે કહ્યું કે પૈસા ખિસ્સામાં છે તો કહેવામાં આવ્યું કે બધું સવારે મળશે. એટલે પૈસા તો અમને આપ્યા જ નહીં.
જયંતિ રવિ રાજકોટમાં 11 દિવસ રોકાયા છતાં કોઈ ફેરફાર ન આવ્યો
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ 11 દિવસ રાજકોટમાં રોકાયા હોવા છતાં સિવિલમાં કોઈ ફેરફાર આવ્યો નથી. દરરોજ મોતનો આંક વધી રહ્યો છે અને બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આરોગ્ય અગ્રસચિવની હાજરીમાં અને તેના મોનટરિંગમાં જ જો સિવિલની આવી દશા હોય તો આમાં દર્દીઓ શું કરે? તેવા સવાલો લોકોમાં ઉઠ્યાં છે.