જામનગર કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ આરોપી દર્દી ફરાર 

0
340

જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાંથી ચીલઝડપ કેસનો કોરોના પોઝિટિવ આરોપી દર્દી ફરાર થતાં દોડધામ.

અમદાવાદની જેલમાંથી કબ્જો મેળવીને જામનગર લઈ આવ્યા પછી કોવિડ ટેસ્ટ કરાવતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા ચોતરફ નાકાબંધી કરી ફરારી આરોપીને પકડવા દોડધામ

જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા ચીલઝડપના કેસમાં એક આરોપીને અમદાવાદ ની જેલમાંથી કબ્જો મેળવીને જામનગર લઈ આવ્યા પછી તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો પોઝિટિવ રીપોર્ટ આવતાં આરોપી ને જી.જી.હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં દાખલ કરાયો હતો. જ્યાંથી આજે બપોરે ભાગી છુટતા ભારે નાસભાગ મચી ગઈ છે. પોલીસે નાકાબંધી કરી પોઝિટિવ આરોપી દર્દીને શોધવા માટે કવાયત હાથ ધરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે મૂળ પોરબંદરના અડવાણા ગામનો વતની અને અન્ય જુદા જુદા ગુનાઓમાં અમદાવાદની જેલમાં સજા ભોગવી રહેલો ભીમો ઉર્ફે ભીમડી ગરેજા નામનો શખ્સ કે જે જામનગર શહેરમાં આજથી છ મહિના પહેલા ચીલ ઝડપના એક ગુનામાં સંડોવાયેલો હતો, અને તેનું નામ ખૂલ્યું હતું.

તેથી સીટી-સી ડિવિઝન પોલીસે આરોપીનો અમદાવાદની જેલમાંથી કબજો સંભાળ્યો હતો, અને જામનગર લઈ આવ્યા પછી તેનો જી.જી.હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેનો ગઈકાલે પોઝિટિવ રિપોર્ટ આવતાં પોલીસ તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી આરોપી ભીમા ઉર્ફે ભીમડી ને જી જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરાવ્યો હતો.જેને સાતમાં માળે રાખવામાં આવ્યો હતો. દરમિયાન આજે બપોરના બે થી ત્રણ વાગ્યાના સમય દરમિયાન જી.જી.હોસ્પિટલ ની ટીમની નજર ચૂકવીને આરોપી ભાગી છૂટ્યો હતો. જે અંગેની જાણકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા પોલીસને અપાતા સૌપ્રથમ સીટી-સી ડિવિઝનનો પોલીસ કાફલો જી જી હોસ્પિટલમાં દોડી આવ્યો હતો.

ત્યાર પછી જામનગર ના તમામ પોલીસ તંત્ર દ્વારા ચોતરફ નાકાબંધી કરી ભાગી છુટેલા પોઝિટિવ કોરોના ગ્રસ્ત દર્દી ને શોધવા માટે કવાયત હાથ ધરી છે. જોકે મોડી સાંજ સુધી તેનો કોઈ પત્તો સાંપડયો નથી. જેથી પોલીસ બેડામાં પણ નાસભાગ મચી ગઈ છે. તેમજ પોઝિટિવ દર્દી ભાગી છૂટવાના કારણે લોકોમાં ભયનો માહોલ છે.

અહેવાલ- સાગર સંધાણી,જામનગર