કોવિડ હોસ્પિટલનો ધોબી પ્લાન્ટ, સોડિયમ હાયપોક્લોરાઈટ જેવા કેમિકલથી રોજ 200થી વધુ બેડશીટ, રૂમાલ અને ટુવાલનું વોશિંગ થાય છે

0
296
  • કોવિડ વોર્ડને જંતુમુક્ત અને દર્દીઓને રોગમુક્ત કરવામાં ધોબી પ્લાન્ટની સૌથી મહત્વની ભૂમિકા છે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સુક્ષ્મ અને નરી આંખે પણ ન જોઈ શકાય તેવા વાઇરસ અને બૅક્ટેરિયા વાયુવેગે બિમારીઓ ફેલાવવાનું કામ કરે છે. ત્યારે આ કીટાણુંઓનો ખાતમો કરવા માટે જો કોઈ અસરકારક પગલું હોય તો તે છે સ્વચ્છતા. કોઈ પણ બિમારીથી લડી રહેલા દર્દી આસપાસ જો સ્વચ્છતા હોય તેની હાલતમાં ઝડપથી સુધારો આવે છે. ત્યારે રાજકટોની કોવિડ હોસ્પિટલમાં કાર્યરત ધોબી પ્લાન્ટ આજે દર્દીઓના આરોગ્ય માટે સૌથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. સોડિયમ હાયપોક્લોરાઈટ જેવા કેમિકલથી દરરોજ 200થી વધુ બેડશીટ, રૂમાલ અને ટુવાલનું વોશિંગ થાય છે. જેથી દર્દીઓમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ.

દર્દીઓને સ્વચ્છતા મળી રહે તે માટે ખાસ તકેદારી લેવામાં આવે છે
કોઈપણ બિમારીથી સંક્રમિત થયેલો દર્દી મોટાભાગે હોસ્પિટલમાં તેને ફાળવવામાં આવેલ બેડ એટલે કે પથારીમાં સમય પસાર કરતો હોય છે. ત્યારે કોવિડ હોસ્પિટલના દરેક દર્દીને સ્વચ્છ બેડશીટ, ઓસીકું, ચાદર, નેપકીન સ્વચ્છ મળી રહે તે માટે ખાસ તકેદારી લેવામાં આવે છે.

કોરોના વાઈરસને અટકાવવા સ્વચ્છતાનું પાલન એ સૌથી મોટુ પગલું છે
કોવિડ હોસ્પિટલમાં ઇન્ફેક્શન કન્ટ્રોલર તરીકે ફરજ બજાવતા ગામીભાઈએ ધોબી પ્લાન્ટ વિશે જણાવ્યું હતું કે સ્પર્શથી ફેલાતા કોરોના વાઈરસને કાબૂમાં લેવા માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. જેમાનું એક પગલું સ્વચ્છતાનું પાલન છે. કોરોના સંક્રમિત દર્દીઓ થકી આ જીવાણુ ફેલાઈ નહીં અને જંતુમુક્ત થઈ જાય તે માટે હાઈપોક્લોરાઈટ અને પોટેશિયમ મેંગનેટ દ્વારા દરરોજ 200થી વધુ દર્દીઓની બેડશીટ, રૂમાલ, ટુવાલ, ઓશીકાના કવર અને ઓઢવાની ચાદરને નિયમિત પણે વોશિંગ કરવામાં આવે છે.

તમામ વસ્તુ વોશ કર્યા બાદ તડકામાં સુકવવામાં આવે છે
ધોબી પ્લાન્ટમાં પાયાની કામગીરી કરતા ગિરિશભાઈએ જણાવ્યું હતું કે 200થી વધુ બેડશીટ અને ચાદરને લિફ્ટના માધ્યમથી છઠ્ઠા માળે લઈ જઈને તેને વોશ કરવામાં આવે છે. જરૂરી કેમિકલ દ્વારા વોશિંગ મશીનમાં બેડશીટ-ચાદરને વોશ કર્યા બાદ તેને ખુલ્લા તડકામાં સુકવવામાં આવે છે.દર્દી રોગમુક્ત થઈને ઘરે પરત ફરી શકે તે માટે PPE કીટ, માસ્ક અને ગ્લોઝ પહેરીને દરરોજ જંતુયુક્ત ચાદર અને બેડશીટને જંતુમુક્ત કરીએ છીએ. આમ કોવિડ હોસ્પિટલમાં ધોબી પ્લાન્ટ સૌથી મહત્વની ભૂમિકા અદા કરે છે.