રાજકોટમાં 46 કેસ-25નાં મોત, આજથી સોની બજાર બંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
190
  • રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવનો આંક 4200ને પાર

રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં રોજ કેસની સંખ્યા 100ની આસપાસ પહોંચી જાય છે અને મૃત્યુઆંક પણ રોજ 25થી વધારે આવી રહ્યો છે. રાજકોટમાં આજે 25 લોકોના મોત થયા છે. જેમાં શહેરના 19, ગ્રામ્યના 2 અને અન્ય જિલ્લાના 4 લોકોના મોત થયા છે. જ્યારે શહેરમાં આજે 46 કેસ પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 6300ને પાર પહોંચી ગયો છે. રાજકોટમાં ગઈકાલે 89 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. બીજી તરફ કોરોના પર કાબૂ મેળવવા સોની બજારમાં આજથી 19 સપ્ટેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.

શહેરમાં વધતાં સંક્રમણને અટકાવવા લોકડાઉનની માંગ
રાજકોટની સોની બજારમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ રોજ એક સોની અગ્રણીનું મોત નીપજી રહ્યું છે. રાજકોટ શહેરની સોની બજારમાં 35 સોની વેપારી અને તેના પરિવારજનો મળીને છેલ્લા 50 દિવસમાં કુલ 40 લોકોના મોત નીપજ્યાં છે. કોરોના પર કાબૂ મેળવવા સોની બજારમાં આજથી 19 સપ્ટેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે ભાઈને ગુમાવનાર ગોલ્ડ ડિલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઈએ શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા લોકડાઉનની માંગ કરી છે. ત્યારે આજે શહેરના જાણીતા સમ્રાટ જ્વેલર્સ પરિવારના રસિકભાઈ પાટડીયાનું કોરોનાથી મોત થયું છે. તેમના પરિવારના અન્ય સભ્યો પણ સંક્રમિત થયા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિનો રિપોર્ટ પોઝિટિવ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ વિજય દેશાણીનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિજય દેશાણી 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટીન રહશે. ઉપકુલપતિએ છેલ્લા 5 દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા માટે સૂચન કર્યું છે. મહત્વનું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટમાં 40થી વધુ લોકો સંક્રમિત થયા હતાં.

એડિશનલ કલેક્ટર મેહુલ દવે કોરોના પોઝિટિવ
રાજકોટમાં વધુ એક ઉચ્ચ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એડિશનલ કલેક્ટર મેહુલ દવેનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. મહત્વનું છે કે કોરોના કંટ્રોલ કરવા ખાસ રાજકોટ મૂકવામાં આવ્યાં હતા. મેહુલ દવે મહેસાણા DRDAનાં એડિ.કલેકટર છે. મહુલ દવેના પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.

બોટાદના DYSPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
બોટાદના DYSP રાજદિવસિંહ નકુમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. DYSP રાજદિપસિંહ નકુમને તેમના ઘરે જ હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે અને તેની સારવાર ચાલુ છે.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
રાજકોટ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જે દરમિયાન શહેરમાં ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ ભંગ કરનાર 34 લોકો પાસેથી 34 હજારનો અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 5 ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી 10 હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 226 કેસ, 8 મોત
જામનગર જિલ્લામાં શુક્રવારે કોરોનાથી સાતના મોત થયા હતા જ્યારે કુલ મળીને 116 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે મોરબી જિલ્લાના પ્રાંત અધિકારી સહિત 29 કેસ પોઝિટિવ આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં 35, ગીર સોમનાથ જિલ્લામાં 13, અમરેલી જિલ્લામાં 26 કેસ અને પોરબંદર જિલ્લામાં 7 કેસ અને એક દર્દીનું મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here