આ વખતે કોરોનાને કારણે નવરાત્રીમાં ગરબા રમવા માટે માત્ર બે કલાકનો જ સમય મળી શકે છે, સરકાર ટૂંક સમયમાં પોતાનો નિર્ણય જાહેર કરશે.
- શહેરોમાં ગરબા નહીં, પણ સોસાયટી કે મહોલ્લામાં માત્ર માતાજીની સ્થાપના અને આરતી કરવા સુધીની જ છૂટછાટ શરતોને આધીન આપવાની વિચારણા
ગુજરાતમાં નવરાત્રિ થશે કે નહીં? એ અંગે અનેક અટકળો ચાલી રહી છે, ત્યારે રાજ્ય સરકાર પણ અવઢવ દૂર કરી કોઈ ચોક્કસ નિર્ણય લેવાની દિશામાં આગળ વધી રહી છે, જેમાં શહેરોના પ્રોફેશનલ ગરબાને નહીં, પરંતુ ગામડાંની માતાજીની ગરબીઓને જ કેટલાક નિયમો સાથે છૂટછાટ આપે એવી શક્યતા છે. ખાસ કરીને શહેરોમાં સોસાયટી અને પોળોમાં પણ નવરાત્રીના ગરબા માટે નહીં, પરંતુ માત્ર માતાજીની સ્થાપના માટેની છૂટ આપવામાં આવી શકે છે. ગુજરાત સરકારનાં વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યની હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી શહેરોમાં તો ગરબાને મંજૂરી આપવી ઘણું જોખમી છે, જ્યારે ગામડાંમાં નાની ગરબીઓને કેટલીક શરતોને આધીન મંજૂરી આપવામાં આવી શકે કે કેમ એ અંગે વિચારણા ચાલી રહી છે.

નવરાત્રી 2019: ગાંધીનગર કલ્ચરલ ફોરમની મહા આરતીનો નજારો
અનલોક-4ની ગાઇડલાઇન મુજબ 100 વ્યક્તિ સાથેના શેરી ગરબાને મંજૂરી મળી શકે છે
વિશ્વના સૌથી મોટા ડાન્સ ફેસ્ટિવલ તરીકે ખ્યાતિ પામેલા ગુજરાતના સૌથી મોટા નવ દિવસના નવરાત્રી ઉત્સવ અંગે અનિશ્ચિતતા પ્રવર્તતી રહી છે, ત્યારે સરકાર પણ યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી છે, જેમાં અનલોક-4ની ગાઈડલાઈન મુજબ 100 વ્યક્તિ સાથેના શેરી ગરબાને મંજૂરી આપી શકે છે, જેમાં પણ પોલીસની સાથે જે-તે વિસ્તારના આરોગ્ય વિભાગની પણ મંજૂરી સાથે પરવાનગી આપી શકે.

આ વર્ષે સ્થાનિક પોલીસની મંજૂરી બાદ શેરી ગરબાનું આયોજન થાય તેવી શક્યતા
લોકોની કોવિડ-19ની ગાઇડલાઇનને અનુસરીને ગરબાની મંજૂરી મળે એવી ઈચ્છા
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ઘણાબધા તહેવારો ઊજવવા માટેની મંજૂરી આપવામાં આવતાં ગુજરાતની જનતાએ પણ સ્વાસ્થ્ય અને સલામતીને લઈ આવા તહેવારોને ઊજવ્યા નથી, પરંતુ ઓક્ટોબર મહિનામાં આવી રહેલી નવરાત્રી ગુજરાતીઓ માટે એક મોટો તહેવાર ગણાય છે, ત્યારે ગુજરાતની જનતા અને નવરાત્રીના આયોજકો પણ ગુજરાતમાં કોવિડ-19ની ગાઇડલાઇનને અનુસરીને ગરબા માટેની મંજૂરી આપવામાં આવે એવું ઈચ્છી રહ્યા છે.

દર વર્ષે નવરાત્રી પહેલા જ ખેલૈયાઓ ગરબાની તૈયારીઓમાં લાગી જતા હોય છે
શેરી, સોસાયટી, પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ગરબા માટે પોલીસની પરવાનગી જરૂરી
અગાઉ રાજ્ય સરકારે એવી વિચારણા કરી હતી કે નવરાત્રી માટે ક્લબો કે પાર્ટી પ્લોટની જગ્યાએ માત્ર શેરી ગરબા અને સોસાયટી ગરબાને મંજૂરી આપવામાં આવે, એમાં પણ અનલોક-4ની ગાઇડલાઇન પ્રમાણે 100થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવે. આ ઉપરાંત સામાન્ય રીતે નવરાત્રી મહોત્સવમાં શેરી, સોસાયટી, પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ગરબા કરવા માટે પોલીસની પરવાનગી જરૂરી છે ,પરંતુ કોરોનાની સ્થિતિમાં પોલીસની સાથે જે-તે વિસ્તારના આરોગ્ય વિભાગની પણ મંજૂરી મળ્યા પછી જ પોલીસ ગરબાની મંજૂરી આપે એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી.
રાત્રે 8થી 10 અથવા તો 10થી 12 એમ બે કલાક જ ગરબાની મંજૂરી મળી શકે છે
આ ઉપરાંત નવરાત્રીના નવ દિવસને બદલે બે કે ત્રણ દિવસ માટે શેરી ગરબાને મંજૂરી આપવાની વિચારણા થઈ શકે છે, સાથે સાથે ગરબાનો સમય પણ નિશ્ચિત કરવામાં આવે, જેમ કે રાત્રે 8થી 10 અથવા તો 10થી 12 એમ બે કલાક જ ગરબાની મંજૂરી મળી શકે એવું વિચારણામાં હતું, પરંતુ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને શહેરોમાં ગરબાને મંજૂરી આપવી જોખમી હોવાથી આ દિશામાં પણ વિચારણા બંધ કરી દીધી હોવાનું જાણવા મળે છે.