શહેરમાં ૩.૬૫ લાખ ઘરોમાં કોરોના સર્વેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ

0
291
આજથી રિ-સર્વેનો આરંભ, ઘરની બહાર નંબર લખાશે ઘરના મુખ્ય વ્યક્તિના નામ-મોબાઈલ નંબર લખે તો ગભરાહો નહીં

રાજકોટ કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. કોરોનાના સંક્રમણને ખાળવા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ સ્તરે કામગીરી ચલાવવામાં આવી રહી છે. કોરોનાના  દર્દીઓને શોધવા માટે તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. શહેરમાં ૩ લાખ ૬૫ હજાર ઘરોમાં કોરોના સર્વેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આજથી કોર્પોરેશન દ્વારા કોરોના રિ-સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કોર્પોરેશનના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર કોરોનાના દર્દીઓને શોધી કાઢવા માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સર્વે દરમિયાન કોર્પોરેશન દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વ્યક્તિઓ દ્વારા શહેરના તમામ વોર્ડમાં ઘેર-ઘેર જઈ સર્વ કરવામાં આવી રહ્યાં છે. ઘરમાં કોઈ બિમાર છે કે નહીં ? તેની માહિતી એકત્રીત કરવામાં આવે છે. ઘરના મુખ્ય વ્યક્તિનું નામ તથા મોબાઈલ નંબર લખવામાં આવે છે અને ઘરની બહાર નંબર પણ લખવામાં આવે છે. આવી કામગીરીથી લોકોના મનમાં અનેક સવાલો ઉભા થાય છે. પરંતુ આ રૂટીન કામગીરી છે. તેનાથી જરા પણ ગભરાવવું નહીં. જે લોકોએ સર્વ નથી કરવા દીધો ત્યાં પોલીસને સાથે રાખી સર્વેે કરવામાં આવશે.

દરમિયાન આજે બપોર સુધીમાં શહેરમાં કોરોનાના વધુ ૪૬ પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આ સાથે કુલ કેસોની સંખ્યાનો આંક ૪૨૯૫ પહોંચ્યો છે. આજ સુધીમાં ૧૧૬૯૮૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવીટી રેઈટ ૩.૬૩ ટકા જેવો છે. આજે અંબીકા ટાઉનશીપ, નવા થોરાળામાં વિજયનગર, પંચવટી મેઈન રોડ પર શ્રી કોલોની એરપોર્ટ રોડ પર સ્વપ્ન સિધ્ધી પાર્ક રૈયા રોડ પર જીવનનગર, કેનાલ રોડ પર જયરાજ પ્લોટ અને પેડક રોડ પર ચંપકનગર સહિત ૮૯ વિસ્તારોને માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

પાંચ ડાયગ્નોસીસ સેન્ટર ખાતે નિ:શૂલ્ક એન્ટીજન ટેસ્ટ બૂથ શરૂ કરતું કોર્પોરેશન

દોશી હોસ્પિટલ,સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્પિટલ,  જલારામ હોસ્પિટલ, અને કોઠારી ડાયગ્નોસીસ સેન્ટર ખાતે બૂથ કાર્યરત

રાજકોટ મહાનગરપાલિકાએ પાંચ સ્થળે કાર્યરત્ત ડાયગ્નોસીસ સેન્ટર કે જ્યાં વ્યક્તિનું સીટી સ્કેન કરવામાં આવે છે ત્યાં જે તે વ્યક્તિનો એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરી તેને કોરોનાની અસર છે કે કેમ તેનું નિદાન કરી આગળની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, આ સમગ્ર કામગીરી રાજકોટ મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, શહેરમાં જે પાંચ સ્થળે સીટી સ્કેન ડાયગ્નોસીસ સેન્ટર કાર્યરત્ત છે તેમાં એચ. જે. દોશી હોસ્પિટલ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્પિટલ, શ્રી જલારામ હોસ્પિટલ, અને કોઠારી ડાયગ્નોસીસ સેન્ટર ખાતે રાજકોટ મહાનગરપાલિકાએ નિ:શૂલ્ક એન્ટીજન ટેસ્ટ બૂથ શરૂ કરી કોરોનાનું નિદાન વિનામૂલ્યે કરવાની સુવિધા નાગરિકોને ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે.

અત્રે એ ખાસ નોંધવું રહયું કે, આ બૂથ શરૂ થયા પૂર્વે સીટી સ્કેન કરાવવા આવતા દર્દીને કોરોનાના નિદાન માટેના છઝઙઈછ ટેસ્ટ માટે બે દિવસ સુધી વાટ જોવી પડતી હતી. જેથી સારવાર શરૂ થવામાં સ્વાભાવિકરીતે જ ઇંતેજાર કરવો પડતો હતો. આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પાંચેય સીટી સ્કેન ડાયગ્નોસીસ સેન્ટર ખાતે એન્ટીજન ટેસ્ટ કરવા માટેના બૂથ શરૂ કરી નાગરિકોને નિ:શૂલ્ક ધોરણે કોરોનાનું નિદાન કરાવવાની સેવા આપવાનો પ્રારંભ કરવામાં આવેલ છે.

અહી એ પણ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, છઝઙઈછ ટેસ્ટ કરાવવા માટે દર્દીએ પ્રાઈવેટ લેબમાં રૂ. ૨૫૦૦/- થી ૩૫૦૦/- જેવો ખર્ચ કરવો પડતો હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ટિંગ બૂથની સુવિધા આપવામાં આવતા લોકોને કોરોનાનું નિદાન વિનામૂલ્યે કરાવવાની સુવિધા મળી રહી છે.

માત્ર એટલું જ નહી.મનપા દ્વારા તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલા કુલ ૩૬ ટેસ્ટીંગ વ્હીકલ દરેક વોર્ડમાં એન્ટીજન ટેસ્ટની કામગીરી કરે છે. ૩૬ ટેસ્ટીંગ વ્હીકલ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો, ૧૦૪ સેવા રથ અને ધનવંતરી રથ દ્વારા પણ વિનામૂલ્યે ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે.