કાલાવડના કાલમેઘડા ગામે ખેતરની બાજુમાં રમતાં રમતાં ભાઈ-બહેન સહિત 3 બાળક પાણીના ખાડામાં પડ્યાં, ડૂબી જવાથી ત્રણેયનાં મોત

0
194

કાલાવડના કાલમેઘડા ગામે ખેતમજૂરી કરતા પરિવારનાં ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત.

• ખેતમજૂરી કરતા પરિવારનાં ત્રણેય બાળકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં

જામનગર જિલ્લામાં આ વર્ષે મેઘરાજાની કૃપાથી નાના ખાડાથી લઈને મોટા ડેમ પાણીથી છલોછલ થઈ ગયા છે. એક તરફ મેઘકૃપા વરસી તો બીજી તરફ પાણી ભરેલા ખાડા કાળ સમાન સાબિત થઈ રહ્યા છે. કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામે ભાઈ-બહેન રાહુલ અને કિરણ સહિત ત્રણ બાળકો ખેતરમાં રમતાં હતાં, પરંતુ કોઈ કારણોસર બાજુમાં પાણી ભરેલા ખાડામાં પડી પડતાં ત્રણેયનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, આથી નાનાએવા ગામમાં શોક વ્યાપી ગયો છે.
પરપ્રાંતીય પરિવારનાં ત્રણેય બાળકો સાથે રમતાં હતાં
કાલમેઘડા ગામે હિતેન્દ્રસિંહની વાડીએ અન્ય રાજ્યમાંથી ખેતમજૂરી કરવા આવેલા શ્રમિક પરિવારના દિલીપ ઠાકોરના 10 વર્ષીય પુત્ર રાહુલ અને 5 વર્ષીય પુત્રી કિરણ બાજુમાં આવેલા મુસ્તાકભાઈની વાડીમાં ખેતમજૂરી કરતા શૈલેશભાઈ ઠાકોરની પાંચ વર્ષીય પુત્રી રિયા સાથે ખેતરમાં રમી રહ્યાં હતાં. ત્યારે ખેતરની બાજુમાં જ પાણી ભરેલા ખાડામાં કોઈ કારણોસર પડી ગયાં અને ત્રણેયનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે.
હોસ્પિટલે ત્રણેય બાળકોના મૃતદેહ જ પહોંચ્યા
ત્રણેય બાળકો ડૂબી રહ્યાં હતાં ત્યારે ચિચિયારીઓ પાડી રહ્યાં હતાં, આથી આજુબાજુની વાડીમાંથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ પાણીના ખાડામાં કૂદકા મારી ત્રણેય બાળકોને બહાર કાઢી સારવાર માટે કાલાવડ હોસ્પિટલે ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ત્રણેય બાળકોને મૃત જાહેર કરતાં પરિવારે કલ્પાંત કર્યો હતો. બાદમાં પોલીસને જાણ થતાં દોડી આવી હતી અને પરિવારજનોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here