- કોવિડ-19ના દર્દીઓના સ્વજનોને મળવા આવેલ NCP નેતા રેશમા પટેલની અટકાયત
- ભાવનગરમાં IDBI બેંકની વાઘાવાડી શાખામાં બે કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- રાજકોટ ભાજપના નેતા કશ્યપ શુક્લ અને મેયરના PAનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
રાજકોટમાં આજે બપોર સુધીમાં વધુ 43 કેસ નોંધાયા છે. રાજકોટમાં 24 કલાકમાં 31 લોકોના મોત થયા છે. રાજકોટ શહેરના 24, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 3 દર્દીના મોત થયા છે. કોવિડ મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4485 પર પહોંચી છે. રાજકોટમાં હાલ 1444 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં રોજ 100ની આસપાસ કોરોના કેસ નોંધાય રહ્યા છે. રાજકોટ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. કોરોના સંક્રમણ વધતા આજે બપોર બાદ દાણાપીઠમાં તમામ દુકાનો બંધ રહેશે.રાજકોટમાં કોરોના વોરિયર્સ જ કોરોનાનો શિકાર બની રહ્યા છે. ટ્રાફિક ACP ભરત ચાવડા સહિત પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 11 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ભાજપના નેતા અને મેયરના PAનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને ભાજપના નેતા કશ્યપ શુક્લની તબિયત લથડતા કોરાના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના ભાઈને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંને ભાઈને સારવાર માટે એરપોર્ટ રોડ પર આવેલા પેટ્રીયા કોવિડ સેન્ટર ખાતે ખસેડાયા છે. તેમજ રાજકોટના મેયર બીનાબેન આચાર્યના PAનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ભાવનગરમાં IDBI બેંકની વાઘાવાડી શાખામાં બે કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ભાવનગરમાં IDBI બેંકની વાઘાવાડી શાખામાં બે કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બેંકને સેનિટાઈઝ કરવામાં આવી છે અને બે દિવસ માટે બેંક બંધ રાખવામાં આવશે.
રાજકોટ મનપા દ્વારા એસ.ટી. તંત્રને મુસાફરોના રેન્ડમ એન્ટીજન ટેસ્ટ કરવા માટેની કિટની વ્યવસ્થા કરી આપવામાં આવશે
કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મોરચે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે એસ.ટી. બસ ઓથોરિટી સાથે એક મહત્વપૂર્ણ મિટિંગ મળી હતી અને કોરોનાનો સામનો કરવા માટે લેવામાં આવી રહેલા જુદા જુદા પગલાઓ ત્વરિત અમલી બનાવવામાં આવી રહ્યા છે તે વિશે ઘનિષ્ઠ ચર્ચા થઇ હતી. આ બેઠકમાં નક્કી થયા અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એસ.ટી. તંત્રને મુસાફરોના રેન્ડમ એન્ટીજન ટેસ્ટ કરવા માટેની કિટની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારમાં કુલ 150 રૂટો પર બસ કન્ડક્ટરને થર્મલ ગન આપવામાં આવી છે
લોકડાઉન લાગુ થયું તે પહેલા એસ.ટી. રાજકોટ દ્વારા દરરોજ આશરે 1300 ટ્રીપ થતી હતી અને તેમાં સરેરાશ 25000 જેટલા મુસાફરોની આવ-જા થતી હતી. હાલ આશરે 700 જેટલી બસ ટ્રીપ ઓપરેશનમાં છે અને રોજ સરેરાશ 10000 જેટલા મુસાફરોની આવન-જાવન થતી રહે છે. અત્યારે દરેક બસ 60 ટકા કેપેસિટી મુજબ એટલે કે લગભગ 25થી 30 મુસાફરોને બેસાડી ચલાવવામાં આવી રહી છે. ત્યારે બસ કંડક્ટરને થર્મલ ગન આપવામાં આવી છે અને તેમના દ્વારા મુસાફરોના શરીરના તાપમાન ચકાસીને જ પ્રવેશ આપવામાં આવે છે. મુસાફરોએ માસ્ક પહેર્યું હોય તે સુનિશ્ચિત પણ કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ એસ.ટી. તંત્ર દ્વારા નિયમિત રીતે બસ સેનિટાઈઝ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 150 રૂટો પર બસ કન્ડક્ટરને થર્મલ ગન આપવામાં આવી છે.
કોરોના સંક્રમણની ચેઈન તોડવામાં શહેરના પ્રાઇવેટ તબીબોનો સહકાર
રાજકોટ શહેરમાં કોરોનાને રોકવા અને કોરોનાની ચેઈનને તોડવા માટે રાજકોટ મહાનગરપાલિકા સહિત ખાનગી તબીબોનો પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરના ખાનગી તબીબો પાસે ચેકઅપ માટે ગયેલા દર્દીને જો શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત જ તેને મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટિંગ માટે રીફર કરવામાં આવે છે. જેનાથી કોરોનાની વહેલી સારવાર મળી શકે અને કોરોનાનું સંક્રમણ થતું અટકાવી શકાય છે. શહેરના તમામ ફિઝિશિયન તથા જનરલ પ્રેક્ટિસ કરતા તબીબો દ્વારા શરદી, ખાંસી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફવાળા દર્દીઓની માહિતી મનપાને પૂરી પાડે છે. તેમજ મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટિંગ માટે મોકલે છે. જેમાં રોજના 100થી 150 રીફર કરાયેલા દર્દીઓનું વિનામૂલ્યે ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેનો ભંગ કરવા બદલ કાર્યવાહી
સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવી છે. લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુરંત જ દબાણ હટાવ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા 15 આસામીઓ પાસેથી રૂપિયા 15 હજાર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી રૂપિયા 6 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
મનપાની કચેરીની માફક પ્રાઈવેટ સંકુલોમાં પણ કોરોના સામે જાગૃતિ દાખવવા સ્ટીકર લગાવાયા
કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મોરચે યુદ્ધના ધોરણે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં એક મહત્વપૂર્ણ બાબત છે જનજાગૃતિ. મનપા દ્વારા લોકોને જાગૃત અને સતર્ક કરવા કચેરીમાં પીળા રંગના સ્ટીકર લગાવવામાં આવેલા છે. જેમાં ફેઈસ માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા, સ્વચ્છતા જાળવવા, છીંક કે ઉધરસ આવતી વખતે મોં રૂમાલથી કવર કરવા, પગથીયા ચડતી વખતે રેલિંગને સ્પર્શ ન કરવા, હાથ મિલાવીને અભિવાદન કરવાને બદલે નમસ્તે મુદ્રાનો પ્રયોગ કરવા સહિતના સૂત્રો લખી કોરોના સામેની લડતમાં નાગરિકોને સતર્ક રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે. શહેરના અલગ અલગ મોલમાં કોરોના જાગૃતિ અંગેના સ્ટિકર લગાવવામાં આવ્યા છે. જેમાં રિલાયન્સ મોલ, બિગ બજાર, ડી માર્ટ, કોઠારીયા મેઈન રોડ પર આવેલા એકોર્ડ હાઈપર માર્કેટમાં અલગ અલગ લખાણના સ્ટીકર લગાવવામાં આવ્યા છે.
રાજકોટના 18 વોર્ડમાં 692 કોવિડ કો-ઓર્ડીનેટરની નિમણૂક કરાઈ
કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ પગલાંઓ હાથ ધરવામાં આવ્યા છે. શહેરની જુદી જુદી સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગનથી ટેમ્પરેચર માપવું, કોઈને તાવ કે શરદી દેખાય તો તરત જ આવશ્યક પગલાં લઇ શકાય તે માટે ત્વરિત જાણકારી મેળવવા શહેરના 18 વોર્ડમાં કુલ 692 કો-ઓર્ડીનેટરોની નિયુક્તિ કરવામાં આવી છે તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
વોર્ડ વાઈઝ નિમાયેલા કો-ઓર્ડીનેટરની સંખ્યા
શહેરના વોર્ડ વાઈઝ કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં. 1 માંથી 20, વોર્ડ નં. 2 માંથી 37, વોર્ડ નં. 3 માંથી 21, વોર્ડ નં. 4 માંથી 18, વોર્ડ નં. 5માંથી 2, વોર્ડ નં. 6માંથી 47, વોર્ડ નં. 7માંથી 51, વોર્ડ નં. 8માંથી 4, વોર્ડ નં. 9માંથી 56, વોર્ડ નં. 10માંથી 48, વોર્ડ નં. 11માંથી 92, વોર્ડ નં. 12માંથી 73, વોર્ડ નં. 13માંથી 8, વોર્ડ નં. 14માંથી 142, વોર્ડ નં. 15 માંથી 7, વોર્ડ નં. 16માંથી 5, વોર્ડ નં. 17માંથી 19, વોર્ડ નં. 18માંથી 42 એમ શહેરના તમામ 18 વોર્ડમાંથી 692 કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ કો-ઓર્ડીનેટર રાજકોટ મહાનગરપાલિકા અને નાગરિકો વચ્ચે કડીરૂપ ભૂમિકા નિભાવશે. જેથી કોરોના વાયરસના સંક્રમણની ચેઈન તોડવા માટેના પ્રયાસોને વધુ અસરકારક બનાવી શકાય.
રાજકોટમાં દાણાપીઠ સવારે 8થી 3 સુધી જ ખુલ્લી રહેશે
કોરોનાના કેસોમાં વધારો થતાં દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. આજથી સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. બપોર બાદ તમામ દુકાનો બંધ રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે.
સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવી છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજિયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે.
હોસ્પિટલમાં પ્રવેશ કરે તે પહેલા જ અટકાયત કરી
રાજકોટમાં NCPના નેતા રેશમા પટેલની પોલીસે અટકાયત કરી છે. સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓના સ્વજનોને મળવા પહોંચી હતી. જે દરમિયાન હોસ્પિટલમાં પ્રવેશ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી.