અમદાવાદમાં મહિલાઓએ પોલીસને દમ માર્યો, IPSએ પણ ‘ગાડી મેં માસ્ક નહિ પહેના હૈ તો ક્યા હુઆ જાને દો’એમ કહીં સાથ આપ્યો

0
495
  • રવિવારે સાંજે સિંધુભવન રોડ પર કારમાં માસ્ક વગરની બે મહિલાઓને પોલીસે રોકી હતી
  • પોલીસે દંડ ભરવાનું કહેતા બોલાચાલી કરી વીડિયો ઉતારવાનું શરૂ કર્યું

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનાર લોકોને મોટો દંડ ફટકારવા સુધી કહેતા સરકારે દંડની રકમ રૂ. 1000 કરી છે. છતાં હજી પણ લોકો માસ્ક વગર ફરે છે આવા લોકોને પોલીસ દંડ કરી રહી છે પરંતુ ખુદ IPS અધિકારીઓ પણ કોરોનામાં રૂ. 1000નો દંડ ન લેવા માટે ભલામણ કરી કોરોના ફેલાવનાર લોકોને સાથ આપી રહ્યા છે. રવિવારે સાંજે વસ્ત્રાપુર પોલીસ સિંધુભવન રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે એક કારમાં બે મહિલાઓ જતી હતી તેમને રોકતા કારમાં એક મહિલાએ માસ્ક પહેર્યું ન હતું. જેથી પોલીસે મહિલાને 1000 રૂપિયા દંડ ભરવા કહ્યું હતું, પરંતુ મહિલાએ દંડ ભરવાની જગ્યાએ બોલાચાલી કરી અને IPS ઓફિસરને ફોન કર્યો હતો. IPS ઓફિસરે દમ મારી “ગાડી મેં માસ્ક નહિ પહેના હે તો ક્યાં હુઆ, ચલતાં હે જાને દો” કહ્યું હતું. IPSનો ફોન આવતા જાહેર રોડ પર વસ્ત્રાપુર પોલીસને રોફ જમાવી બે મહિલા માસ્કનો દંડ આપ્યા વગર જ રવાના થઈ ગઈ હતી.

પોલીસે દંડ ભરવાનું કહેતા મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી
કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે જેની વચ્ચે પોલીસ પણ આ ગાઈડલાઈનનો અમલ કરાવે છે, ત્યારે વસ્ત્રાપુર પોલીસની રવિવારે સાંજે સિંધુભવન રોડ પર ફરજ બજાવતી હતી. દરમ્યાનમાં વાહન ચેકિંગ સમયે એક કાર આવતા પોલીસે તેને રોકી હતી. કારમાં બે મહિલાઓ હતી. જેઓ ખૂબ જ એજ્યુકેટે હતા. એક મહિલાએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે કાયદેસર 1000 રૂપિયાનો દંડ ભરવાનું કહ્યું હતું. જેથી મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને પોલીસ સાથે બોલાચાલી કરી વીડિયો ઉતારવા લાગી હતી. પોલીસે બંનેને સમજાવ્યા હતા જોકે તેઓ માન્યા ન હતા. પોલીસે તેઓને દંડ ભરવાનું કહ્યું અને ન ભરવો હોય તો પોલીસ સ્ટેશન ચાલો એવું કહ્યું હતું.

પોલીસને દંડ વસૂલવા માટે રોડ પર માથાકૂટ કરવી પડી હતી
પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરતા જ મહિલાએ કોઈને ફોન કરવાના શરૂ કરી દીધાં હતાં અને એક IPS અધિકારીનો પોલીસ કર્મચારીઓ પર ફોન આવ્યો હતો. “ગાડી મેં માસ્ક નહિ પહેના હે તો ક્યાં હુઆ, ચલતાં હે જાને દો” કહ્યું હતું. એક કલાક સુધી પોલીસને દંડ વસૂલવા માટે રોડ પર માથાકૂટ કરવી પડી હતી. IPS ઓફીસરે ફોન કરી દમ માર્યો અને માત્ર 1000 રૂપિયાના દંડ માટે ભલામણ કરાવી મહિલાઓ બિંદાસત પોલીસકર્મીઓની સામે જ ત્યાંથી દંડ આપ્યા વગર જતી રહી હતી.

IPS ઓફિસર પોતે માસ્ક ન પહેરનારની ભલામણ કરી રહ્યા છે
એકતરફ સામાન્ય માણસ પાસેથી પોલીસ દંડ વસુલી અને કોરોના ન ફેલાય તે માટે ગાઈડલાઈનનું પાલન કરાવી રહી છે અને બીજી તરફ જ્યારે કોરોના અમદાવાદમાં વકરી રહ્યો છે અને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જેની છે એવા IPS ઓફિસર માત્ર 1000ના માસ્ક દંડ માટે ભલામણ કરી કોરોના વોરિયર્સ નહિ પણ કોરોના કેરિયર્સ બનવા માટે સાથ આપી રહ્યા છે.