રાજકોટ શહેરની બજારોમાં આવેલી કોઇપણ દુકાનમાં જો ગ્રાહકોના ટોળા એકત્રિત થતા હોય અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય તો તે દુકાન સીલ કરવા મ્યુનિ. કમિશનરે આદેશ કર્યો છે. અગાઉ ફક્ત ચાની હોટેલો અને પાનની દુકાનો જ સીલ કરવામાં આવતી હતી પરંતુ હવે કોઈપણ દુકાન બહાર ગ્રાહકોના ટોળા જોવા મળશે કે ચારથી વધુ લોકો ઉભા હશે તો તે દુકાન સીલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત વેપારી, દુકાનમાં કામ કરતો સ્ટાફ કે ગ્રાહકો માસ્ક પહેર્યા વિના જોવા મળશે તો તે તમામ પાસેથી પણ સ્થળ પર જ દંડ વસુલાત કરાશે.
વિશેષમાં મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ગઇકાલે રસિક ચેવડાવાળાની પંચનાથ પ્લોટમાં લીમડા ચોક નજીક આવેલી દુકાન અને ગોપાલ બ્રધર્સની જયુબેલી માર્કેટ ચોકની દુકાને ટોળાં એકત્રિત થતા હોય સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ આ બન્ને દુકાનો સીલ કરાઇ હતી. તદઉપરાંત શહેરમાં જાહેર માર્ગો પર માસ્ક પહેર્યા વિના અવરજવર કરતા ૧૩ વ્યક્તિઓ પાસેથી રૂ.૧૩૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.