વેરાવળની ઇન્ડીયન રેયોન કંપનીની પ્રદુષણ મામલે તપાસ કરવા NGT નો આદેશ, સ્થાનિકો પણ કરશે તપાસ કમિટિને ફરિયાદ.

0
464

વેરાવળના રાસાયણિક ઉદ્યોગ દ્વારા હવા-પાણીના પ્રદુષણ ફેલાવવા બાબતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં(NGT) પર્યાવરણ સુરક્ષા સમિતિના પ્રમુખ ભગવાન સોલંકી દ્વારા વર્ષ ૨૦૧૫માં એક રીટ દાખલ કરવામાં આવી હતી. આ રીટ બાદ હવે વેરાવળની રેયોન્સ કંપનીની આ મામલે તપાસ કરવા માટે એનજીટી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. પ્રદુષણ બાબતે સમિતિ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેશે, આ તપાસ દરમ્યાન સ્થાનિક લોકો અને માછીમાર સમુદાય માટે ઉઘોગ દ્વારા હવા-પાણી અને પ્રદુષણ ફેલાવવા બાબતે રજૂઆત કે ફરિયાદ કરવાની તક છે.

વર્ષ ૨૦૧૫માં પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા એનજીટી કોર્ટની પુના બેંચમાં એપ્લીકેશન નં. ૧૧૪-૨૦૧૫ ફાઈલ કરવામાં આવેલ હતી. રીટની ગંભીરતા ધ્યાને લેતા એનજીટીની પુનાબેંચ દ્વારા પ્રીન્સિપલ ચેરમેન બેંચ દિલ્હીમાં કેસ ટ્રાન્સફર કરી કેસ નં. ૧૬૦-૨૦૨૦ નંબરથી સુનાવણી હાથ ધરવામાં આવેલ હતી. આ રિટની 9 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાવામાં આવી હતી. જેમાં હોનેબલ ચૈરપેર્સોન જસ્ટીસ આદર્શકુમાર ગોએલ હોનેબલ જસ્ટીસ જ્યુડીશનલ મેમ્બર એસ.પી વાગડી તેમજ હોનેબલ એક્ષ્પર્ટ મેમ્બર ડો.નગીન નંદાની બેંચ દ્વારા દરમિયાન વેરાવળ મુકામેની ઇન્ડીયન રયોન કંપની દ્વારા ફેલાવવામાં આવતું હવા-પાણી અને પ્રદુષણ બાબતે સી.પી.સી.બી.(સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) સાથેની સંયુક્ત સમિતિ મારફત તપાસ હાથ ધરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ માટે બનેલી સંયુક્ત સમિતિમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટી , રાષ્ટ્રીય નામાંકિત સંસ્થા ઓશનોગ્રાફી ગોવા અને જીલ્લા કલેકટર ગીર-સોમનાથ અને તમામ ઉચ્ચ ઓથોરીટીના નિષ્ણાંત અધિકારીઓ જોડાશે. જેમાં નોડલ એજન્સી તરીકે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ રહેશે(જી.પી.સી.બી).
આ મામલે સંયુક્ત સમિતિ દ્વારા ઉદ્યોગમાંથી ગંદા પાણીના પ્રવાહના નિકાલ તથા અસરગ્રસ્ત વિસ્તારમાં ફેલાતા પ્રદુષણ અન્વયે સ્થળની મુલાકાત કરી તપાસ હાથ ધરવામાં આવશે. એક મહિનાની અંદર, સંબંધિત પરિણામોના અહેવાલની તપાસ કરી અહેવાલ ત્રણ મહિનાની અંદર એનજીટી-દિલ્હી ખાતે રજુ કરવા આદેશ કરવામાં આવેલ.
ઈન્ડિયન રેયોન કંપની દ્વારા સ્થાનિક વિસ્તારમાં પ્રદુષણ ફેલાવવા અને ગંદા પાણીને શુધ્ધીકરણ કર્યા વગર જ અરબી સમુદ્રમાં નિકાલ કરવા અન્વયે સ્થાનિક લોકો અને માછીમાર સમુદાય દ્વારા સેંકડો ફરિયાદો કરવામાં આવી છે. આમ તમામ સ્થાનિક અસરગ્રસ્ત લોકો પણ તપાસ દરમ્યાન સંયુક્ત સમિતિ સમક્ષ હકીકત લક્ષી રજૂઆતો કરશે તેવા અહેવાલો મળી રહ્યા છે. તપાસના રિપોર્ટ બાદ આગલી સુનાવણી પાંચ ફેબ્રુઆરી ૨૦૨૧ ના દિવસે કરવામાં આવશે.

રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ