તાલાલામાં નગરપાલિકામાં વેરાના 10 લાખ ચાંઉ કરી ટેક્સ સુપર વાઈઝર ફરાર, સતત બે વર્ષથી ઓડિટમાં ગેરરીતિ થતી

0
206
  • પાલિકાના અકાઉન્ટન્ટે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં નગરપાલિકાનાં ટેક્સ સુપર વાઈઝરનું કારસ્તાન બહાર આવ્યું છે. પાલિકાના વેરાના 10 લાખ 77 હજાર રૂપિયા લઈને ટેક્સ સુપર વાઈઝર હરેશ કોટેચા ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સતત બે વર્ષથી ઓડિટમાં ગેરરીતિ થતી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. તાલાલા પાલિકામાં ખરીદીમાં પણ અનેક ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠી છે.

પાલિકાના એકાઉન્ટમાં જમા કરવાના બદલે પૈસા લઈ ફરાર
તાલાલા નગરપાલિકામાં વિવિધ વેરા ભરવા આવેલા કરદાતાઓના 10 લાખ 77 હજાર ચાંઉ કરીને પાલિકાના ટેક્સ સુપરવાઈઝર હરેશ કોટેચા કબાટને તાળાં મારીને ફરાર થઈ ગયો છે. નગરપાલિકાના એકાઉન્ટન્ટ નાનાલાલ પાઠકે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હરેશ કોટચા તાલાલા નગરપાલિકામાં ટેક્સ શાખામાં 1992થી ફરજ બજાવતા હતા. જે દરમિયાન 2017-18માં વસૂલાતની કામગીરી દરમિયાન 2 લાખ 4 હજાર, 2018-19માં 8 લાખ 73 હજાર મળી કુલ 10 લાખ 77 હજાર કરદાતાઓ પાસેથી ટેક્સની રકમ વસૂલ કરી હતી. જે રકમ ટેક્સ શાખાના રજિસ્ટરમાં જમા કરી પાલિકાના એકાઉન્ટ શાખામાં જમા કરાવવાના બદલે પોતાના અંગત આર્થિક લાભ લેવા પોતાની પાસે રાખી ફરાર થઈ ગયો છે.

પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
પોલીસે નગરપાલિકાના એકાઉન્ટન્ટની ફરિયાદ પરથી ટેક્સ સુપરવાઈઝર હરેશભાઈ મોહનભાઈ કોટચા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે તાલાલા નગરપાલિકાની ટેક્સ શાખાનું કૌભાંડ 10 લાખ પૂરતું જ નહીં પણ આ કૌભાંડ મોટું હોવાનુ લોકો તરફથી જાણવા મળી રહ્યું છે. હાલ તો સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.