રાજકોટમાં 47કેસ, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 39નાં મોત, રાજકોટ જિલ્લા કલેક્ટર કોરોના સંક્રમિત થયા

0
156

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન કોરોના પોઝિટિવ

  • રાજકોટના બસ પોર્ટ અને રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ, એક મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 47 કેસ નોંધાયા છે અને 24 કલાકમાં રેકોડબ્રેક 39 લોકોના કોરોનાથી મોત થયા છે. શહેરના 31, ગ્રામ્યના 3 અને અન્ય જિલ્લાના 5 દર્દીના મોત થયા છે. કોરોના મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4500ને પાર પહોંચી ગઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં 4585 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1468 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા ST, એરપોર્ટ, રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ. રાજકોટ કલેક્ટર કોરોના સંક્રમિત થયા થયા છે. આ સાથે જ રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અનિલ દેસાઈનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ કરાયા છે. રાજકોટના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ભાનુબેન સોરાણી કોરોના સંક્રમિત બન્યા છે. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર કોરોના સંક્રમિત થયા
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન કોરોના સંક્રમિત થયા છે. સામાન્ય લક્ષણો જણાતા હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. કલેક્ટર તેમના નિવાસ સ્થાનેથી જ રૂટિન કામગીરી ચાલુ રાખશે.

સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેનો ભંગ કરવા બદલ કડક કાર્યવાહી
રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુરંત જ દબાણ હટાવ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા 34 આસામીઓ પાસેથી રૂપિયા 34 હજાર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી રૂપિયા 6 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

બહારથી આવતા મુસાફરોનું રેલવે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટની કામગીરી
રાજકોટમાં બહારથી આવતા મુસાફરોના સ્વાસ્થ્યની કાળજી લેતા રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે સાથે મળીને કોરોના પોઝિટિવ દર્દી કે શરદી, ઉધરસ કે તાવના દર્દીઓને શોધી કાઢી તેઓને ત્વરિત સારવાર મળી રહે તેવું આયોજન કર્યુ છે. જેમાં જરૂરિયાત મુજબ મુસાફરોના સ્ક્રિનિંગ અને એન્ટીજન ટેસ્ટ રાજકોટ મહાનગરપાલિકા તરફથી કરી આપવામાં આવે છે. આજે ઓડિસાના પૂરી ખાતેથી ઓખા જઈ રહેલી સ્પેશિયલ ટ્રેનનું રાજકોટ જંક્શન ખાતે આગમન થયું હતું અને જેમાંથી 67 મુસાફરો રાજકોટ જંક્શન ખાતે ઉતર્યા હતા અને મનપાના આરોગ્ય શાખા દ્વારા તમામ મુસાફરોનું એન્ટીજન ટેસ્ટિંગ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક મહિલાને કોરોના પોઝિટિવ નોંધાયો હતો અને તેમને હોમ આઇસોલેશન સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમજ અન્ય મુસાફરો સંપૂર્ણ સ્વસ્થ છે તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આજથી મુસાફરોનું રેન્ડમ ટેસ્ટીંગ શરૂ
રાજકોટ શહેરમાં આવન જાવન કરતા મુસાફરો કોરોના સંક્રમણ ન ફેલાવે તે માટે રાજકોટ મનપાએ એસ.ટી., રેલવે અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આવન જાવન કરતા મુસાફરોનું રેન્ડમ કોરોના ટેસ્ટ કરવા, સ્ક્રીનિંગ કરવા અને તમામ મુસાફરોનું તાપમાન ચેક કરવા અંગે રણનીતિ તૈયાર થઇ હતી. એસ.ટી. અને રેલવે સ્ટેશન પર આજથી જ આ કામગીરી શરૂ થઈ ગઈ છે અને એરપોર્ટ પર જ્યારે ફ્લાઇટ આવશે ત્યારે મનપાના કર્મચારીઓ આરોગ્યલક્ષી પરીક્ષણ માટે ત્યાં હાજર રહેશે. આ સાથે દ ખાનગી બસમાં પણ સ્ક્રીનિંગ થશે અને સેનિટાઇઝર રખાશે.

ગોંડલમાં આજથી એક સપ્તાહ અડધા દિવસનું લોકડાઉન
ગોંડલમાં 1100 આસપાસ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તાલુકામાં આજથી એક સપ્તાહ અડધો દિવસનું લોકડાઉન રહેશે. વેપારીઓએ કોરોના સંક્રમણ રોકવા એક અઠવાડિયા સુધીનું આ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. જો કે, આ દરમિયાન દવા ઉપરાંત દૂધ તથા આવશ્યક સેવાઓ માટેની દુકાનો ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here