રાજકોટ સિવિલમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની હાલત ગંભીર, અમદાવાદથી ચાર્ટર્ડ પ્લેનમાં 3 ડોક્ટર અને મંત્રી ભુપેન્દ્રસિંહ રવાના

0
450

16 દિવસ પહેલા અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો (ફાઈલ તસવીર)

  • સારવાર દરમિયાન ફેફસાંમાં તકલીફ થતા છેલ્લા 48 કલાકથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત લથડતી જાય છે. હાલત ગંભીર બનતા મુખ્યમંત્રી દ્વારા અમદાવાદથી ત્રણ ડોક્ટર ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટમાં રાજકોટ આવવા રવાના થયા છે. અભય ભારદ્વાજને 16 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેઓ છેલ્લા 16 દિવસથી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદના ત્રણ ડોક્ટરની સાથે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ આવી રહ્યા છે. અમદાવાદથી આવતા ડો. અતુલ પટેલ, ડો. તુષાર પટેલ અને ડો.આનંદ શુક્લ દ્વારા અભય ભારદ્વાજની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. હાલ અભય ભારદ્વાજને સતત વેન્ટિલેટરની જરૂર પડી રહી છે.

48 કલાકથી અભય ભારદ્વાજને વેન્ટિલેટર પર રખાયા છે રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ છેલ્લા 16 દિવસથી કોરોનાની સારવાર સિવિલ હોસ્પિટલમાં લઇ રહ્યા છે. સારવાર દરમિયાન અચાનક તેમને ફેફસાંમાં તકલીફ થતા છેલ્લા 48 કલાકથી તેમને વેન્ટિલેટરથી કુત્રિમ શ્વાસ આપવામાં આવી રહ્યા છે. ભારદ્વાજની તબિયત ખરાબ થતાં ખાનગી હોસ્પિટલના ડોક્ટર સિવિલ હોસ્પિટલમાં આવી સારવાર આપી રહ્યા છે.

અભય ભારદ્વાજે ફેસબૂકના માધ્યમથી પોતે સ્વસ્થ હોવાનું જણાવ્યું

અભય ભારદ્વાજે ફેસબુક પર સ્વસ્થ હોવાની પોસ્ટ મૂકી
અભય ભારદ્વાજ દ્વારા ફેસબુક પર પોતે સ્વસ્થ હોવાની પોસ્ટ મૂકી છે. જેમાં લખ્યું છે કે, વર્તમાન પત્રોમાં મારા સ્વાસ્થ્યના સમાચાર પ્રસારિત થયા તેના અનુસંધાનમાં હું કહીશ કે હું સ્વસ્થ છું. થોડી શ્વાસમાં તકલીફ દેખાતી હતી તેથી સારવારના ભાગરૂપે ઓક્સિજનનું પ્રમાણ જળવાય રહે તે માટે સિવિલના ડોક્ટરોના માર્ગદર્શન અનુસાર મને વેન્ટિલેટર દ્વારા સારવાર અપાઈ રહી છે. ચિંતાનો કોઈ વિષય નથી.

અભય ભારદ્વાજ સાથે તેના પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
સી.આર.પાટીલની રેલીનો રેલો રાજ્યસભાના સાંસદ સુધી પહોંચી ગયો છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેના પુત્ર અંશ ભારદ્વાજનો 16 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અભય ભારદ્વાજની પુત્રી આસ્કા અને પુત્રને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ સિવિલના કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભય ભારદ્વાજ ખાનગી હોસ્પિટલના બદલે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

સી.આર. પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ ભાજપને ભારે પડ્યો
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. પ્રવાસ બાદ ભાજપના એક પછી એક નેતાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. ત્યારે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બાદ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહત્વનું છે કે સી.આર.પાટીલે જ્યારે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે અભય ભારદ્વાજ પણ હાજર હતા.