પેન્ગોન્ગ સરોવર વિસ્તારમાં ભારત-ચીન વચ્ચે ગત સપ્તાહે 100-200 રાઉન્ડ ફાયર થયું, આ ઘટના બન્ને દેશ વચ્ચે મોસ્કો સમજૂતી પહેલાં બની હતી

0
256

LAC પર ભારત-ચીન વચ્ચે 45 વર્ષમાં પહેલી વખત ફાયરિંગ થયું. લદાખના ઘણા વિવાદિત વિસ્તારોમાં બન્નેના સૈનિકો 300 મીટરથી પણ ઓછા અંતરે તહેનાત છે (ફાઇલ તસવીર).

  • સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે ભારત-ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે 10 સપ્ટેમ્બરના રોજ મોસ્કોમાં 5 પોઇન્ટ પર સહમતી થઈ હતી
  • 29-30 ઓગસ્ટની રાતે ચીનના સૈનિકોએ પેન્ગોન્ગ સો સરોવર વિસ્તારમાં એક પહાડી પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો

ભારત-ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે 10 સપ્ટેમ્બરે મોસ્કોમાં યોજાયેલી મીટિંગ પહેલાં લદાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગોળીબાર થયો હતો. અંગ્રેજી છાપા ઈન્ડિયન એક્સપ્રેસનાં સૂત્રોના હવાલાના રિપોર્ટ પ્રમાણે, પૂર્વ લદાખમાં પેન્ગોન્ગ સો સરોવરના ઉત્તર ભાગ પર બન્ને બાજુએથી 100થી 200 રાઉન્ડ હવામાં ફાયરિંગ થયું હતું. આ ઘટના રિજલાઈન પર બની હતી, જ્યાં ફિંગર-3 અને ફિંગર-4ના વિસ્તાર મળે છે.

ઘણા વિસ્તારમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે માત્ર 300 મીટરનું અંતર
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પેન્ગોન્ગ સો સરોવરના ઉત્તર અને દક્ષિણ ભાગ પર ઘણી મુવમેન્ટ થઈ હતી. ઘણી વખત ફાયરિંગ પણ થયું હતું, તણાવ હાલ ચાલુ છે. ચુશૂલ સેક્ટરમાં ઘણી જગ્યાઓ પર ભારત અને ચીનના સૈનિકો એકબીજાથી માત્ર 300 મીટરના અંતર પર તહેનાત છે. આ સાથે જ બન્ને દેશના આર્મી અધિકારીઓ વચ્ચે ફરીથી વાતચીત થવાની છે.

આ પહેલાં 7 સપ્ટેમ્બરે ભારત-ચીને મુકપારી હાઈટ્સ વિસ્તારમાં ફાયરિંગની ઘટના અંગે નિવદેન આપ્યું હતું, જેમાં કહેવાયું હતું કે LAC પર 45 વર્ષ પછી ફાયરિંગ થયું છે. બન્ને દેશ આના માટે એકબીજાને જવાબદાર ઠેરવે છે, પરંતુ પેન્ગોન્ગ વિસ્તારમાં ફાયરિંગ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ચીને 5 દિવસમાં 3 વખત ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો
29-30 ઓગસ્ટની રાતે ચીનના સૈનિકોએ પેન્ગોન્ગ સરોવરના દક્ષિણ ભાગના પહાડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારતીય જવાનોએ એ પ્રયાસને નિષ્ફળ કર્યો હતો. ત્યાર પછી આર્મી અધિકારીઓની વાતચીત શરૂ થઈ, પરંતુ ચીને આગામી 4 દિવસમાં 2 વખત ફરી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો.

શાંતિથી સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે 10 સપ્ટેમ્બરે મોસ્કોમાં ભારત-ચીનના વિદેશમંત્રીઓની બેઠક થઈ હતી, જેમાં ડિસ-એન્ગેજમેન્ટ સહિત 5 પોઈન્ટ અંગે સહમતી બની હતી, પરંતુ ચીન વારંવાર પોતાની વાતથી પીછેહઠ કરી રહ્યું છે અને વિવાદિત વિસ્તારમાં સતત મુવમેન્ટ કરી રહ્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ મંગળવારે સંસદમાં કહ્યું હતું કે ચીને LAC પર સૈનિક અને દારૂગોળો ભેગા કર્યા છે, ભારત પણ તૈયાર છે.