- નવરાત્રિનું આયોજન ન કરવાની અપીલ સાથે તબીબોએ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કર્યા
- જાણી જોઈને કોરોનાની સ્થિતિ ઉભી કરનાર લોકોની અમે ટ્રીટમેન્ટ નહીં કરીએઃ તબીબો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થયો છે. ત્યારે આવા સમયમાં નવરાત્રિનું આયોજન કરવું કે ન કરવું તેના માટે સરકાર વિચારણા કરી રહી છે. ત્યારે રાજકોટના તબીબોએ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરી નવરાત્રિનું આયોજન ન કરવા અપીલ કરી છે. આ સાથે જ સરકારને પણ વિનંતી કરી છે કે આ વર્ષે નવરાત્રિની મંજૂરી ન આપવામાં આવે. રાજકોટના એક તબીબે કહ્યું કે જો નવરાત્રિનું આયોજન થશે અને કોઈ ખેલૈયા પોઝિટિવ આવશે તો અમે તેની સારવાર કરશું નહીં. કારણ કે તેણે જાણી જોઈને કોરોનાની પરિસ્થિતિ ઊભી કરી છે.
નવરાત્રિ યોજાશે તો રાજકોટમાં કોરોનાનો વિસ્ફોટ થશે
ડોક્ટર સત્યમ વિસપરાએ જણાવ્યું હતું કે, નવરાત્રિનું આયોજન ન થવું જોઈએ. જો આયોજન થશે તો દિવાળી સુધીમાં ગુજરાતમાં અને ખાસ કરીને રાજકોટમાં કોરોનાનો એક મોટો વિસ્ફોટ થશે. નવરાત્રિનું આયોજન ન થાય તે માટે સરકારે વિચારવું જોઈએ. જો કોઈ ખેલૈયા કોરોના સંક્રમિત થશે અને ટ્રીટમેન્ટ માટે આવશે તો હું તેમની ટ્રીટમેન્ટ નહીં કરૂ. કારણ કે જાણી જોઈને તમે કોરોનાની પરિસ્થિતિ ઉભી કરી છે. તો તેની સારવાર કરવી યોગ્ય નથી.
ગરબા યોજાશે તો કોરોનાનું જોખમ વધી જશે
કાન, નાક અને ગળાના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર હિમાશું ઠક્કરે લોકોને અપીલ કરતા કહ્યું છે કે, નવરાત્રિનું આયોજન થવું ન જોઈએ. નવરાત્રિનું આયોજન થશે તો ખૂબ જ જોખમ વધી જશે. અત્યારે રાજકોટમાં ખૂબ જ કેસ વધી રહ્યા છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક તબીબો પણ સંક્રમિત થઈ ગયા છે. મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થઈ ગયો છે. હવે જો નવરાત્રિનું આયોજન થશે તો કોરોનાના કેસની સંખ્યા વધશે. અત્યારે કોરોના કેસ સંભાળવામાં પણ તકલીફ થઈ રહી છે. તો આ તકલીફ વધશે અને જોખમ પણ વધશે. નવરાત્રિ કરવાથી સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય અને સંક્રમણ વધશે. જે લોકો નવરાત્રિ યોજવા માટે અપીલ કરે છે તેમને પણ સમજવું જોઈએ. નવરાત્રિ તો આવતા વર્ષે પણ આવશે. એટલે આપણા પરિવાર માટે અને સમાજ માટે વિચારો. મારી લાલબત્તી તરીકે અપીલ છે કે નવરાત્રિ યોજાવી ન જોઈએ.
રાજકોટમાં હાલ ગંભીર સ્થિતિ છે તો નવરાત્રિની છૂટ ન આપવી જોઈએ
અથર્વ હોસ્પિટલનાં ડોક્ટર ગૌરાંગ જોષીએ જણાવ્યું કે, નવરાત્રિના આયોજન માટે સરકાર છૂટછાટ આપવાની વિચારણા કરી રહી છે. પણ રાજકોટમાં હાલ કોરોનાની ગંભીર પરિસ્થિતિ છે. જો આવા સંજોગોમાં નવરાત્રિ માટે છૂટ આપવામાં આવશે તો રાજકોટ અને ગુજરાત માટે આવનારા દિવસો ખૂબ જ કપરા રહેશે. કારણ કે કોરોનાનું સંક્રમણ હવે ઘર ઘર સુધી પહોંચી ગયું છે. અત્યારે ડોક્ટરો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. જેથી હું વિનંતી કરૂ છું કે રાજ્ય સરકાર ફરી વિચારણા કરી નવરાત્રિ કેન્સલ કરવાની જાહેરાત કરે. કોઈ પણ રીતે નવરાત્રિનું આયોજન હિતાવહ નથી.
રાજકોટ સાઉન્ડ એસોસિએશને ચિમકી ઉચ્ચારી હતી
રાજકોટમાં કોરોનાની મહામારીને કારણે સરકાર નવરાત્રિની મંજૂરી આપવી કે નહીં તે અંગે દ્વિદ્ધામાં છે. રાજકોટના તબીબો પણ સરકારને નવરાત્રિની મંજૂરી ન આપવા અપીલ કરી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ રાજકોટ સાઉન્ડ એન્ડ લાઈટ સ્ટેજ ઓનર્સ એસોસિએશને આ વર્ષે સરકાર નવરાત્રિની મંજૂરી નહીં આપે તો આગામી ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષને સાઉન્ડ ન આપવા ચિમકી ઉચ્ચારી હતી.
રાજકોટના મોટા આયોજકો દ્વારા આયોજનો રદ કર્યા
રાજકોટમાં અર્વાચીન રાસ-ગરબાના મોટા આયોજકોએ આ વર્ષે પોતાના આયજનો રદ કર્યા છે. સહિયર ગ્રુપ, સરગમ ક્લબ, જૈન વિઝન, સૂરભી ગ્રુપ, ખોડલધામ સહિતના મોટા આયોજનો આ વર્ષે કોરોનાની મહામારીને કારણે રદ કરવામાં આવ્યા છે.