ઘરે પરત ફરતા સમયે અપહરણ થયું હોવાની આશંકા
પોરબંદર: મૂળ પોરબંદરના ખોજા ઉદ્યોગપતિ રિઝવાન આડતીયાનું આફ્રિકાના મોઝામ્બિકમાં અપહરણ થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. રિઝવાનન આડતીયાનું 2થી 3 કલાક પહેલા જ અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું છે અને બિનવારસી હાલતમાં તેમની કાર જંગલ વિસ્તારમાંથી મળી આવી છે. આડતીયા દાનવીર ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે અને તાજેતરમાં જ તેમના જીવન પર એક ફિલ્મ બની હતી.


કોણ છે રિઝવાન આડતિયા?
52 વર્ષના રિઝવાન આડતિયાનો જન્મ 1967માં પોરબંદરના ઇસ્માયલી ખોજા પરિવારમાં થયો છે. બાળપણથી જ તેઓ સેવાભાવી રહ્યાં છે. માત્ર 16 વર્ષની વયે તેમણે પોરબંદરની એક કંપનીમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી. જે સમયે તેમને 175 રૂપિયા માસિક પગાર આપવામાં આવતો હતો. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે એ સમયનો એક કિસ્સો જણાવ્યો હતો, જેણે તેમનું જીવન બદલી નાંખ્યું. તેમની નોકરીમાં પહેલા પગાર પેટે 175 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેઓ પહેલા પગારની ખૂશી સાથે ઘરે જઇ રહ્યાં હતા, ત્યારે રસ્તામાં એક વૃદ્ધે તેમની પાસે લિફ્ટ માગી. વૃદ્ધને મેડિકલ સ્ટોરે લઇ ગયા. જ્યાં દવાનું બિલ 110 રૂપિયા થયું હતું, પરંતુ એ વૃદ્ધ પાસે માત્ર 70 રૂપિયા જ હતા. એ સમયે અન્ય કોઇ વિચાર કર્યા વગર તેમણે તુરંત જ પોતાના પગારમાંથી 110 રૂપિયા મેડિકલ સ્ટોરને ચૂકવી દીધા હતા. બાદમાં વૃદ્ધને હોસ્પિટલે મૂકવા ગયા અને કોઇપણ મદદ હોય તો જણાવવા માટે કહ્યું હતું. એ વૃદ્ધે આપેલા આશિર્વાદ અને આ ઘટના બાદ રિઝવાને ક્યારેય પાછા વળીને જોયું નથી.
ગુજરાતના અનેક સીનિયર સિટિઝનને ફ્રીમાં સિંગાપોર અને મલેશિયાની ટૂર કરાવે છે

રિઝવાન આડતિયા ફાઉન્ડેશન સંસ્થા હેઠળ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા રિઝવાન આડતિયા ગુજરાતના અનેક સીનિયર સિટિઝનને ફ્રીમાં વિદેશની ટૂર કરાવે છે. વર્ષ 2017માં જુદા જુદા વિસ્તારમાંથી વૃદ્ધાશ્રમ સહિત 50 જેટલા સીનિયર સિટિઝનને સિંગાપોર અને મલેશિયાની ટૂર કરાવી હતી. આડતિયા દ્વારા વિનામૂલ્યે વિદેશયાત્રા જ નહીં પાસપોર્ટ, બેગ, કપડાં, મેડિકલ, વયોવૃદ્ધ માટે વ્હીલચેર ઉપરાંત ખર્ચ કરવા માટે 50 ડોલર જેવી રકમ પણ આપવામાં આવી હતી.
આફ્રિકાના રિપોર્ટર સાથે ન્યુઝ અપડેટ્સ મીડિયાની એક્સક્લુઝીવ વાતચીત

ન્યુઝ અપડેટ્સ મિડીયાએ આફ્રિકાનાં ઝીટામાર ન્યુઝનાં રિપોર્ટર એલેક્ષઝાન્દ્રે સાથે આજે બપોરે ૨ વાગ્યે કરેલી વાતચિતમાં તેમને જણાવ્યું હતું કે, હજી સુધી કોઈ સમાચાર નથી. મારા સ્રોતમાંથી મને એટલું જ ખબર છે કે ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ તેઓ તેની સંસ્થા તરફથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. મામ્પોટો પ્રાંતના માટોલા શહેરના ફોમેન્ટો પડોશમાં જંબો સુપરમાર્કેટ ત્યાની આ ઘટના છે. પોલીસને તેની કાર રેઢી મળી છે અને રાષ્ટ્રીય ગુનાહિત તપાસ સેવા (સેર્નિક) તથા પોલીસ સાથે મળીને આ કેસની તપાસ કરી રહી છે.