પત્ની ધર્મિષ્ઠાને નિલેશ સાથે હતું અફેર, પતિએ કહ્યું મારી સાથે રહેવું છે કે પ્રેમી સાથે? અને…

0
432

નવસારી : છ મહિના પહેલા નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનની હદમાં બામનવાડા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આ હત્યા પાછળ પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે. ફડવેલ ગામની એક મહિલા સાથે મૃતકનો પ્રેમ સંબંધ હોઈ તે અંગેની જાણ મહિલાના પતિને થઈ હતી. તેમણે અન્ય સાગરીતો સાથે ભેગા મળી હત્યાનું કાવતરું રચી હત્યા કરી દીધી હતી. આ સમગ્ર પ્રકરણમાં ચોંકાવનારી વિગત એ છે કે દંપતીએ ક્રાઈમ પેટ્રોલ તેમજ સાવધાન ઇન્ડિયા જેવી સિરીયલ જોઈ ખૂનનું કાવતરું રચ્યું હતું.

આ કેસની વિગત એવી છે કે, નવસારી જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં 2-3-2020ના રોજ ચીખલી તાલુકાના સાદકપોર ખાતે શેરડીના ખેતરમાંથી ચીખલી તાલુકાના બામણવાડા ગામના પૂર્વ સરપંચ નિલેશભાઈ છગનભાઇ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમની હત્યા અજાણ્યા ઈસમોએ કરી હોવાનું ખુલ્યું હતું. જે અંગે સ્થાનિક પોલીસે તપાસ કરી અને ભેદ નહીં ઉકેલાતા બાદમાં તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી.

તપાસમાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જ જવાબદાર હોવાનું જણાતા તે દિશામાં તપાસ સઘન કરવામાં આવી. જેમાં ચીખલી તાલુકાના ફડવેલ ગામની ધાર્મિષ્ઠા ચિન્મય પટેલ સાથે મૃતકનો પ્રેમ સંબંધ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ધર્મિષ્ઠા અને તેના પતિ ચિન્મયે આ હત્યા કરી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે આ બંનેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી. વાત એમ હતી કે, ધર્મિષ્ઠા સાથે મૃતકનો પ્રેમ સંબંધ હોવાથી ધર્મિષ્ઠા અને તેના પતિ વચ્ચે ઝઘડાઓ થતા હતા. બે-ત્રણવાર ધર્મિષ્ઠાને પતિએ સમજાવી હતી, પરંતુ સંબંધ રાખ્યો હતો અને અંતે પતિએ કહ્યું, મારી સાથે રહેવું છે કે પ્રેમી સાથે ? જેથી તેણે પતિની માફી માગી, તારી સાથે રહેવું છે તેમ જણાવતાં નિલેશ પટેલની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

આ કાવતરામાં લાલચ આપી ગામના જ બે સાગરીતો દીપેશ ઉર્ફે બુધીયો હળપતિ અને મનોજ ઉર્ફે મનકો હળપતિને સામેલ કરવામાં આવ્યા હતા. હત્યાના બે અઠવાડિયા અગાઉ મિટિંગ ગોઠવવવામાં આવી હતી. ત્યારબાદ મૃતક નિલેશના આવનજાવન સમયની રેકી કરી સાદકપોર બ્રહ્મદેવ મંદિરની પાછળ આ હત્યાને અંજામ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હત્યાના દિવસે વોચ ગોઠવી હતી અને પ્લાન મુજબ નોકરીએથી આવતા નિલેશ જોડે ધર્મિષ્ઠા બેસી ગઈ હતી અને આયોજન મુજબ બ્રહ્મદેવ મંદિરની પાછળ તેને લઈ ગઈ હતી. ત્યાં લોખંડના સળિયાથી ચિન્મયે મૃતક નીલેશને માથામાં ફટકો મારતા નિલેશ ઊંધો પડી ગયો. તે સમયે ધર્મિષ્ઠાએ મૃતક નિલેશના માથામાં લાકડાનો ફટકો મારી દીધો હતો. દીપેશ અને મનોજે પણ મૃતક નિલેશના માથામાં ફટકાઓ મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ હત્યાને અંજામ આપી મૃતક નિલેશનો મોબાઈલ લઈ લીધા બાદ તેની લાશને શેરીડીના ખેતરમાં નાખી દીધી હતી. એટલું જ નહીં, હત્યા સમયે વપરાયેલા કપડાં અને ચંપલ આરોપીઓએ સળગાવી દીધા હતા. આરોપીઓ પૈકી દંપતીએ હત્યા પહેલા ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા સિરિયલ જોઈ હતી. પોલીસ તપાસમાંથી બચવા માટે હત્યા કરતી વખતે તમામ મોબાઈલ ફોન પોતાના ઘરે મૂકીને ગયા હતા. ગુનાવાળી જગ્યા ઉપર આવતા જતા સીસીટીવી કેમેરા નહીં હોવાથી તે રૂટનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત ફિંગર પ્રિંટ ન આવે તે માટે હાથો પર સેલોટેપ લગાવી દીધી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ કપડાં, ચંપલ અને સેલોટેપ સળગાવી દીધી હતી.