જામનગરના ધ્રોલ ખાતે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન રાજુભાઇ ધ્રુવના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

0
294

જિલ્લાના કુલ ૨૦૮ ખેડૂતોને મંજૂરીપત્રો એનાયત કરાયા આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરાયા

જામનગર તા.૧૭ સપ્ટેમ્બર, આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગતના વધુ બે પગલાં પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયના નિભાવ ખર્ચની સહાય યોજના અને જીવામૃત માટે કીટ સહાય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતના ખેડૂતો શૂન્ય લાગત સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ કરતી પ્રાકૃતિક ખેતી તરફ પગરણ માંડે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે આવશ્યક દેશી ગાય માટેના નિભાવ ખર્ચ માટે માસિક રૂ. ૯૦૦, વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. તો પ્રાકૃતિક ખેતીમાં જીવમૃતનું અતિ મહત્વ છે ત્યારે સરકાર દ્વારા જીવામૃત બનાવવા માટેની કીટ જેમાં ૧ ડ્રમ, પ્લાસ્ટિકના ર ટબ, ૧ ડોલ જેવી સામગ્રીની સહાય આપવામાં આવશે.

આ લોકાર્પણ પ્રસંગે  ધ્રોલ ખાતેના કાર્યક્રમમાં ૭૫ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચની સહાય અને ૩૦ ખેડૂતોને જીવામૃત બનાવવા માટેની કીટની સહાયના મંજૂરીપત્ર એનાયત કરાયા હતા. તો  લાલપુર ખાતે યોજાયેલા  લાલપુર, જામજોધપુર  અને  કાલાવડ તાલુકાના ક્લસ્ટરના કાર્યક્રમમાં ૭૭  ખેડૂતોને ગાય નિભાવ ખર્ચની સહાય અને ૨૬ ખેડૂતોને જીવામૃત બનાવવા માટેની સહાયના મંજૂરીપત્ર એનાયત કરાયા હતા. આમ જામનગર જિલ્લાના કુલ ૧૫૨ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ  તેમજ  ૫૬ ખેડૂતોને જીવામૃત બનાવવાની કીટની સહાયના મંજૂરીપત્રો એનાયત કરાયા હતા. આ તકે મહાનુભાવોના હસ્તે ‘આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ’નાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા. જેમાં એક રાજ્ય કક્ષા, ત્રણ જિલ્લા કક્ષા અને ત્રણ તાલુકા કક્ષાના એવોર્ડ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

પ્રાકૃતિક ખેતી માટે ગાય નિભાવ ખર્ચની સહાય યોજના અને જીવામૃત કીટ સહાય યોજનાઓના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને ગુજરાતની જનતા વતી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, ગાયને આપણા શાસ્ત્રમાં કામધેનુ કહે છે, અગાઉ થતી કેમિકલયુક્ત ખેતીના કારણે જમીન બંજર બની છે અને લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે ત્યારે લોકો સ્વસ્થ બને તે માટે કામધેનુથી પ્રકૃતિ તરફ વળી પ્રાકૃતિક ખેતી તરફ ગુજરાતના ખેડૂતો વળે, તો વાસ્તવમાં જગતના તાત બની, સારું ખાતર, સારું બીજુ મેળવી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન કરી સ્વસ્થ પાક ઉત્પન્ન કરી અનેક લોકોને તંદુરસ્ત બનાવવામાં ખેડૂતો અગ્રીમ બનશે. આગામી દિવસોમાં ખેડૂતોનો વિકાસ, ખેતીનો વિકાસ અને રાજ્યના ઉત્તમ થી સર્વોત્તમ તરફની ગતિ તરફ આ પગલાં થકી ગુજરાત આગળ વધશે.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને સંબોધન કરી જણાવ્યું હતું કે, ભારતના ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોએ ઝોક દેવો જોઈએ. ભૂતકાળમાં યુરિયા ખાતર, કીટનાશકોના દુષ્પરિણામ આપણે ભોગવી રહ્યા છે. રાસાયણિક ખેતીમાં ખેડૂતની લાગત પણ દિનપ્રતિદિન વધી રહી છે અને સામે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે, જમીનની ફળદ્રુપતા ઘટી છે અને જમીન રસાયણયુક્ત બની છે ત્યારે આવા ઉત્પાદનના સેવનથી લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાયું છે. તો પ્રાકૃતિક ખેતી થકી જો ખેડૂત ખેતી કરશે તો આ ખેતી થકી ખેડૂતની લાગત પણ શૂન્ય રહે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે.

રાજ્યમાં ૨૨ હજાર માસ્ટર ટ્રેનર્સ દ્વારા ૧ લાખ ૨૭ હજાર જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે જેમાંથી હાલની ખરીફ ઋતુમાં એક લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરી છે. આ સાથે જ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે ગાય ખેડૂતના ઘરમાં છે તો તેના દૂધ દ્વારા ખેડૂતના બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધશે અને તેના છાણ અને ગૌમુત્ર દ્વારા ખેડૂતની ખેતી વધુ સંપન્ન થશે.

આ કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન શ્રી રાજુભાઇ ધ્રુવે ગુજરાતના ખેડૂતની ખુમારી અને ખમીરને બિરદાવી કહ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત અતિ પરિશ્રમી છે પરંતુ અગાઉ વીજળી અને પાણી જેવી મુશ્કેલીઓ હતી. જે આવશ્યકતા રાજ્ય સરકારે પૂર્ણ કરી છે. નર્મદાનું પાણી ગામડે ગામડે પહોંચાડી આજે ગુજરાતના ખેડૂતોના ખેતરે પાણી પહોંચ્યું છે. ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના નિર્ધારને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા નક્કર પગલા લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં સહાય જમા કરી ખેડૂતોને સરકારે સાથ આપ્યો છે, તો આ નવી સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના થકી શુન્ય લાગત અને વધુ ઉત્પાદન મેળવી ખેડૂત વધુ સંપન્ન થઇ શકે આ માટે રાજ્ય સરકાર દ્વારા આજે વધુ બે યોજનાઓને લોકાર્પિત કરાઈ છે.

આ કાર્યક્રમમાં બિનઅનામત બોર્ડના ચેરમેન બી.એમ.ઘોડાસરા, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ ભીમજીભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, પ્રાંત અધિકારી ધ્રોલ હેતલ જોષી, તાલુકા વિકાસ અધિકારી મહિપતસિંહ, જિલ્લા ખેતીવાડી અધિકારી ડઢાણીયા, કૃષિ વૈજ્ઞાનિક ડો. કે.પી. બારૈયા વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ- સાગર સંધાણી,જામનગર