પંચમહાલ જિલ્લામાં ‘સાત પગલા ખેડૂતકલ્યાણના’કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓનું લોકાર્પણ

0
62

મોરવા હડફ અને જાબુંઘોડા ખાતે યોજાયેલ કાર્યક્રમોમાં લાભાર્થી ખેડૂતોને મહાનુભાવોના હસ્તે મંજૂરીપત્રોનું વિતરણ ૧૭ પ્રગતિશીલ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ અને પ્રમાણપત્રો એનાયત કરાયા

દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત ૪૦૦૦ લાભાર્થીઓને વાર્ષિક રૂ. ૧૦,૮૦૦/-ની સહાય

જીવામૃત કીટ સહાય યોજના અંતર્ગત જિલ્લાના૨૮૩૦ લાભાર્થીઓને સહાય અપાશે

પંચમહાલ મા રાજ્યના કિસાન બંધુઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારે લોન્ચ કરેલી “સાત પગલાં ખેડૂત કલ્યાણના” યોજના અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસ નિમિત્તે આજે રાજ્યના ૭૦ સ્થળોએથી દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અને જીવામૃત કિટ સહાય યોજનાનું રાજ્યવ્યાપી લોન્ચિંગ યોજાયું હતું. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ મોરવા હડફ અને જાંબુઘોડા ખાતે જિલ્લા કક્ષાના લોન્ચિંગ કાર્યક્રમો યોજાયા હતા. મોરવા હડફ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ અને જાંબુઘોડા ખાતે કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત આ યોજના હેઠળ સહાયના મંજૂરી હુકમોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના ૪૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે દેશી ગાયના નિભાવ માટે પ્રતિ ખેડૂત વાર્ષિક રૂ. ૧૦,૮૦૦/- મુજબ રૂ.૪.૩૨ કરોડની તેમજ જીવામૃત કીટ રૂ. ૧૩૫૦/- પ્રતિ કીટ મુજબ ૨૮૩૦ ખેડૂતોને રૂ.૩૮,૨૦,૫૦૦/-ની કુલ સહાયની પૂર્વ મંજૂરી આપવામાં આવી છે.
જામ્બુઘોડા ખાતે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા કાલોલ ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણે જણાવ્યું હતું કે ખેડૂતોને વાવણીથી લઈને વેચાણ સુધીની પ્રક્રિયાના દરેક તબક્કે સહાયરૂપ થવા સરકારે સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત સાત જેટલી યોજનાઓ અમલમાં મૂકી છે, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતો ની આવક બમણી કરવાના જાહેર કરેલ નીર્ધારને પૂર્ણ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. લાંબેગાળે પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખેતી કરતા અનેકગણી વધુ ફાયદેમંદ હોવાથી સરકારની આ યોજનાઓનો લાભ ઉઠાવી ખેતીક્ષેત્રે નવીન ક્રાંતિ લાવવામાં સહાયક થવા આગ્રહ કર્યો હતો.
આ અગાઉ કાર્યક્રમના મુખ્ય મહેમાનપદેથી ઇન્ચાર્જ કલેક્ટરશ્રી એ.જે. શાહે જણાવ્યું હતું કે વિશ્વભરમાં ગુણવત્તાયુક્ત અને રસાયણમુક્ત ખેત પેદાશોની માંગ થઈ રહી છે ત્યારે અને આપણા અમૂલ્ય જમીન, પાણી અને પર્યાવરણની જાળવણી માટે ખેતીમાં હાનિકારક તત્વોનો ઉપયોગ દૂર કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવા ઈચ્છતા ખેડૂતો માટે આ બંને યોજનાઓ બહુમૂલ્ય પ્રોત્સાહનરૂપ બની રહેશે. પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટ ખેતી હોવાથી અંતે ખેડૂતોને આર્થિક રીતે સંપૂર્ણપણે સ્વાવલંબી બનવામાં મદદ કરશે અને રાજ્યની જમીન અને પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખવામાં નિર્ણાયક પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું. ઉપસ્થિતજનોને
આ યોજનાઓનો લાભ મેળવવા માટેના ધારાધોરણો અને પ્રક્રિયા વિશે માહિતી આપતા શ્રી શાહે આ તમામ યોજનાઓની માહિતી જિલ્લાના દરેક ખૂણે દરેક ખેડૂત સુધી સરળ રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજયકક્ષાએથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને વિડીયોના માધ્યમથી સંબોધન કર્યુ હતું. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એ.આઈ. પઠાન અને નિષ્ણાંતો દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતી અને સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ જ પ્રકારનો કાર્યક્રમ મોરવા હડફ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં અને ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે. રાઉલજીની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો હતો.જાબુંઘોડાના કાર્યક્રમ દરમિયાન જિલ્લાના ૧૦ અને મોરવા હડફ ખાતે ૭ મળી કુલ ૧૭ પ્રગતિશીલ ખેડૂતોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ અને પ્રોત્સાહનના ભાગરૂપે રૂ.૧૦,૦૦૦/-નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
જામ્બુઘોડા ખાતેના કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી એ.કે.ગૌતમ, ખેતીવાડી સંયુક્ત નિયામકશ્રી વડોદરા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એ.આઈ.પઠાન સહિતના અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહભાગી થયા હતા. સમગ્ર કાર્યક્રમમાં માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચત કરવામાં આવ્યું હતું.

અહેવાલ – ગણપત મકવાણા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here