સુરત શહેરના કતારગામ વિસ્તારમાં વિમલનાથ આર્કેડ સ્થિત ઓનલાઇન માર્કેટીંગની એક દુકાનમાં કતારગામ પોલીસે રેડ પાડી હતી. જેમાં બે યુવાનને 2.38 લાખની કિંમતના 2.379 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપાયા હતા. અનલોક બાદ છેલ્લા બે માસથી ભાડાની દુકાનમાં ઓનલાઇન માર્કેટીંગનું કામ કરતા મૂળ અમરેલી સિવિલ એન્જિનિયર યુવક અને ભાવનગરના યુવાનોએ ચરસનો ધંધો શરૂ કર્યો હતો. જોકે, વધુ ગ્રાહક સુધી પહોચે તે પહેલા જ પોલીસ તેમની પાસે પહોંચી ગઈ હતી.
2.38 લાખની કિંમતના 2.379 કિલોગ્રામ ચરસના જથ્થો મળી આવ્યો
સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી નશાનું હબ બની ગયું હોય તેવું લાગે છે. કારણ કે સતત ડ્રગ્સ કે ચરસ પકડવાના કિસ્સા વધી રહ્યા છે કે જેમાં બે મુદ્દા હોય શકે કે પહેલા પોલીસ પકડતી ન હતી કે હવે નશાનું પ્રમાણ વધી રહ્યું છે. કતારગામ પોલીસે ઝડપાયેલા બે યુવાનો પૈકી એક સિવિલ એન્જિનિયર છે.

કતારગામ પોલીસ મથકના કોન્સ્ટેબલ રવિરાજસિંહ ઘનશ્યામસિંહને મળેલી બાતમીના આધારે કતારગામ પીઆઇ બી.ડી.ગોહિલ અને સ્ટાફે કતારગામ પારસ સોસાયટી વિભાગ-2 વિમલનાથ આર્કેડ દુકાન નં.304 માં રેડ કરી હતી. પોલીસે દુકાનમાંથી રૂપિયા 2,37,900ની કિંમતના 2 કિલો 379 ગ્રામ ચરસના જથ્થા સાથે જીગર મનસુખભાઈ ધોળકીયા અને પાર્થ જયંતીભાઈ તેજાણીને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ચરસ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન અને ચરસ વેચાણના રોકડા રૂપિયા 19,400 મળી કુલ.2,64,300 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.