આમ કેમ !! : રાજકોટમાં 8 કેસ હતા ત્યારે રેડ ઝોન, 59 કેસમાં ઓરેન્જ ઝોન!

  0
  542

  કેન્દ્ર સરકારે રાજકોટ સહિત ગુજરાતના 19 જિલ્લા ઓરેન્જ અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં મૂક્યા

  હજુ પણ 41 દર્દી સારવાર હેઠળ તેમ છતાં ઓરેન્જ ઝોન કઇ રીતે ?

  તા.૧, રાજકોટ: કાતિલ કોરોનાનો કહેર રાજકોટમાં હજુ શમ્યો નથી. આમ છતા પરિસ્થિતિ સબ સલામત જેવી હોવાનું અને આભાસી ચિત્ર ઉભુ કરવા માટે જ શહેરનો રેડ ઝોનમાંથી અચાનક જ ઓરેન્જ ઝોનમાં સમાવેશ થઇ ગયો ! આવા ઘેરા આશ્ર્ચર્ય સાથે રાજકોટવાસીઓના મનમાં સવાલોના ગુંચવાડા ઉભા થયા છે. કેન્દ્ર સરકારે શુક્રવારે દેશના વિવિધ રાજ્યો અને તેના હોટસ્પોટ શહેરોની સમીક્ષા સાથેનો એક ગ્રાફ જાહેર કર્યો હતો. જેમાં કોરોનાની ગંભીરતા કયા શહેરમાં કેટલી છે ! તેના પરથી એલર્ટ ઝોન નક્કી કર્યા હતા.

  રાજકોટ અત્યાર સુધી રેડ ઝોનમાં હતું. એવામાં અચાનક જ ઓરેન્જ ઝોનમાં કેમ આવ્યું ??


  રાજકોટમાં જ્યારે ફક્ત ૮ કેસ હતા ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજકોટનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટની સ્થિતિ સૌથી ભયંકર છે અને હજુ ૪૧ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે તથા દિવસે ને દિવસે અનેક નવા કેસ ઉછાળા સાથે ટંકાર કરી રહ્યા છે તો રાજકોટનો વધુ સતર્ક બનાવવાને બદલે ઓરેજ ઝોનમાં સમાવેશ કઈ રીતે કરવામાં આવ્યો તેવા સવાલો બુદ્ધિજીવીઓમાં ઉપજી રહ્યા છે. સવાલો પાછળના તર્ક પણ સાચા છે તેમાં પણ શંકા ન ઉપજાવી શકાય.

  કારણ, જ્યારે શહેરમાં કોરોના પોઝીટીવના 8 કેસ હતા ત્યારે રેડ ઝોન હતો. આજની સ્થિતિએ રાજકોટમાં અત્યાર સુધીમાં 59 પોઝીટીવ કેસ નોંધાઇ ચૂકયા છે. એક દર્દીનું મોત પણ થઇ ચૂકયું છે. હજુ 41 દર્દી સિવિલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. જંગલેશ્ર્વરની 11 શેરીઓ સીલ છે, અનેક છુપા કેસ જંગલેશ્ર્વર સહિતના આસપાસના વિસ્તારોમાં ફરતા હોવાની ભીતિ છે. પોઝીટીવ આવેલા દર્દીઓના સંક્રમિતોની ચેનલને પુરી રીતે તંત્ર પારખી શકયુ નથી.

  આ બધી હકીકતને ધ્યાનમાં રાખીને રાજકોટ રેડઝોનમાંથી અચાનક ઓરેન્જ ઝોન કેમ બની ગયું ? એવા સવાલો સાથે આશ્ર્ચર્ય સર્જાયું છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here