હેર સલૂન-બ્યુટી પાર્લરમાં કોરોના ટેસ્ટ કરશે મહાપાલિકા

0
219

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાએ પણ હવે અમદાવાદ મહાપાલિકાની પેટર્ન અનુસાર સુપર સ્પ્રેડર્સને શોધવા માટે કાર્યવાહી શરૂ કરી છે જેમાં સૌપ્રથમ શહેરમાં શાકભાજીના ફેરિયાઓનું ચેકિંગ અને ટેસ્ટ કર્યા બાદ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હેર સલૂન અને બ્યુટી પાર્લરના સ્ટાફનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. દરમિયાન આજે બપોર સુધીમાં રાજકોટ શહેરમાં કોરોના વધુ ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા અને આ સાથે આજે બપોર ની સ્થિતિએ રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૮૭૧ થઇ છે.


વિશેષમાં મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.લલિત વાજાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં વોર્ડવાઇઝ જે વિસ્તારોમાંથી કોરોનાના વધુ પોઝિટિવ કેસ મળી રહ્યાં હોય તે વિસ્તારના હેર સલૂન્સ અને બ્યુટી પાર્લર્સમાં આરોગ્ય શાખાની ટુકડી ગમે ત્યારે પહોંચીને સરપ્રાઇઝ ચેકિંગ કરશે અને ત્યાંના સ્ટાફના તેમજ સલૂન કે પાર્લરના માલિકોના પણ કોરોના ટેસ્ટ કરશે. આ ચેકિંગ દરમિયાન ત્યાં આગળ બેઠેલા ગ્રાહકોમાં જો કોઈ ગ્રાહકનું ટેમ્પરેચર વધુ જણાશે તો તેનો પણ સ્થળ પર જ તુરંત કોરોના ટેસ્ટ કરી નાખવામાં આવશે.


માસ્ક નહી પહેરતા લોકો સામે ડાઈવ કરવામાં આવી હતી, જે અંતર્ગત માસ્ક નહી પહેરનારા ૪૭ લોકો પાસેથી ૪૭,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ કાલાવડ રોડ પર આવેલ ડી-માર્ટ ખાતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ રૂપિયા ૨૫,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો, તેમ મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. શહેરના વધુ અવરજવર કરતા વિસ્તારોમાં જયુબેલી, પરા બજાર, હોસ્પિટલ ચોક, પારેવડી ચોક, ફૂલ માર્કેટ, મોચી બજાર વિગેરે સ્થળોએ માસ્ક પેનલ્ટી ડ્રાઈવ કરવામાં આવી હતી. કોરોના સંક્રમણને રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા રાજકોટ બહારથી આવતા મુસાફરોનું બસમાંથી ઉતરતાની સાથે જ સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુસાફરી કરતા મુસાફરોનું ટેસ્ટીંગ અને સ્ક્રીનિગ કરવાથી કોરોના પોઝિટિવ દર્દી દ્વારા અન્ય વ્યક્તિઓને ચેપ લાગતો અટકાવી શકાય છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે, રાજકોટ શહેરની બહારથી આવતા મુસાફરો માટે એસ.ટી. બસ સ્ટેશન ખાતે મહાપાલિકા દ્વારા ચેકઅપ કામગીરી કરવામાં આવી જ રહી છે. ઉપરાંત થોડા મુસાફરો એવા પણ હોય છે કે જે લોકો શહેરની બહારના સ્ટોપ પર ઉતારતા હોય છે. તો આવા મુસાફરો માટે મહાપાલિકા દ્વારા પ્રાઇવેટ બસ સ્ટોપ ખાતે ઉતારતા મુસાફરોનું સ્થળ પર જ સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પ્રાઇવેટ બસના મધ્યમાંથી રાજકોટ બહારથી આવતા મુસાફરોનું મનપા દ્વારા સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ દરમ્યાન જો કોઇ પણ મુસાફરને શંકાસ્પદ લક્ષણો જણાય છે તો તેમને જરૂરી સારવાર અર્થે ખસેડવામાં આવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here