શાપરમાં જીઆરડીનો જવાન, વેપારી પિતા-પુત્ર કારમાંથી 130 કિલો સોપારીના જથ્થા સાથે પકડાયા :GRD જવાનને સસ્પેન્ડ કરાયો
કાળાબજારમાં સોપારી, તંબાકુના વેચાણનના કૌભાંડમાં યોગ્ય તપાસ થાય તો કેટલાય નાં તપેલા ચડી જવાની ભીતિ !!
તા.૧, રાજકોટ: લોકડાઉનમાં પાનની દુકાનો બંધ હોવાથી બંધાણીઓ તલપ સંતોષવા તંબાકુ,સીગારેટ અને સોપારીના મો માગ્યા ભાવ ચૂકવી રહ્યા છે. આ તકનો ગેરલાભ લઇને વેપારીઓએ પણ કાળાબજારમાં માલની સપ્લાય શરૂ કરી છે. શાપર(વેરાવળ) ચેક પોસ્ટ પરથી મહિલા પીએસઆઇએ એક કારમાંથી 130 કિલો સોપારી સાથે વેપારી પિતા-પુત્ર અને જીઆરડીના જવાનને ઝડપી લીધા હતા. સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, પકડાયેલો જીઆરડીનો જવાન તો માત્ર મહોરું છે, લોકડાઉન જાહેર થયું ત્યારથી પોલીસની મીઠી નજર હેઠળ કાળાબજારમાં સોપારી, તંબાકુ વેચવાનું આ કૌભાંડ ચાલે છે, જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ કૌભાંડમાં કેટલાય નાં તપેલા ચડી જવાની ભીતિ સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ – ગોંડલ હાઇ-વે પર ખોડિયાર હોટલ પાસે ચેક પોસ્ટ પર ફરજ બજાવી રહેલા મહિલા પીએસઆઇ વાછાણીએ ચેક પોસ્ટ પરથી પસાર થતી I-10 GJ 03 KP 2637 નંબરની કારને શંકાના આધારે અટકાવી હતી. કારમાં ડ્રેસમાં જીઆરડી જવાન સહિત ત્રણ શખસ બેઠા હતા તેમજ કારમાંથી 130 કિલો આખી સોપારી મળી આવી હતી. પોલીસે કાર અને સોપારી સહિત કુલ રૂ. 2,49,800 નો મુદ્દામાલ કબજે કરી જીઆરડીના જવાન મનસુખ કરસન સોલંકી(રહે, સર્વોદય સોસાયટી, શાપર-વેરાવળ) તથા વેપારી નટવરલાલ બાબુલાલ ઘેટીયા અને તેના પુત્ર વેગન નટવરલાલ ઘેટીયા( રાજપથ સોસાયટી, કાંગસીયાળી ગામ પાસે) ની ધરપકડ કરી હતી.

આ કૌભાંડ અંગે સૂત્રોએ આપેલી માહિતી મુજબ, લોડકાઉન જાહેર થયું ત્યારથી તંબાકુ,સોપારીના કાળાબજાર શરૂ થઇ ગયા છે. શાપર પોલીસ ડી સ્ટાફના જ ચોક્કસ જવાનોની મીલીભગતથી ઉપરોક્ત વેપારી પિતા-પુત્ર નવાગામમાં ગોડાઉનમાંથી સોપારીનો જથ્થો લાવીને શાપર,ગોંડલમાં ઇન્ડસ્ટ્રિઝના કર્મચારી,મજૂરોને કાળાબજારમાં સોપારી,તંબાકુ,સિગારેટનું વેચાણ કરતા હતા. રસ્તામાં કોઇ રોકે નહીં એ માટે જીઆરડીના જવાનને ડ્રેસમાં સાથે બેસાડતા હતા. ચોક્કસ પોલીસમેન, જીઆરડીના જવાન અને વેપારીએ અત્યાર સુધીમાં લાખો રૂપિયાની કિંમતના સોપારી,તંબાકુ,સિગારેટ કાળાબજારમાં વેચી નાખ્યા છે. રૂ. ૨૦૦ મા મળતું તંબાકુનુ ટીન આ મંડળી ૬૦૦ થી ૮૦૦ માં વેચતી હતી.
CCTV ચેક કરાય તો જીઆરડીના જવાનને સાથે રાખીને કેટલા ફેરા થતાં એ ખૂલશે….
સૂત્રોએ કહ્યું હતું કે, આ રૂટના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો જીઆરડીના જવાન અને વેપારી દિવસમાં કેટલી વખત સોપારી, તંબાકુના ફેરા કરતા હતા અને કોને કોને માલ સપ્લાય કરતા હતા એની ચોંકાવનારી વિગતો સામે આવશે. ચેક પોસ્ટ ઉપર પણ આ ટોળકીની ગોઠવણ હોવાનું ચર્ચાય છે, પરંતુ કડક અને નિષ્ઠાવાન મહિલા પીએસઆઇ વાછાણીએ ખરા અર્થમાં ફરજ બજાવીને ચેક પોસ્ટ ઉપર કઇ રીતે ચેકીંગ થવુ જોઇએ તેનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.
એજન્સીઓના સંચાલકોને દબાવીને માલ કઢાવી લીધાની પણ ચર્ચા..
એક માહિતી મુજબ, આ ટોળકી આસપાસના વિસ્તારમાં પાન-મસાલાની એજન્સીના વેપારીઓને દબાવીને બજાર ભાવે માલ કઢાવી ઉંચા ભાવે વેચતા હતા અને કોઇ સોપારી,સીગારેટ,તંબાકુ સાથે પકડાય તો મામૂલી વસ્તુ કબજે બતાવી બાકીનો માલ પણ બારોબાર વેચી દેવાતો હતો. ન્યાયપ્રિય અને શિસ્તના આગ્રહી જિલ્લા પોલીસવડા બલરામ મીણા આ મામલે તપાસ કરાવીને ખાખી વર્દીને કલંક લગાડતા આવા ચહેરાઓને ઉઘાડા કરી કડક કાર્યવાહી કરે તેવી પોલીસબેડામાં ચર્ચા થઇ રહી છે.