- કોરોના સંક્રમણ અટકાવવા આજથી શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ પર આરોગ્યની ટીમ તૈનાત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 5 હજાર નજીક પહોંચી ગઈ છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 4928 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1077 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે 156 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
ગ્રીનલેન્ડ ચોકડી પર રાજકોટ આવતા મુસાફરોનું ચેકિંગ
રાજકોટમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના તમામ પ્રવેશ દ્વાર નજીક એક ચેકપોસ્ટ રાખવામાં આવી છે. સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ રાખવામાં આવી છે. આજે ગ્રીનલેન્ડ ચોકડી પરથી રાજકોટ આવતા તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
રાજકોટમાં હેર સલૂન અને બ્યુટિપાર્લરમાં કોરોના ટેસ્ટ શરૂ
રાજકોટમાં હવે હેર સલૂન અને બ્યુટિપાર્લરમાં પણ કોરોના ટેસ્ટ આજથી કરવામાં આવશે. કોરોના સુપર સ્પ્રેડર શોધવા માટે રાજકોટ મનપાએ આ નિર્ણય લીધો છે. જે વિસ્તારોમાંથી વધુ કેસ મળે ત્યાંના સલૂન અને પાર્લર સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
ડોક્ટરો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફે કોરોનાનું કામ ફરજિયાત કરવું પડશે
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ડોક્ટરો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફે કોરોનાનું કામ ફરજિયાત કરવાનું રહેશે. ના પાડનાર સામે ગુનો નોંધવામાં આવશે. ના પાડનાર સામે એપેડમી એક્ટની કલમ 188 મુજબ ગુનો નોંધાશે.