રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ પત્રકારો સાથે સાધ્યો પરિસંવાદ

0
142

જામનગરમાં કોવિડ સામે થતી લડતની આપી વિગતવાર માહિતી મુખ્યમંત્રી દ્વારા જામનગરની સતત ચિંતા કરાઇ રહી છે, સારવાર માટે વધુ વ્યવસ્થાઓનું નિર્માણ કરાયું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર તા.૧૮ સપ્ટેમ્બર,

રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજરોજ મહેસુલ સેવાસદનના સભાખંડ ખાતે જામનગરના પત્રકાર મિત્રોને સંબોધન કર્યું હતું. સાથે જ જામનગરમાં થઇ રહેલી કોવિડ સામેની લડાઈની વિગતવાર માહિતી મિડિયામિત્રોને આપી હતી.

                મંત્રીએ જણાવ્યું હતું કે, હાલ જામનગરમાં શહેર વિસ્તારમાં ૨૩ ધનવંતરી રથ, ૭ સંજીવની રથ અને ૧૮ મોબાઇલ ડોક્ટર્સની ટીમ કાર્યરત છે. જે લોકોના આરોગ્યની તપાસણી તેમજ હોમઆઇસોલેશનમાં રહેલા ૭૦૦ જેટલા વ્યક્તિઓના હેલ્થનું મોનીટરીંગ કરે છે. ૧૮ જેટલી મેડિકલ ટીમ દ્વારા ઘરે જઈને લોકોની સારવાર કરવામાં આવી રહી છે. શહેરના જુદા જુદા સ્થળોએ તથા ૨૩ ધનવંતરી રથના લોકેશન પર ૪ લાખ જેટલી હોમયોપેથીક દવા અને ૨ લાખ જેટલા લોકોને ઉકાળાનું વિતરણ કરાયું છે અને આગામી દિવસોમાં ગુજરાતના આયુષ મંત્રાલય દ્વારા સંશમની વટી ગોળીઓનું વિતરણ શહેરી વિસ્તારમાં કરી લોકોની રોગ પ્રતિકારકશક્તિ વધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

               શહેરમાં ૭ સંજીવની રથ દ્વારા ૨૪ કલાક ઓન કોલ ઘર બેઠા આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી રહી છે તેમજ ૧૨ અર્બન હેલ્થ સેન્ટર અને ૨૩ ધનવંતરી રથ તેમજ જી.જી.હોસ્પિટલ ખાતે કોરોનાના લક્ષણ ધરાવતા વ્યક્તિઓના વિનામૂલ્યે એંટીજન ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. દાખલ થયેલ દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે અને તેઓને માનસિક સહારો આપવા માટે કાઉન્સિલર થકી તેમનો ઉત્સાહ વધારવા માટેની કામગીરી પણ આગામી દિવસોમાં કરવામાં આવશે, આ માટે કાઉન્સિલર દ્વારા દર ૩ થી ૪ કલાકે દર્દીની મુલાકાત પણ નિયમીત લેવામાં આવશે તેમ ઉમેરતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત માઇલ્ડ અને મોડરેટ પ્રકારના દર્દીઓ માટે નિયમિત રીતે યોગ શરૂ કરવામાં આવશે, જેથી દર્દીને ઝડપી રિકવરીમાં મદદરૂપ બનશે.

                દર્દીઓના સગાને દિવસમાં ઓછામાં ઓછા એક વાર ફોન દ્વારા દર્દીની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ અમદાવાદથી પણ ૩ નિષ્ણાત ડોક્ટરની ટીમ રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવી છે. જેઓ જી.જી.હોસ્પિટલ સાથે સંકલન કરીને સતત મોનિટરિંગ કરશે. આ ઉપરાંત હોસ્પિટલ માટે બે ફિઝિશ્યન તથા બે એનેસ્થેટીસ્ટ એમ કુલ ચાર ડોક્ટરો અમદાવાદથી તાત્કાલિક નિયુક્ત કરવામાં આવ્યા છે જે જામનગર ખાતે કોવિડ દર્દીઓની સારવારમાં કાર્યરત થશે.

                 મંત્રીએ આ સાથે જ જામનગરની જનતાને અનુરોધ કર્યો હતો કે, લોકો હકારાત્મક વિચાર સાથે આ રોગ સામે લડાઈ લડે. મુખ્યમંત્રી દ્વારા જામનગરના લોકો માટે સતત ચિંતા કરાઈ રહી છે. દરેક પ્રકારના તબીબી સારવારના સાધનો અને સેવાઓ જામનગરના લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત વ્યવસ્થાની સમીક્ષા કરી આવશ્યકતાઓની પૂર્તિ કરવામાં આવી રહી છે. આ સમયે લોકો સતત હકારાત્મક રહી, હકારાત્મક વિચાર સાથે આ લડાઈ લડશે તો જામનગર કોરોના સામે આગામી દિવસોમાં જીત મેળવશે. આ પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ- સાગર સંધાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here