શું ખરેખર એકવાર કોરોના થયા બાદ એ વ્યક્તિ ફરી સંક્રમિત થાય છે? સિવિલના ડોક્ટરે દૂર કરી કેટલીક ગેરમાન્યતાઓ

0
350

સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાય.

  • કોરોનાગ્રસ્ત થઈ ગયા બાદ શરીરમાં માત્ર ૩ મહિના સુધી જ એન્ટીબોડી રહે છે, આ માહિતી તદ્દન ખોટી: ડૉ. કમલેશ ઉપાધ્યાય
  • ફેફસાંમાં ચેપ લાગ્યો હોય તો દર્દીએ સ્પાયરોમેટરી કસરત, યોગ, પ્રાણાયામ કરવાં જોઈએ

તાજેતરમાં કોરોના વાઇરસથી સંક્રમિત થઈને નેગેટિવ થયા બાદ ફરી વખત પોઝિટિવ થવાની સંભાવનાઓની ચર્ચાએ જોર પકડ્યું છે. આ પુન:સંક્રમણ થવાની સંભાવનાઓ કેટલી છે અને એની સાથેનાં જોડાયેલાં તથ્યો શું છે એ વિશે આજે તબીબી નિષ્ણાતના અભિપ્રાય જોઈએ. બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ મેડિસિન વિભાગના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાય કહે છે, વિશ્વભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત થઈને ફરી વખત સંક્રમિત થવાના જૂજ કિસ્સાઓ જ જોવા મળ્યા છે. મેડિકલજગતનાં પ્રાથમિક તારણો જોઈ શકાય છે કે કોરોના વાઇરસના પુન:સંક્રમણ કરતાં પણ વધારે શરીરમાંથી વાઇરસ નીકળવાની, ધરમૂળથી નાશ પામવાની પ્રક્રિયા ધીમી હોય તેવી સંભાવનાઓ વધારે રહેલી હોય તેમ લાગે છે, જે કારણોસર આપણને દર્દી પુન:સંક્રમિત થયા હોવાનું જણાઈ આવે છે.

નાકના ભાગમાં સંક્રમણ કરતાં ફેફસાંમાં રહેલા સંક્રમણની તીવ્રતા વધુ
કોરોના ટેસ્ટિંગની વિવિધ પદ્ધતિઓ, જેવી કે RT-PCR કે પછી એન્ટિજનની રીત જુદી જુદી છે. નાકના ભાગમાં કોરોનાના સંક્રમણ કરતાં ફેફસાંમાં રહેલા સંક્રમણની તીવ્રતા વધુ જોવા મળે છે, જેથી વિષાણુના જિનેટિકનો સંપૂર્ણપણે અભ્યાસ કર્યા બાદ વાઇરસ અલગ તરી આવે, ત્યારે વાઇરસનું પુન:સંક્રમણ થયું હોવાનું કહેવું યોગ્ય છે. એક વખત કોરોનાથી સંક્રમિત થઈ ગયા બાદ ફરી વખત ચોક્કસથી કોરોનાગ્રસ્ત થઈ જ જઈશું એવી પણ ગેરમાન્યતાઓમાં જીવવાની જરૂર નથી.

સોશિયલ મીડિયા પર મળતી અફવાઓથી દૂર રહો
સોશિયલ મીડિયામાં પણ ઘણા મેસેજ ફરતા થયા છે કે એક વખત કોરોનાગ્રસ્ત થઈ ગયા બાદ શરીરમાં ૩ મહિના સુધી જ એન્ટીબોડી રહે છે. ત્યાર બાદ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને પુન:કોરોનાનો ચેપ લાગવાની સંભાવનાઓ પ્રબળ રહેલી છે, જે માહિતી તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. લોકોમાં હર્ડ ઇમ્યુનિટીનો પણ વધારો થયો છે, જે કોરોના વાઇરસ સામે પડકાર ઝીલવા સક્ષમ બનાવે છે. જેથી નાગરિકોએ ગભરાવાની જગ્યાએ ફક્ત સાવચેતી રાખવાની જરૂર છે. એક વખત કોરોના સંક્રમિત થઈ ગયા બાદ પણ માસ્ક પહેરવું, સલામત અંતર જાળવવું જેવા સરકારી દિશાનિર્દેશોનું સ્વયંના સ્વાસ્થ્ય રક્ષણ માટે ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.

કોરોનાથી બચવા દરરોજ આ પ્રક્રિયા જરૂર કરો
સાવચેતી એ જ સલામતી, કોરોનાથી રક્ષણ મેળવવા અને એનાથી સંક્રમિત થઈ નેગેટિવ થયા બાદ પણ સાવચેતી રાખીને સલામત રહેવું ખાસ જરૂરી છે. એનાથી ગભરાવાની જરૂર નથી. વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું, નાસ લેવો એવી પ્રક્રિયાઓ હાથ ધરવી જોઈએ. ફેફસાંમાં ચેપ લાગ્યો હોય તો એની સ્થિતિસ્થાપકતા પાછી મેળવવા, શ્વાસોશ્વાસ સુધારનારી સ્પાયરોમેટરી કસરત, યોગ, પ્રાણાયામ કરવાં જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here