જનપ્રતિનિધિઓને ગુજરાતની પ્રજાની અપીલ, માનનીય, મુદ્દા ઘણાં છે; સ્કૂલ ફી, દર્દીઓની સારવાર મુદ્દે કંઇક કહો

0
106

ગુજરાત વિધાનસભાના 5 દિવસના સત્રનો સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ સત્રમા કોઇ પ્રશ્નકાળ નહીં હોય તેથી જનતાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ સરકારને કોઇ સવાલ નહીં કરી શકે. પરંતુ કોરોના સંક્રમણના આ વિપરીત કાળમાં ગુજરાતના એવા કેટલાંય પ્રશ્નો છે જેનો જવાબ જનતા માંગે છે. રાજ્ય સરકારે હાલ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને સંક્રમણ ન થાય તે હેતુથી પ્રશ્નકાળ રાખ્યો નથી. પરંતુ માત્ર પાંચ દિવસના સત્રમાં ઘણીબધી કાર્યવાહીઓ સમાવી દઇને ઓછામાં ઓછી ચર્ચાએ વધુમાં વધુ સરકારી કામકાજ પૂરાં થઇ જાય તેવો વ્યૂહ અપનાવી રહી હોય તેવું લાગે છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, કોરોનાકાળના આ છ મહિના દરમિયાન એકપણ ક્ષેત્ર એવું નથી જે પ્રભાવિત ન થયું હોય તેથી અમે દરેક મુદ્દા ઉઠાવીશું. તે આરોગ્ય, રોજગાર, શિક્ષણ, અર્થતંત્ર, સામાજિક સુરક્ષા, ખેતી બધુ જ હશે. પોતાના મિત્રની કંપનીનો પ્રચાર કરવા, ગુજરાતમાં પ્રયોગ માટે મુકાયેલા ધમણે કેટલાંય લોકોના ફેફસાંની ધમણ ફાડી નાંખી. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સુરક્ષા અને તકેદારીના પગલાના અભાવે ફાટી નિકળતી આગમાં જીવતે જીવ ભરખાયેલા દર્દીઓ જેવાં મુદ્દા અમારી અગ્રીમતા રહેશે. પ્રથમ દિવસે પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રધ્ધાજંલિ આપીને પ્રથમ બેઠક પુરી થશે,થોડો સમય વિરામ પછી મળનારી બીજી બેઠકમાં કોરોનાની કરાયેલી કામગીરી બાબતે સરકારી વિધયેક લાવીને ચર્ચા થશે.

પ્રજાનો પ્રશ્નકાળ

  • સ્કૂલ ફી મુદ્દે નિર્ણય ક્યારે?
  • માસ્ક પર 1000નો દંડ યોગ્ય પણ નેતાઓને છૂટ કેમ?
  • ધાર્મિક યાત્રા-ઉજવણી બંધ તો રાજકીય રેલીઓ કેમ?
  • ભૂમાફિયા-વ્યાજખોરો સામે કડક કાર્યવાહી ક્યારે?
  • હોસ્પિટલમાં વારંવાર આગ કેમ, કાર્યવાહી ક્યારે?
  • સરકારી ભરતીઓની બંધ પડેલી પ્રક્રિયા ક્યારે શરૂ થશે?
  • પૂરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ક્યારે?
  • પ્રજાને તૂટેલા રસ્તા અને ભૂવામાંથી મુક્તિ ક્યારે?
  • હોસ્પિટલમાં દર્દીઓ સાથે ગેરવર્તન ક્યારે બંધ?
  • કોરોનાથી મોતના સાચા આંકડા કેમ નથી જણાવતા?

(સૌજન્ય: ગુજરાતની પ્રજા)

સત્ર પહેલા 4 MLA પૉઝિટીવ
વિધાનસભાના સત્રના પ્રારંભ અગાઉ તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. ટેસ્ટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નેગેટીવ આવ્યા હતા.જયારે ભાજપના સાણંદના ધારાસભ્ય કનુ પટેલ પોઝીટીવ અને કોંગ્રેસના 3 ધારાસભ્ય વ્યારાના પુના ગામિત, ધાનેરાના નાથા પટેલ અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમર પોઝીટીવ આવ્યા હતા. કોંગ્રેસના 46 અને ભાજપના 70 ધારાસભ્યનો કોરોના ટેસ્ટ કરાયા હતા.

સરકારનું કુલ 24 બિલ રજૂ કરવાનું આયોજન
પાંચ દિવસીય સત્રમાં યોજનારી 6 બેઠક દરમિયાન 24 બિલ લાવવાનું સરકારનું આયોજન છે, પણ હજુસુધી 21 બિલ વિધાનસભામાં નોંધાયા છે, ચાલુ સત્ર દરમિયાન બાકીના બિલ આવે તેવી શકયતા છે. કોંગ્રેસે કોરોના,બેરોજગારી,અતિવૃષ્ટિ, મોંઘવારી,મંદી સહિતના મુદ્દે સરકારને ઘેરશે. પહેલા દિવસે જ ધમાલ થશે તેવા સંકેત મળ્યા છે. વિધાનસભામાં હાલ સત્તાધારી ભાજપના 103 સભ્યો છે જ્યારે કોંગ્રેસના 65 સભ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here