શહેરની 40થી વધુ જાણીતી સ્કૂલોનું એસોસિયેશન કોરોનાની લડાઈમાં મૃત્યુ પામેલા વોરિયર્સનાં બાળકોને ફી વિના ભણાવશે

0
65
  • પ્રોગ્રેસિવ સ્કૂલના એસોસિયેશનના સંચાલકોએ ફ્રી એજ્યુકેશનની તૈયારી દર્શાવી, હજુ પણ વધુ સ્કૂલો જોડાશે

અમદાવાદની જાણીતી 40થી વધુ સ્કૂલોના એસોસિયેશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલના સંચાલકો મૃતક કોરોના વોરિયર્સના બાળકોને ફી લીધા વગર જ ભણાવશે. એઓપીએસમાં પ્રસ્તાવ રજૂ કરાયા બાદ મોટા ભાગની સ્કૂલોએ બાળકોને ફી વગર જ અભ્યાસ કરાવવાની તૈયારી દર્શાવી છે. આવનારા સમયમાં આ મુદ્દે સ્કૂલોની સંખ્યા પણ વધી શકે છે.

સમાજ માટે જે કોરોના વોરિયર્સ કોરોના સામેની લડાઇમાં મૃત્યુ પામ્યા છે તેઓના બાળકોનું ભવિષ્ય ઊજળું બને તેવો પ્રયાસ શહેરની જાણીતી સ્કૂલો દ્વારા કરાયો છે. સમાજને કોરોનાથી બચાવવા અને કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે હજારો હેલ્થ કર્મચારીઓ રાત દિવસ કામ કરી રહ્યાં છે અને આ કામગીરી દરમિયાન જ તેઓ પોતે પણ સંક્રમિત થઇ ગયા હતા. લોકોની સેવા કરતા તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના પરિવારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તે જોવાની સમાજની ફરજ છે. ખાસ કરીને તેમના બાળકોનો અભ્યાસ આર્થિક કારણોને લીધે અટકે નહીં તેની જવાબદારી શહેરના સ્કૂલ સંચાલકોએ ઉઠાવી છે. આ પહેલા એઓપીએસના ગ્રૂપમાં પ્રસ્તાવ રજૂ કરાયો હતો. વિચારણાને અંતે મોટાભાગના સ્કૂલ સંચાલકોએ તૈયારી દર્શાવી હતી. એઓપીએસમાં અમદાવાદની મોટાભાગની જાણીતી સ્કૂલોનો સમાવેશ થાય છે.

મોટે ભાગે પોલીસ અને મેડિકલ ક્ષેત્રનાં સંતાનોને આવરી લેવાશે
એઓપીએસના પ્રેસિડેન્ટ અર્ચિત ભટ્ટે કહ્યુ- એઓપીએસની સ્કૂલ સંચાલકો સામે અમે પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં મોટા ભાગની અમદાવાદની જાણીતી સ્કૂલોના સંચાલકોએ મૃતક કોરોના વોરિયર્સના સંતાનોને ફ્રીમાં અભ્યાસ કરાવવાની તૈયારી દર્શાવી છે, જેમાં મુખ્ય પોલીસ અને મેડિકલ સાથે જોડાયેલો સ્ટાફ રહેશે. આવનારા સમયમાં આ સ્કૂલોની સંખ્યામાં વધારો થશે.

જેમની અરજી આવશે તેમને ઘરની નજીકની બ્રાન્ચમાં પ્રવેશ ફાળવીશું
આનંદ નિકેતન સ્કૂલના સંચાલક કમલ મંગલે કહ્યુ- મૃતક કોરોના વોરિયર્સનાં બાળકોને ટ્યૂશન ફી વગર અભ્યાસ કરાવવાની અમે તૈયારી દર્શાવી છે. જો આ પ્રકારના કોઈ વાલીની અરજી આવે છે તો તેઓને તેમના ઘરથી નજીકની બ્રાન્ચમાં અમે એડમિશન ફાળવીશું. સરકારના નિયમો અને દસ્તાવેજોને આધારે ચેક કરીશું કે તેઓ કોરોના વોરિયર્સનાં સંતાનો છે.

સમાજ પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે
ઉદ્દગમ, ઝેબર સ્કૂલના સ્કૂલ સંચાલક મનન ચોક્સીએ કહ્યુ- સમાજ પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે અમે આ નિર્ણય લીધો છે. અમારી બંને સ્કૂલમાં અમે મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સનાં બાળકોને ફ્રીમાં અભ્યાસ કરાવીશું. જે વોરિયર્સે સમાજના લોકોનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપ્યો છે, તેમનાં બાળકોના અભ્યાસની જવાબદારી સ્કૂલો લેશે.

શહીદ જવાનોનાં બાળકોની તરફેણ કરી હતી
આ પહેલાં પણ અમદાવાદની ઘણી સ્કૂલોએ શહીદ જવાનોનાં બાળકોને ફ્રીમાં એજ્યુકેશન આપવાનું જાહેર કર્યું હતું. સ્કૂલ સંચાલકોના મતે, સોસાયટીને ઊભી કરવી અને તેમનામાં આદર્શોનું નિરૂપણ કરવું એ સ્કૂલોની ફરજ છે જે અમે કરી રહ્યાં છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here