Ph.Dની પ્રવેશ પરીક્ષા કોઈપણ જગ્યાએથી આપી શકાશે, ચોરીનો પ્રયાસ કર્યો’તો કમ્પ્યૂટર કહેશે ‘ગેરરીતિ કરો છો’

0
82
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાહકોએ પીએચડીની પરીક્ષામાં ધરમૂળથી ફેરફાર કરી નાખ્યા
  • ફી ભરવા માટે તેમજ પરીક્ષા સમયે ઓટીપી નંબર સેન્ડ કરશો તો જ આગળની કાર્યવાહી થઈ શકશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાહકોએ પીએચડીની પરીક્ષામાં ધરમૂળથી ફેરફાર કરી નાખ્યા છે. પીએચડીની ઓનલાઈન પરીક્ષા આપવા માગતા ઉમેદવાર વિશ્વના કોઈપણ ખૂણે બેસીને પરીક્ષા આપી શકશે. પરંતુ, પરીક્ષામાં ચોરી ન થાય તે માટે યુનિવર્સિટીએ ખાસ પ્રકારનો સોફ્ટવેર તૈયાર કર્યો છે. કોઈપણ ઉમેદવાર ઓનલાઈન પરીક્ષામાં ચોરી કરવાનો સહેજપણ પ્રયાસ કરશે તો કમ્પ્યૂટર સ્ક્રીન પણ આવી જશે કે ‘તમે ગેરરીતિ કરો છો’ ત્યારબાદ ઉમેદવારનું કમ્પ્યૂટર આપમેળે જ ઓફલાઈન થઈ જશે અને જે તે ઉમેદવાર પરીક્ષામાંથી બાકાત થઈ જશે તેમ કુલપતિ ડો. નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું. ઓક્ટોબર મહિનાની 16 અને 17 તારીખે પીએચડી મેરિટ કમ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે. આ માટે 24 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ વખતે ફોર્મ ભર્યા બાદ ઉમેદવાર ઓનલાઈન ફી ભરે તે પહેલાં ઓટીપી નંબર આવશે જે સેન્ડ કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરી શકાશે. આ ઉપરાંત જ્યારે પરીક્ષા માટે સોફ્ટવેરની લિંક ખોલશે ત્યારે પણ ઓટીપી નંબર આવશે અને નંબર સેન્ડ કર્યા બાદ જ પરીક્ષા આપી શકાશે. ઉમેદવારના રજિસ્ટ્રેશન મોબાઈલ અને ઈ-મેલના આધારે જ ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા કરવાની રહેશે તેમ કો-ઓર્ડિનેટર ડો. ગિરીશ ભીમાણી અને મેહુલ રૂપાણીએ જણાવ્યું હતું.

પ્રવેશ પરીક્ષાનું પાસિંગ ધોરણ
– યુજીસીના નિયમ મુજબ ઓપન કેટેગરીના ઉમેદવાર માટે 50 ગુણ તેમજ અનામત કેટેગરીના ઉમેદવાર માટે 45 ટકા ગુણ રહેશે
– પરીક્ષા આપનાર ઉમેદવારે ઓછામાં ઓછા 50 માર્કસ લેવાના રહેશે, ઉત્તીર્ણ ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષામાં મેળવેલ ગુણના 70 ટકા ગુણ મેરિટ ગુણ તરીકે ગણતરીમાં લેવાશે
– જે ઉમેદવારોએ UGC NET (JRF)/ UGC – CSIR NET (JRF)/ SLET/GATE/Teacher Fellowship Holders/ M.Phil. ધારક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વર્ષ-2020-2021 પહેલાંની પીએચડી પ્રવેશ/એલિજિબિલિટી પરીક્ષામાં ઉત્તીર્ણ હોય તેવા ઉમેદવારોએ પીએચડી મેરિટ પરીક્ષા આપવાની રહેશે. પીએચડી મેરિટ પરીક્ષામાં મેળવેલ ગુણ ઉમેદવારોના મેરિટ ગુણ તરીકે ગણતરીમાં લેવામાં આવશે. આ ઉમેદવારોને 50 ટકા ગુણ ક્વોલિફાઈંગનો નિયમ લાગુ પડતો નથી.
– UGC NET (JRF)/ UGC – CSIR NET (JRF)/ SLET/GATE/Teacher Fellowship Holders/ M.Phil. ધારક ઉમેદવારો ઈચ્છે તો પીએચડી પ્રવેશ પરીક્ષા આપી શકશે. પીએચડી પ્રવેશ પરીક્ષા આપે તો તેમને પ્રવેશ પરીક્ષાના નિયમો લાગુ પડશે. આ ઉમેદવારોને 50 ગુણ ક્વોલિફાઈંગનો નિયમ લાગુ પડશે.
– પીએચડી પ્રવેશની આખરી યાદી યુજીસીના નિયમ મુજબ ઉમેદવારે મેળવેલ મેરિટ કમ પ્રવેશ પરીક્ષાના 70 ટકા ગુણ + ડીઆરસીના 30 ટકા ગુણ મુજબ તૈયાર કરવામાં આવશે.
– જે ઉમેદવારોએ માત્ર મેરિટ પરીક્ષા આપેલ છે તે તમામ ઉમેદવારો તેમજ જે ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા આપી છે અને ક્વોલિફાય થયા છે તેવા તમામ ઉમેદવારોએ એ DRCની પ્રક્રિયામાં હાજર રહેવું ફરજિયાત છે.

પ્રશ્નપત્રનું માળખું
– કુલ 100 માર્કસના પ્રશ્ન રહેશે. જેમાં 100 બહુવિકલ્પીય (એમસીક્યુ) રહેશે
– દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે 100 પ્રશ્નમાંથી 50 પ્રશ્ન રિસર્ચ મેથોડોલોજી અને 50 પ્રશ્ન વિષય સંબંધિત રહેશે
-માઈનસ ગુણ પદ્ધતિ રાખવામાં આવી નથી
– પરીક્ષાનો સમય 120 મિનિટનો રાખવામાં આવ્યો છે

ક્વોલિફાઈડ ઉમેદવાર પણ મેરિટ માટે પરીક્ષા આપી શકશે
યુનિવર્સિટીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, 2019-20 પહેલાં જેટલા ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે તેઓને પણ મેરિટ માટે પરીક્ષા આપવી પડશે. તેમજ જે ઉમેદવારો પાસે વેબકેમવાળું ડેસ્કટોપ અને લેપટોપ નથી તેઓના માટે કોઈ એક સેન્ટરમાં પરીક્ષા લેવાની વિચારણા પણ ચાલી રહી છે. પ્રવેશ પરીક્ષા માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી છે. સમગ્ર માહિતી https://phd.sauuni.ac.in પરથી મળી જશે. ઉમેદવારોને ફોર્મ ભરવાથી શરૂ કરીને પરીક્ષા આપ્યા બાદ શું કરવું તે માટે મોકટ્રાઈનો વીડિયો પણ વેબસાઈટ પર મુકાશે અને એક વખત મોકટ્રાઈ પણ લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here