જામનગર શહેરમાં સતત કોરોના સંક્રમણના વધતા કેસ સામે શહેરમાં ધનવંતરી રથ દ્વારા કરવામાં આવતી સેવાઓની સમીક્ષા હેતુ જિલ્લા સમાહર્તા રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલએ શહેરના મોદી સ્કૂલ પાસે પંચવટી વિસ્તાર, ભવન્સ સ્કૂલ પાસે, ગ્રેગરીયસ સ્કૂલ પાસે પટેલ કોલોની વિસ્તાર, રામેશ્વરનગર પટેલવાડી વિસ્તાર, ઇવા પાર્ક ખાતે કાર્યરત ધન્વંતરી રથો અને નવાગામ ઘેડ તેમજ નિલકંઠનગર શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
આ રથ દ્વારા દર્દીઓને મળતી સેવાઓ જેવી કે, દર્દીઓને કયા પ્રકારની દવાઓ આપવામાં આવે છે, દર્દીઓના વિવિધ ટેસ્ટ જેવા કે બ્લડ શુગર, એન્ટીજન ટેસ્ટ, ઓક્સિજન લેવલની તપાસ વગેરે વિશે સ્થળ પર જઇ ચકાસણી કરી હતી. સાથે જ લોકો સાથે મુલાકાત કરી ધન્વંતરી રથ વિષેની તેમને મળતી સેવાઓ વિશે પૃચ્છા કરી હતી અને સાધનોની ચકાસણી પણ કરી હતી.

આ તકે, કલેકટર રવિશંકર અને કમિશનર સતિષ પટેલ દ્વારા જામનગરમાં હાલની કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ જામનગરના શહરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સારવારનો લાભ લેવા તેમજ કોરોના સામેની લડત લડવા લોકસહયોગની અપેક્ષા માટે જામનગરની જનતાને અનુરોધ કર્યો હતો.

ધનવંતરી રથ દ્વારા લોકોને તેમના વિસ્તારમાં જ રોગપ્રતિકારક શક્તિવર્ધક દવાઓ, આયુર્વેદિક ઉકાળાઓ, શરદી, તાવ, ઉધરસ વગેરેની દવાઓ, આવશ્યક વિટામિનની દવા, હોમિયોપેથી દવાઓ અને સંશમની વટી, વિવિધ ટેસ્ટની સુવિધાઓ આપવામાં આવે છે.
આ મુલાકાતમાં નાયબ પોલીસ અધિક્ષક એ.પી.જાડેજા, શહેર પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર, મહાનગરપાલિકાના એમ.ઓ.એચ. ઋજુતાબેન જોશી તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
અહેવાલ- સાગર સંઘાણી, જામનગર.