કોરોનાના સંક્રમણ સમયમાં સંયમિત જીવનશૈલી અપનાવી સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીએ : ‘‘હારશે કોરોના – જીતશે રાજકોટ’’

0
122

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય
રાજકોટના બી. કે. અંજુદીદીનો પ્રેરક સંદેશ

કોરોનાની મહામારીના સમયમાં રાજકોટ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના બી. કે. અંજુદીદીએ રાજકોટવાસીઓને પ્રેરક સંદેશ આપતાં જણાવ્યું હતુ કે, ચડતી – પડતી, હાર – જીત અને સંઘર્ષ – વિઘર્ષ એ તો જીવનનો એક ક્રમ છે. વર્તમાન સમયમાં આ મહામારીથી આપણે સૌ કોઈ પીડિત થઈ રહયાં છીએ. વાસ્તવમાં આ સમય ડરવાનો નથી. ભયભીત થવાનો નથી. હંમેશા યાદ રાખીએ કે કોઈ પણ સમય એક સમાન રહેતો નથી. આ દિવસો પણ પસાર થઈ જશે, થવાના જ છે. આ માટે આપણે સૌ સંયમિત જીવન પ્રણાલી અપનાવી સરકારની માર્ગદર્શિકાનું જરૂરથી પાલન કરીએ.


નિયમ-સંયમ એ આપણા જીવનનું સુરક્ષા કવચ છે. સંયમનું બળ આપણને વધારે તાકાત પૂરી પાડે છે. કોરોનાની આ મહામારીથી બચવા માટે આપણે નિયમિત હાથ ધોઈએ, માસ્ક પહેરીએ, સોશ્યલ ડીસ્ટન્સ રાખીએ અને જરૂર વિના બહાર ન નીકળીએ. આ થોડા દિવસો જ કદાચ આપણી સામે આવ્યા છે, અને એ પણ જતા રહેશે. આ સમયમાં આપસમાં, ઘરમાં, પરિવારમાં એક બીજાનો સ્નેહ – પ્રેમ આપણું આત્મબળ વધારવા માટે નિમિત્ત બને છે. આથી જ જો કોઈ જાણ્યે અજાણ્યે સંક્રમિત થઈ જાય તો એ બધા પ્રત્યે આપણો ભાવ વિધેયાત્મક રાખીને તે ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરીએ.


કોરોનાને હરાવવા માટે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા નિયમિત પ્રાણાયામ, કસરત કરીએ સાથો-સાથ આયુર્વેદિક ઔષધિ – ઉકાળાઓનું નિયમિત સેવન કરીએ અને એક સૂત્ર હંમેશા યાદ રાખીએ કે, મારું રાજકોટ – સ્વસ્થ રાજકોટ, મારૂં રાજકોટ – નિરોગી રાજકોટ. કોરોનાનો આ કપરો કાળ પણ પૂરો થશે અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here