ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સને મજબુત સુરક્ષાકવચ પુરૂં પાડતો કોવીડ-૧૯ હોસ્પિટલનો ડોનીંગ-ડોફીંગ વિભાગ

0
93

પી.પી.ઈ.કીટના પહેરવેશથી લઈ તેના યોગ્ય નિકાલના સુનિશ્ચિત આયોજન સાથે નક્કર કામગીરી કરતાં આરોગ્ય કર્મીઓ
શત્રુને પરાસ્ત અને નબળો કરવા માટે શસ્ત્ર-સરંજામની સાથે દૂરંદેશીભર્યું નક્કર આયોજન મહત્વનો ભાગ ભજવે છે, જેના સુચારૂ અમલીકરણથી અણચિંતવ્યા દુશ્મન સામે અવશ્ય જીત મળે છે. આરોગ્ય યોધ્ધાઓ કોરોનારૂપી શત્રુ સામે પી.પી.ઈ.કીટનો સાવચેતીપૂર્વક ઉપયોગ-નિકાલ કરીને સંક્રમિત થયા વગર પોતાની જીત અને સુરક્ષા નિશ્ચિત કરી શકે તે માટે રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલમાં ડોનીંગ અને ડોફીંગ વિભાગ બનાવવામાં આવ્યો છે.
કોવીડ વોર્ડમાં નોડલ ઓફિસર અને ડોનીંગ-ડોફીંગ ટીમના હેડ તરીકે કાર્યરત ડો. ગોપી મકવાણાએ ડોનીંગ-ડોફીંગ એરિયા અને તેમાં સમાવિષ્ટ થતી બાબતો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ” કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે ફરજ નિભાવતા આરોગ્ય કર્મીઓ માટે આ વિભાગ બનાવવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય કર્મીઓને ડ્યુટી જોઈન કર્યા પહેલા ડોનીંગના નિયમો અનુસાર પી.પી.ઈ.કીટ અને સાવચેતીના તમામ પગલાઓ અનુસરીને કોવીડ વોર્ડમાં દાખલ થવાનું રહે છે. અને ત્યાર બાદ કોવીડ વોર્ડમાંથી ફરજ પૂર્ણ કર્યા બાદ ડોફીંગના નિયમો અનુસાર પી.પી.ઈ.કીટ નો યોગ્ય નિકાલ કરીને સંપૂર્ણ સેનેટાઈઝ થયા પછી જ હોસ્પિટલમાંથી રજા લેવાની હોય છે.”
કોરોના પોઝીટીવ દર્દીની સારવાર માટે આરોગ્ય કર્મીઓ દ્વારા ડોનીંગ પધ્ધતિનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. પી.પી.ઈ.કીટ, માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવાના એક-એક સ્ટેપ પર સેનેટાઈઝરનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. તેમજ કોરોનાથી સંક્રમિત થયા વગર ઘરે પરત થઈ શકે તે માટે ડોફીંગ પધ્ધતિ મુજબ સૌપ્રથમ ગ્લોવ્ઝવાળા હાથને સંપૂર્ણ સેનેટાઈઝ કરવા, ત્યાર બાદ પી.પી.ઈ.કીટને એ રીતે કાઢવી કે તેનો અંદરનો ભાગ બહાર અને બહારનો ભાગ અંદરની તરફ રહે. ફરી ગ્લોવ્ઝને સેનેટાઈઝ કર્યા બાદ તેને કાઢીને ત્યાં ઉપલબ્ધ લાલ બેગમાં નાખવા સહિતની બાબતનું ઝીણવટભર્યું ધ્યાન રાખવામાં આવે છે. આમ ડોનીંગ અને ડોફીંગના નિયમોને અનુસરી, સેનેટાઈઝરનો ઉપયોગ કરીને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેમ ડો. તૃપ્તિ પુરોહિતે જણાવ્યું હતું.
પરસેવા અને ગરમીથી નીતરતા આરોગ્ય કર્મીઓ કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર નિષ્ઠાપૂવર્ક કામ કરી રહ્યા છે. ત્યારે સારવાર દરમિયાન તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે ડ્યુટી શરૂ થાય તે પહેલા ગરમ નાસ્તો અને એનર્જી ડ્રિંક આપવામાં આવે છે. તેમજ ડ્યુટી પૂર્ણ કર્યા બાદ ડોફીંગ એરીયામાં તેમના માટે પાણીની બોટલ તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
સ્પર્શથી ફેલાતા કોરોના વાયરસને સકંજામાં લેવા અને દર્દીઓને કોરોનામુક્ત બનાવવા માટે આરોગ્ય કર્મીઓ ડોનીંગ અને ડોફીંગ જેવી અનેક પધ્ધતિઓનું ચુસ્ત પાલન કરીને મક્કમ ગતિથી આગળ વધી રહ્યા છે. પી
.પી.ઈ. કીટમાં પરસેવાથી રેબઝેબ નીતરતાં હોવા છતાં એક પણ ફરિયાદ વગર લોકસેવા કરી રહ્યા છે. ત્યારે આરોગ્ય યોધ્ધાઓની આ મહામુલી સેવા આપણને અવશ્ય કોરોના સામે વિજયી બનાવશે, તેમાં કોઈ બેમત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here