રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મેં ડોકટરોને દર્દીઓને જમાડતા જોયા છે

0
243

કોરોના સંક્રમિત થયા બાદ પી.ડી.યુ.ની સારવારથી સ્વસ્થ થઈ પુન:ફરજ પર હાજર થયેલા રાજકોટના કર્મયોગીને થયો સિવિલના સંવેદનશીલ અભિગમનો થયો અનુભવ

લોકો જાણ્યા વગર ભલે ગમે તે વાતો કરે પણ હું રાજકોટની સિવિલ હોસ્પિટલની મારા જાત અનુભવ પરથી વાત કરું તો રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં દર્દીઓને ડોકટરોમાં ભગવાનના દર્શન થાય છે. મેં ડોકટરોને જમી ન શકતા દર્દીને જમવામાં મદદ કરતા અને દર્દીને પાણી પીવડાવતા જોયા છે.


આ શબ્દો છે રાજકોટમાં બહુમાળીમાં ઇજનેરી ભુસ્તરશાસ્ત્રીની કચેરીમાં ફરજ બજાવતા અને કોરોના વાયરસથી સંક્રમિત થતા રાજકોટની સિવિલમાં સારવાર લઇ સંપૂર્ણ સ્વસ્થ થયેલા કર્મયોગી કાનાભાઇ અજાભાઈ પરમારના. સિનિયર કલાર્ક કાનાભાઇએ કોરોનાને મ્હાત કરી તેની ફરજ પર હાજર થઈ પી.ડી.યુ.ની શ્રેષ્ઠ સારવારનો જાત અનુભવ વર્ણાવતાં કહ્યુ હતું કે, ત્રણ દિવસની બીમારી બાદ સીટી સ્કેન અને કોરોના અંગેના ટેસ્ટ રિપોર્ટથી કોવિડ પોઝિટિવ હોવાનુ નિદાન થતાં શરૂઆતમાં બહુ તકલીફ ન હોવાથી હું હોમ આઇસોલેટેડ થયો હતો. ઘરે તબીબો નિયમિત તપાસ કરવા આવતા હતા. ઓક્સિજનનું પ્રમાણ ઓછું જણાતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા આ કર્મચારીએ જણાવ્યું હતું કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ દ્વારા દર્દીની સારામાં સારી સારવાર અને મદદ કરવામાં આવે છે તેમણે એમ પણ કહ્યું કે હું જે વોર્ડમાં દાખલ થયો હતો તેની બાજુમાં એક વૃદ્ધાને જમવામાં તકલીફ પડતી હતી. ડોક્ટરો તેમને હિંમત આપીને તેમને જમાડવામાં પણ મદદ કરતા અને પાણી પણ પિવડાવતા મેં જોયા છે. સમયસર દવા પણ આપવામાં આવતી હતી.


સિવિલ હોસ્પિટલના સંવેદનશીલ અભિગમને લીધે દર્દીઓનું મનોબળ મજબૂત થાય છે. કોરોના સામેની લડાઇમા રાજ્ય સરકાર અને તબીબોની મહેનત કાબિલે-દાદ છે. શ્રેષ્ઠ સારવાર બદલ કર્મયોગી કાનાભાઇએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here